ન્યુ યોર્ક/નવી દિલ્હી: ગુજરાતી ભાષામાં ખૂબ જ ખ્યાત સોરઠી મહાવરો છે કે 'લખણ ન બદલે લાખા' અને આ મહાવરાને ભારતના પાડોશી દેશ પાકિસ્તાને સાર્થક કરી બતાવ્યો છે. સયુંકત રાષ્ટ્રમાં ફરી એકવાર પાકિસ્તાને ભારતના અભિન્ન ભગત જમ્મુ કાશ્મીરના ખોટા અર્થમાં ઉલ્લેખ તેમજ ફરી એકવાર એ જ કાશ્મીરનો રાગડો તાણ્યો હતો. હવે આ મુદ્દે ભારતે પાકિસ્તાનને રોકડું પરખાવ્યું છે, ભારતે કહ્યું હતું કે સયુંકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની અસ્થાયી સદસ્યતા એક મોટી જવાબદારી છે, તે માત્ર ભેદભાવભર્યા અને ખોટી વાતો ફેલાવવાનું મંચ નથી.
મળતી વિગતો અનુસાર, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પર્વતનેની હરીશે કહ્યું હતું કે, "જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો સંપૂર્ણપણે આંતરિક મામલો છે અને આ સંદર્ભમાં પાકિસ્તાનની ટિપ્પણીઓએ મને જવાબ આપવા માટે મજબૂર કર્યો."
ભારતની આ પ્રતિક્રિયા એ સમયે આવી છે કે જ્યારે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ રાજદૂત અસીમ ઇફ્તિખાર અહેમદે "સુરક્ષા પરિષદના વાર્ષિક અહેવાલ" પર યુએન મહાસભાને સંબોધનમાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાકિસ્તાન સતત યુએનના વિવિધ મંચો પર જમ્મુ અને કાશ્મીર તેમજ ભારતના આંતરિક બાબતોનો મુદ્દો ઉઠાવતું આવ્યું છે. પાકિસ્તાન હાલમાં સુરક્ષા પરિષદનું બિન-કાયમી સભ્ય છે, જેનો કાર્યકાળ આ વર્ષે સમાપ્ત થઈ રહ્યો છે.
ભારતે યુએન જનરલ એસેમ્બલી હોલમાં કહ્યું હતું કે પાકિસ્તાને પોતાના વિભાજનકારી રાજકીય હિતો માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રતિષ્ઠિત મંચોનો દુરુપયોગ કરવાની પોતાની વર્ષોની જૂની ટેવને અકબંધ રાખી છે. પાકિસ્તાને સુરક્ષા પરિષદમાં તેની હાજરીનો દુરુપયોગ કર્યો છે, જેમાં અસંખ્ય ખોટી માહિતી અને ભ્રામક સંદેશાઓ ફેલાવવાનો સમાવેશ થાય છે. ભારતે કહ્યું હતું કે પાકિસ્તાનને યાદ અપાવવા માંગી છીએ કે યુએન સુરક્ષા પરિષદનું સભ્ય હોવું એ એક મોટી જવાબદારી છે. આ પક્ષપાતી અને ખોટા નિવેદનો ફેલાવવા માટેનું મંચ નથી.