Sat Jun 06 2026

Logo

ટેસ્ટ મૅચ: લંચ-બ્રેક સુધીમાં ભારતના એક વિકેટે ૯૬ રન

2026-06-06 12:16:00
Author: Ajay Motiwala
Article Image

સ્પિનર માનવ સુથાર ભારતનો 319મો ટેસ્ટ ખેલાડી

ન્યુ ચંડીગઢ: અહીં મુલ્લાંપુર (MULLANPUR)માં શરૂ થયેલી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મૅચ (Test match)માં પહેલા દિવસે લંચ પહેલાંનું પ્રથમ સત્ર મોટા ભાગે ભારતની તરફેણમાં રહ્યું હતું. લંચ-બ્રેક વખતે ભારતનો સ્કોર એક વિકેટે 96 રન હતો.

 

૪૧મા રને ભારતે યશસ્વી જયસ્વાલ (32 બૉલમાં 24 રન)ની પ્રથમ વિકેટ ગુમાવી હતી, પરંતુ ત્યાર બાદ બીજા ઓપનર કેએલ રાહુલ (70 બૉલમાં 37 રન નોટઆઉટ) અને વનડાઉન બૅટ્સમૅન સાઈ સુદર્શન (49 બૉલમાં 32 નોટઆઉટ)ની જોડીએ ભારતની ઇનિંગ્સનો પાયો મજબૂત કર્યો હતો. રાજસ્થાનનો 23 વર્ષનો લેફટ-આર્મ સ્પિન ઑલરાઉન્ડર માનવ સુથાર ભારતનો 319મો ટેસ્ટ ખેલાડી બન્યો છે. સવારે પીઢ સ્પિનર કુલદીપ યાદવના શુભહસ્તે તેને ટેસ્ટ કૅપ સોંપવામાં આવી હતી.

યશસ્વીની વિકેટ કરીઅરની બીજી જ ટેસ્ટ રમી રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ સલીમે લીધી હતી. યશસ્વી વિકેટકીપર અફસાર ઝઝાઈના હાથમાં કૅચચાઉટ થયો હતો.

ન્યુ ચંડીગઢમાં પહેલી જ વખત ટેસ્ટ મૅચ રમાઈ રહી છે. ભારતની અફઘાનિસ્તાન સામે આઠ વર્ષ પછીની આ પ્રથમ ટેસ્ટ છે. એમાં ભારતના સુકાની શુભમન ગિલે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી છે. હશમતુલ્લા શાહિદી અફઘાનિસ્તાનનો કેપ્ટન છે. નવા કોચ રિચર્ડ પાયબસના કોચિંગ હેઠળની અફઘાનિસ્તાનની આ પહેલી જ ટેસ્ટ છે. અફઘાનિસ્તાને પણ સ્પિન ઑલરાઉન્ડર નેન્ગેલિયા ખરોટેને ટેસ્ટમાં ડેબ્યૂ અપાવ્યું છે. જોકે અફઘાનિસ્તાનનો પીઢ સ્પિન ઑલરાઉન્ડર રાશીદ ખાન આ મૅચમાં નથી રમી રહ્યો.

ભારતની ટેસ્ટ ટીમમાં રવિચંદ્રન અશ્વિન કે રવીન્દ્ર જાડેજા, બેમાંથી એક પણ સ્પિનર ન હોય એવી 2010ની સાલ પછીની આ પહેલી જ ટેસ્ટ છે.