Sat Jun 06 2026

Logo

રાહુલ, ગિલની સેન્ચુરીઃ પંતના 50મી ટેસ્ટમાં અણનમ 50 રન

2026-06-06 18:05:57
Author: Ajay Motiwala
Article Image

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટનો પહેલો દિવસ ભારતનોઃ ત્રણ વિકેટે 368 રન

ન્યૂ ચંડીગઢઃ અહીં મુલ્લાંપુર શહેરમાં મહારાજા યદવિન્દ્રસિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય બૅટ્સમેનોએ 40 ડિગ્રી તાપમાનમાં જબરદસ્ત બૅટિંગ પર્ફોર્મન્સથી અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)નો શનિવારનો પ્રથમ દિવસ પોતાના નામે કર્યો હતો. ભારતે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ પસંદ કરી અને રમતના અંત સુધીમાં માત્ર ત્રણ વિકેટે 368 રન કર્યા હતા.

ભારત એક દાવથી જીતવા મક્કમ

ઓપનર યશસ્વી જયસ્વાલને બાદ કરતા બાકીના ચારેય બૅટ્સમેન સારું રમ્યા હતા અને ભારત આ મૅચ એક દાવથી જીતી શકે એ માટે ઇનિંગ્સનો પાયો રવિવારના બીજા દિવસે વધુ મજબૂત કરવામાં આવશે એવી સંભાવના છે. પિચ સમય જતાં સ્લો બોલર્સ (સ્પિનર્સ)ને વધુ માફક આવે એવી હોવાથી ભારતના સ્પિનર્સ (કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર અને નવોદિત માનવ સુથાર) વધુ અસરદાર પર્ફોર્મ કરશે એવી ધારણા છે. અફઘાનિસ્તાન સામે ભારતની આ માત્ર બીજી જ ટેસ્ટ (Test) છે. 2018માં ભારતે અફઘાનિસ્તાનને પ્રથમ ટેસ્ટમાં એક ઇનિંગ્સથી હરાવ્યું હતું. તેમનો મુખ્ય સ્પિનર રાશીદ ખાન આ ટેસ્ટમાં નથી રમ્યો.

તાજેતરની આઇપીએલમાં થર્ડ-હાઇએસ્ટ 722 રન બનાવનાર ઓપનર સાઇ સુદર્શન (81 રન, 104 બૉલ, તેર ફોર) પ્રથમ ટેસ્ટ સદી ચૂકી ગયો હતો, પરંતુ તેણે પહેલાં યશસ્વી જયસ્વાલ (24 રન, 32 બૉલ, પાંચ ફોર) સાથે 41 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી અને પછી કેએલ રાહુલ (100 રન, 165 બૉલ, અગિયાર ફોર) સાથે બીજી વિકેટ માટે 139 રનની શાનદાર ભાગીદારી કરી હતી. સુદર્શન અને રાહુલ ડિફેન્સિવ છતાં દમદાર ઇનિંગ્સ રમ્યા હતા.

PTI

`નસીબવાન' સુદર્શન કેમ પ્રથમ સદી ચૂક્યો?

સુદર્શન અફઘાનના બીજી જ ટેસ્ટ રમી રહેલા પેસ બોલર મોહમ્મદ સલીમના બૉલમાં કૅચઆઉટ થયો હતો. સલીમના કલાકે 142 કિલોમીટરની ઝડપવાળા બૉલમાં સુદર્શન એક ઘૂંટણિયે બેસીને કવર ડ્રાઇવ મારવા ગયો હતો, પણ શૉટ મારવામાં થોડો મોડો પડ્યો હતો અને વિકેટકીપર અફસાર ઝઝાઈએ તેનો નીચો કૅચ ઝીલી લીધો હતો. એ પહેલાં, સુદર્શનનો બે વખત કૅચ છૂટ્યો હતો. સુદર્શનની વિકેટ બાદ કૅપ્ટન શુભમન ગિલ (103 નૉટઆઉટ, 143 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર) રાહુલ સાથે જોડાયો હતો અને બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે 67 રનની પાર્ટનરશિપ થઈ હતી. ગિલ (Gill) આક્રમક ઇનિંગ્સ રમ્યો અને તે જાણે પ્રૅક્ટિસ મૅચમાં રમી રહ્યો હોય એવું પર્ફોર્મ કર્યું હતું. 247 રનના કુલ સ્કોર પર રાહુલ 12મી ટેસ્ટ-સદી પૂરી કરીને આઉટ થયો હતો. પેસ બોલર ઝિયાઉર રહમાનના બૉલમાં તે શૉર્ટ એક્સ્ટ્રા કવર પર રહમનુલ્લા ગુરબાઝના હાથમાં કૅચઆઉટ થયો હતો.

પંતે સ્પિનરને બતાવ્યો પરચો

રાહુલની ત્રીજી વિકેટ બાદ વિકેટકીપર રિષભ પંત (50 નૉટઆઉટ, 70 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) કૅપ્ટન ગિલ સાથે ક્રીઝમાં જોડાયો હતો. પંતની આ 50મી ટેસ્ટ છે અને એમાં તેણે દિવસના અંત સુધીમાં 50 રન પૂરા કર્યા હતા. પંત ટેસ્ટના પ્રારંભિક દિવસે અસલ મિજાજમાં રમ્યો અને આઇપીએલનો મૂડ હજી ઓસર્યો ન હોય એ રીતે તેણે ઑફ સ્પિનર અબ્દુલ મલિકની એક ઓવરમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. પંત આઇપીએલમાં ધમાકેદાર નહોતો રમ્યો, પણ હવે તે કૅપ્ટન્સીના બોજમાં નથી રમી રહ્યો એટલે મુક્ત મનથી રમે છે અને એમાં તેણે અબ્દુલની ઓવરના પહેલા, ચોથા અને પાંચમા બૉલમાં સિક્સર ફટકારી દીધી હતી.

PTI

ગિલ-પંતની 121ની અતૂટ ભાગીદારી

રમતને અંતે ગિલ-પંત વચ્ચે 151 બૉલમાં 121 રનની અતૂટ ભાગીદારી થઈ ચૂકી હતી. નિયમ મુજબ આખા દિવસમાં 90 ઓવર થવી જોઈતી હતી, પણ નબળા પ્રકાશને લીધે 85મી ઓવરને અંતે રમત સમેટી લેવાઈ હતી.