અમદાવાદ: રેલવેમાં દરરોજ લાખો મુસાફરો પ્રવાસ કરે છે. આ દરમિયાન નવી દિલ્હી–સાબરમતી રાજધાની એક્સપ્રેસમાં સેવામાં ખામીઓ જોવા મળતા, અમદાવાદના ડિવિઝનલ રેલ્વે મેનેજર (DRM) વેદ પ્રકાશે સરપ્રાઈઝ ચેકિંગ કરીને કેટરિંગ કોન્ટ્રાક્ટર અને લિનન (ચાદર-તકિયા) સપ્લાયર બંનેને રૂ. 1-1 લાખનો દંડ ફટકાર્યો હતો.
DRM વેદ પ્રકાશે દિલ્હી જતી આ ટ્રેનમાં પોતે મુસાફરી કરી હતી અને ફર્સ્ટ એસી, સેકન્ડ એસી તેમજ થર્ડ એસી કોચના 100થી વધુ મુસાફરો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ નિરીક્ષણનો મુખ્ય હેતુ ટ્રેનમાં સ્વચ્છતા, હાઉસકીપિંગ, કેટરિંગ સર્વિસ અને લિનનની ગુણવત્તા તપાસવાનો હતો.
તપાસ દરમિયાન DRMને જાણવા મળ્યું કે થર્ડ એસીના કેટલાક કોચમાં મુસાફરોને ફ્રેશ લિનન આપવામાં આવતું ન હતું, જેના કારણે તેમણે લિનન વેન્ડરને 1 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. આ ઉપરાંત, ટ્રેનમાં પીરસવામાં આવતા ભોજનમાં ચોખાની ગુણવત્તા નબળી હોવાની મુસાફરોની ફરિયાદો સાચી જણાતા કેટરિંગ કોન્ટ્રાક્ટરને પણ આટલો જ દંડ ફટકારવામાં આવ્યો હતો.
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કવાયતનો હેતુ મુસાફરોના સીધા ફીડબેક દ્વારા સેવાની ગુણવત્તા અને મુસાફરોના સંતોષમાં સુધારો કરવાનો હતો. મુસાફરી દરમિયાન કેટલાક પેસેન્જર્સે પ્રીમિયમ ટ્રેનોમાં લેપટોપ વાપરતા લોકો માટે એક અલગ સમર્પિત વર્કસ્પેસ અથવા સેપરેટ વર્કિંગ કોચ શરૂ કરવાનું પણ સૂચન કર્યું હતું. બીજી તરફ, સિનિયર સિટીઝન્સ અને મહિલા મુસાફરોએ સુરક્ષા તેમજ લોઅર બર્થની ફાળવણી અંગે પણ રજૂઆત કરી હતી.