નિશિન (જાપાન): એશિયન ગેમ્સમાં પુરુષોની ટી-20 ટૂર્નામેન્ટ શરૂ થઈ ચૂકી છે અને ભારતનો પ્રથમ મુકાબલો સોમવાર, 28મી સપ્ટેમ્બરે (સવારે 10.30 વાગ્યાથી) છે અને એ પહેલાં ભારતીય ખેલાડીઓએ પ્રૅક્ટિસ કરવાની શરૂઆત કરી દીધી છે જેમાં ખાસ કરીને સંજુ સૅમસન અને વૈભવ સૂર્યવંશીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
આ ટૂર્નામેન્ટ માટે વીવીએસ લક્ષ્મણ ભારતીય ટીમનો હેડ-કોચ છે. તેણે ગુરુવારે જાપાનના આઇચી-નાગોયામાં ટીમ ઇન્ડિયા માટે ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ સેશન રાખ્યું હતું. ખેલાડીઓ માટે આ સત્ર ફરજિયાત નહોતું. તેમને વિકલ્પ અપાયો હતો કે જેમને પ્રૅક્ટિસ (Practice) કરવી હોય તેઓ આવી શકે છે, પણ જેમને ન કરવી હોય તેઓ હૉટેલના રૂમમાં આરામ કરી શકે છે. ખેલાડીઓને જાપાનના હવામાન સહિતની પરિસ્થિતિઓથી અનુકૂળ થવા વિશે તેમ જ બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગના કૌશલ્યને વધુ અસરદાર બનાવવા લક્ષ્મણ પાસેથી માર્ગદર્શન મળ્યું હતું.
Keeping the intensity high 💪
— BCCI (@BCCI) September 24, 2026
🎥 Glimpses from #TeamIndia's indoor training session as we inch closer to the #AsianGames 🔥 pic.twitter.com/88tI2dxgK5
કેટલાક ખેલાડીઓ લક્ષ્મણના કોચિંગમાં પ્રૅક્ટિસ માટે આવ્યા હતા જેમાં અનુભવી વિકેટકીપર-બૅટ્સમૅન સૅમસન (Samson) અને 15 વર્ષીય સૂર્યવંશી કેન્દ્રસ્થાને હતા. તેમણે લક્ષ્મણની દેખરેખમાં ખૂબ બૅટિંગ પ્રૅક્ટિસ કરી હતી. ઉલ્લેખનીય છે કે લક્ષ્મણ બેંગ્લૂરુમાં બીસીસીઆઇના સેન્ટર ઑફ એક્સેલન્સ (સીઓઇ)નો ચીફ છે. રવિવારે ઘરઆંગણે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વન-ડે સિરીઝ શરૂ થઈ રહી છે અને ગૌતમ ગંભીર આ શ્રેણીમાં શુભમન ગિલ ઍન્ડ કંપનીને કોચિંગ આપવામાં વ્યસ્ત રહેશે એટલે લક્ષ્મણને એશિયન ગેમ્સમાં ભારતની ટી-20 ટીમના કોચિંગની જવાબદારી સોંપાઈ છે.
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતને સીધી ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી અપાઈ છે અને એ મુકાબલો સોમવારે થશે. એ જ દિવસે પહેલાં પાકિસ્તાનની અન્ય હરીફ સામે મૅચ રમાશે અને ત્યાર બાદ ભારતની મૅચ માટે સવારે 10.00 વાગ્યે ટૉસ થશે.