Thu Jun 04 2026

Logo

મધ્ય પૂર્વમાં શાંતિના આશાવાદે વૈશ્વિક સોના-ચાંદીમાં સુધારો

2026-06-04 19:41:24
Author: Ramesh Gohil
Article Image

સ્થાનિક સોનામાં રૂ. 1075 વધ્યા, ચાંદી રૂ. 487 ઘટી  

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
મધ્ય પૂર્વના દેશોમાં ભૂરાજકીય તણાવનો ઉકેલ આવે તેવા આશાવાદ સાથે ફુગાવામાં અને વ્યાજદરમાં વધારો થવાની ચિંતા હળવી થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે વિશ્વ બજાર પાછળ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1046થી 1050નો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીમાં નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. 487નો ઘટાડો આવતા બન્ને કિંમતી ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારોની તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 487ના સાધારણ ઘટાડા સાથે રૂ. 2,61,088ની સપાટીએ રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળવાની સાથે છૂટીછવાઈ રોકાણલક્ષી માગને ટેકે વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ રૂ. 1046ના સુધારા સાથે રૂ. 1,55,461 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1050ના સુધારા સાથે રૂ. 1,56,086ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. 

આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા વધીને આૈંસદીઠ 4464.79 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 4491.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 73.31 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

ઈઝરાયલ અને લેબેનોન બન્ને દેશો એકબીજા પર હુમલા ન કરવા અને યુદ્ધ વિરામ અંગે સંમત થતાં હવે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થવાનો આશાવાદ સપાટી પર આવ્યો હતો. વધુમાં અમેરિકી રિપબ્લિકનના નેજા હેઠળના યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે અમેરિકી પ્રમુખને ઈરાન સાથે યુદ્ધ ચાલુ રાખતા અટકાવવાના ઠરાવને મંજૂર કર્યો હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા આજે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં ફુગાવાલક્ષી અને વ્યાજદરમાં વધારાની ચિંતા હળવી થતાં સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું જેફ્રીઝની માલિકીની ટ્રેડુ ડૉટ કૉમના વિશ્લેષક નિકોસ ઝુબોરોસે જણાવ્યું હતું. 

વધુમાં ક્નસલ્ટન્સી મેટલ ફોકસના મતાનુસાર વર્ષ 2026ના બીજા છમાસિક ગાળામાં સોનામાં તેજીનું વલણ જોવા મળશે, પરંતુ વર્ષ 2026માં ખાસ કરીને જ્વેલરી અને કેન્દ્રવર્તી બૅન્કોની ખરીદીમાં દ્વીઅંકી ટકાવારીમાં નુકસાન થયું હોવાથી વર્ષ 2026માં સોનાની કુલ માગમાં બે ટકા જેટલો ઘટાડો થવાની ધારણા તેમણે મૂકી હતી. જોકે, આગામી ટૂંકા સમયગાળામાં પડકારો જળવાઈ રહેતાં કિંમતી ધાતુના ભાવ મંદીના ઝોનમાં રહેતાં ઘટાડાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. જોકે, રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના મે મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.