નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આજે દિલ્હીના જંતર-મંતર ખાતે વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં અમેરિકાથી ભારત આવેલા CJP ના સ્થાપક અભિજીત દીપકેએ તેમના સેંકડો સમર્થકો સાથે ભાગ લીધો હતો. આ પ્રદર્શન દરમિયાન અભિજીત દીપકેએ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. તેમણે સરકારને સાંજે 5 વાગ્યા સુધીની ડેડલાઇન આપીને ચીમકી ઉચ્ચારી હતી કે જો શિક્ષણ પ્રધાન રાજીનામું નહીં આપે તો તેઓ આવતા શનિવારે ફરી જંતર-મંતર પર પ્રદર્શન કરશે. જોકે, તેમની આ ચેતવણીની કોઈ અસર જોવા મળી ન હતી અને આથી તેણે અંતે પોસ્ટ કરીને લખ્યું હતું કે 'આજનો વિરોધ ફક્ત એક ટ્રેલર હતો.'
ત્યારે હવે આ મામલે દેશના રાજકીય આગેવાનો પણ ટિપ્પણી કરી રહ્યા છે. દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીક અને યુવાઓના ભવિષ્યના મુદ્દે શરૂ થયેલા 'કોકરોચ આંદોલન'ને લઈને દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ આંદોલનને ખુલ્લું સમર્થન આપતા દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું હતું કે, આ આંદોલન દેશના યુવાનોના ભારે ગુસ્સા અને હતાશાનું પરિણામ છે. કેન્દ્રની મોદી સરકારે આ યુવાનોને 'રાષ્ટ્રવિરોધી' ગણાવવાને બદલે તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ. કેજરીવાલે વડાપ્રધાન સમક્ષ તાત્કાલિક ધોરણે દેશના શિક્ષણ પ્રધાનને બરતરફ કરવાની કડક માંગણી પણ કરી છે.
શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પણ પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન શેર કરતા આંદોલનકારી યુવાનોનો અવાજ બુલંદ કર્યો હતો. ઠાકરેએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, જેમને આપણે દેશના ભાગ્યવિધાતા અને ભવિષ્ય કહીએ છીએ તેવા હજારો યુવાનો કાળઝાળ ગરમીમાં પોતાના ભવિષ્યની ચિંતા સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. NEET પેપર લીકે લાખો યુવાનોને બરબાદ કરી દીધા છે અને હવે તેઓ 'કોકરોચ' બનીને ન્યાય માંગી રહ્યા છે. યુવાનોને કોકરોચ કહીને તેમનું અપમાન કરવું યોગ્ય નથી. તેમણે સરકારને ચેતવણી આપતા કહ્યું કે આ આંદોલનકારીઓને કમજોર આંકવાની ભૂલ ન કરે, સરકારે તેમની માંગણીઓ સાંભળવી જ પડશે.
જો કે બીજી તરફ, શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા નીતિન નવીને આ આંદોલનનું સીધું નામ લીધા વિના તેના પર નિશાન સાધ્યું હતું. તેમણે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, વિદેશમાં બેઠેલા કેટલાક લોકો એવું માને છે કે તેઓ ભારતના યુવાનોને દોરવણી આપી શકશે, પરંતુ તે શક્ય નથી. ભારતનો યુવાન ખેડૂતો સાથે ચોપાલમાં, કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં અને કોલેજ કેમ્પસમાં જોવા મળે છે. તેમણે વિપક્ષ પર આડકતરો પ્રહાર કરતા ઉમેર્યું હતું કે, ભારતનો યુવાન દિલ્હીમાં બેઠેલા કેટલાક લોકોની મુઠ્ઠીની કઠપૂતળી બનીને ક્યારેય આગળ વધવાનો નથી.