સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને બોલીવૂડ બ્યુટી જ્હાન્વી કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પેડ્ડી' થિયેટરમાં રીલિઝ થઈ ચૂકી છે. ફિલ્મના સુપરહિટ ગીતો અને દમદાર ટ્રેલરે સોશિયલ મીડિયા પર પહેલેથી જ જે હાઈપ ઊભી કરી હતી અને હવે તેની અસર બોક્સ ઓફિસ પર જોવા મળી રહ્યો છે. રીલિઝ થતાંની સાથે જ 'પેડ્ડી' એ થિયેટરોમાં ધૂમ મચાવી દીધી છે અને ઓપનિંગ ડે પર જ વર્લ્ડવાઇડ 100 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવી દીધો છે.
મેકર્સ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, 'પેડ્ડી' એ વિશ્વભરમાં પોતાના પહેલા જ દિવસે 135.36 કરોડ રૂપિયાથી વધુનું ગ્રોસ કલેક્શન કરીને બોક્સ ઓફિસ પર તોફાની આંધી લાવી દીધી છે. આ ધમાકેદાર ઓપનિંગ સાથે જ એ આ વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે. માત્ર સાઉથમાં જ નહીં, પરંતુ હિન્દી બેલ્ટમાં પણ ફિલ્મને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે અને વીક-એન્ડમાં આ કમાણી હજુ ક્યાંય આગળ નીકળી જશે તેવી પૂરી સંભાવના છે.
પેડ્ડીની શાનદાર સફળતા સાથે રામ ચરણે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 'RRR' પછી આ તેમની સતત બીજી એવી ફિલ્મ છે જેણે પહેલા જ દિવસે 100 કરોડથી વધુની ઓપનિંગ મેળવી હોય. આ સાથે જ તેઓ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એકથી વધુ વખત 100 કરોડ પ્લસની ઓપનિંગ આપનારા દુનિયાના માત્ર પાંચમા એક્ટર બની ગયા છે. મેકર્સે પણ ખુશી શેર કરતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, બોક્સ ઓફિસ ચેમ્પિયન પેડ્ડી સર! પહેલા દિવસે 135.36 કરોડ રૂપિયાથી વધુનું ગ્રોસ કલેક્શન.
બુચી બાબુ સના દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રામ ચરણ ઉપરાંત જ્હાન્વી કપૂર, શિવા રાજકુમાર અને જગપતિ બાબુ જેવા કલાકારો છે. ફિલ્મમાં રામ ચરણે એક 'ક્રોસઓવર એથ્લેટ' ની ભૂમિકા ભજવી છે. આ પાત્ર એવા ખેલાડીઓથી પ્રેરિત છે જેઓ પોતાની અસલી મંઝિલ મેળવતાં પહેલાં અલગ-અલગ રમતોમાં નસીબ અજમાવે છે બરાબર એમ જ જેમ એમ. એસ. ધોની ક્રિકેટર બનતા પહેલા ફૂટબોલ રમતા હતા અથવા સચિન તેંડુલકર શરૂઆતમાં ટેનિસના શોખીન હતા.