ભુજ: પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખાએ બંદરીય શહેર માંડવીની ભૂકંપનગરી વિસ્તારમાં આવેલા એક રહેણાક મકાનમાં દરોડો પાડીને દેશી તમંચો (કટ્ટો) અને એરગન સહિત ઘાતક હથિયારોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે, જ્યારે તેમના પિતા વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે.
શું શું મળ્યું
એલસીબીની ટુકડી ગત રાત્રે પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ગેબનશાપીરની દરગાહ સામે ભૂકંપનગરીમાં રહેતા અહેઝાઝ અહેમદ રઝાકમિયાં બુખારી (ઉ.વ.૨૯) અને તેના નાના ભાઈ મુશર્રફ (ઉ.વ.૨૪)ના ઘરે દારૂ હોવાની બાતમી મળી હતી. પોલીસે મકાનમાં દરોડો પાડી તપાસ કરતાં દારૂને બદલે કબાટમાંથી એક દેશી તમંચો અને એક જીવતો કારતૂસ મળી આવ્યો હતો. આ ઉપરાંત, અન્ય એક કબાટમાંથી લાકડાના હાથાવાળી એરગન (પિસ્ટલ) પણ મળી આવી હતી. સમગ્ર ઘરની સઘન તલાશી લેતા પોલીસને ત્રણ ધારદાર છરીઓ અને બે ધારિયા, એક કરવત અને બે ધોકા લોખંડની અલગ-અલગ સાઈઝની ૯ પાઇપો મળી આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં આરોપી અહેઝાઝે કબૂલ્યું હતું કે આ દેશી તમંચો તેના પિતા રઝાકમિયાંએ આપ્યો હતો. પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરીને સ્થળ પર ગેરહાજર એવા તેમના પિતા સહિત ત્રણેય વિરૂદ્ધ માંડવી પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપીઓ પૈકી મુશર્રફ સામે અગાઉ ૨૦૧૮ અને ૨૦૨૪માં મારામારી તથા હુમલાના ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં તેનો ભાઈ અહેઝાઝ પણ સહ-આરોપી હતો.
(ઉત્સવ વૈદ્ય)