ન્યૂ ચંડીગઢઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે શનિવારે (સવારે 9.30 વાગ્યાથી) એકમાત્ર ટેસ્ટ મૅચ શરૂ થશે જેમાં યશસ્વી અને કેએલ રાહુલ ઓપનિંગમાં રમશે અને હેડ-કોચ ગૌતમ ગંભીરના જણાવ્યા અનુસાર સાઇ સુદર્શન વનડાઉનમાં મોકલવામાં આવશે. એ જોતાં દેવદત્ત પડિક્કલે ટેસ્ટ ટીમમાં કમબૅક માટે હજી થોડી રાહ જોવી પડશે.
શુભમન ગિલ ટીમનો સુકાની અને રાહુલ ઉપસુકાની છે. ગિલને ટેસ્ટ ક્રિકેટમાં 3,000 રન પૂરા કરવા બીજા 157 રનની જરૂર છે. ન્યૂ ચંડીગઢમાં પહેલી જ વખત ટેસ્ટ રમાશે. અશ્વિન-જાડેજામાંથી એકેય સ્પિનર ન હોય એવી 2010ની સાલ પછીની (16 વર્ષ પછીની) આ પહેલી જ ટેસ્ટ છે.
ભારતની સંભવિત ઇલેવનમાં પંત (વિકેટકીપર), જુરેલ, હર્ષ દુબે/માનવ સુથાર, કુલદીપ, સિરાજ અને ક્રિષ્નાનો સમાવેશ છે. હર્ષ અથવા સુથારમાંથી કોઈ એક ખેલાડી શનિવારે ટેસ્ટમાં ડેબ્યૂ કરશે.
અફઘાનિસ્તાનની ટીમમાં કૅપ્ટન હશમતુલ્લા શાહિદીની પ્લેઇંગ-ઇલેવનના સંભવિતોમાં સેદિકુલ્લા અટલ, ગુરબાઝ, રેહમત શાહ, ઓમરઝાઈ, રહમનુલ્લા, ઝઝાઈ (વિકેટકીપર), શરાફુદ્દીન અશરફ, એન. ખારોટે, કૈસ અહમદ અને ઝિઆઉર રહમાન સામેલ છે.