રાજકોટઃ મોરબી-હળવદ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 5ના મોત થયા હતા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હોવાથી પતરું ચીરીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર ઘટના
મળતી વિગત પ્રમાણે, મોરબી-હળવદ હાઈવે પર ચરાડવા ગામ નજીક ગત રાત્રે કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે અથડાઈ હતી. જેમાં 5 લોકોનાં મોત થયા હતા. જ્યારે 2 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં રણછોડગઢ તાલુકા પંચાયતના સદસ્યનું પણ મોત થયું હતું.
હળવદના રણછોડગઢ ગામના એક યુવકને માનસર ગામ પાસે બાઈક સ્લીપ થતાં ઈજા થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા તેના પિતા અને ગામના લોકો કાર લઈને નીકળ્યા હતા. દરમિયાન, ચરાડવા ગામ નજીક એક કારખાનામાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી. કારની ઝડપ એટલી વધારે હતી કે તે સીધી ડમ્પરની નીચે ઘૂસી ગઈ હતી.
આ ઘટનામાં કારમાં સવાર કુલ 7 લોકોમાંથી 3ના ઘટનાસ્થળે અને ૨ના સારવાર દરમિયાન મોત થયા હતા. જે યુવકને બાઈક અકસ્માત નડ્યો હતો તેનું પણ આ કાર અકસ્માતમાં મોત થયું હતું. આ સિવાય મૃતકોમાં આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સદસ્ય પણ સામેલ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો કારમાં ફસાઈ ગયા હતા, જેમને જેસીબીની મદદથી કારના પતરા તોડીને બહાર કઢાયા હતા.