Sat Jun 06 2026

Logo

ગુજરાત એસટીમાં ડ્રાઈવર, કંડકટરની નીકળી બંપર ભરતી, મહિલા ડ્રાઈવરોને મળશે આ ખાસ છૂટ

2026-06-06 11:14:00
Author: Mayur Patel
Article Image

Picture Credit : Amar Ujala


અમદાવાદઃ ગુજરાત એસટીમાં ડ્રાઈવર, કંડકટર તરીકે નોકરી કરવા લોકો માટે કામના સમાચાર છે. કર્મચારી સંગઠનોના વિરોધ બાદ સરકારે કોન્ટ્રાકટ આધારિત ભરતી રદ કરી સરકારી ધારાધોર મુજબ રૂ. 26,000ના  ફિક્સ પગારથી 8919 ડ્રાઈવર અને કંડકટરની કાયમી ભરતી કરવામાં આવશે. આ માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો આજથી એટલે કે 6 જૂનથી 5 જુલાઈ સુધી ઑનલાઈન અરજી કરી શકશે. મહિલા ડ્રાઈવરોને ભરતીમાં ખાસ છૂટ આપવામાં આવી છ, જે મુજબ મહિલા ડ્રાઈવરો પાસે અનુભવ નહીં હોય અનેમાત્ર લાયસન્સ હશે તો પણ તેઓ અરજી કરી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ,18 જૂનથી એક સપ્તાહનો વિરોધ કાર્યક્રમ જાહેર કરાતા આખરે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવાહર નિગમ દ્વારા આઉટસોર્સિંગથી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી રદ કરાઈ હતી. તેમજ 4318 કંડક્ટર અને 4599 ડ્રાઈવરની સરકારી ધારાધોરણ મુજબ 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગારથી ભરતી કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ માટે 6 જૂનથી 5 જુલાઈ સુધી અરજી કરી શકાશે. 

શું છે ડ્રાઈવરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ડ્રાઇવરની કુલ 4599 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. આ ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 રાખવામાં આવી છે. ઉપરાંત પુરુષ ડ્રાઈવર પાસે જાહેર અને ભારે વાહન ચલાવવાનું 4  વર્ષ જૂનું લાયસન્સ અને ડીઝલ સંચાલિત ભારે વાહનો ચાલવવાનો 4 વર્ષનો અનુભવ અને ટ્રાન્સપોર્ટ કંપીનીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જ્યારે મહિલા- ડ્રાઈવર પાસે અનુભવ નહીં અને ફક્ત જરૂરી લાયસન્સ હશે તો પણ અરજી કરી શકશે. આ માટે વયમર્યાદા 25 થી 35 વર્ષ નક્કી કરાઈ છે (અનામત વર્ગ માટે 5 વર્ષની છૂટછાટ રહેશે). શારીરિક માપદંડમાં પુરુષ ઉમેદવારો માટે લઘુત્તમ ઊંચાઈ 162 સેમી (ST વર્ગ માટે 160 સેમી) અને મહિલાઓ માટે 158 સેમી હોવી જરૂરી છે. 

ડ્રાઈવરની ભરતીમાં મહિલા ઉમેદવારો માટે હેવી લાયસન્સ અને બેઝ હોવો પૂરતો છે. હેવી વાહન ચલાવવાનો અનુભવ ન હોય તેવી મહિલાઓને નિગમ દ્વારા ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર ખાતે 2 મહિનાની ખાસ તાલીમ આપીને નિમણૂક આપવામાં આવશે.

કંડક્ટર માટે શું લાયકાત?

નિગમ દ્વારા કંડક્ટરની કુલ 4318 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. આ પદ માટે અરજી કરનાર ઉમેદવાર ધોરણ 12 પાસ (10+2) હોવો જોઈએ. ઉમેદવારની વયમર્યાદા 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે, જેમાં અનામત વર્ગના લોકોને નિયમ મુજબ છૂટછાટ મળશે. આ ઉપરાંત, ઉમેદવાર પાસે RTO માન્ય વેલિડ કંડક્ટર લાયસન્સ અને બેઝ હોવો અનિવાર્ય છે, તેમજ તેમનું વિઝન પણ બિલકુલ ક્લિયર હોવું જોઈએ.