Sun Sep 06 2026

Logo

CJP નેતાઓ આંદોલન બાદ પાર્ટીમાં મસ્ત: વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ શરૂ, ભાજપે પણ કર્યા પ્રહાર

2026-07-27 15:03:44
Author: Vimal Prajapati
CJP નેતાઓ આંદોલન બાદ પાર્ટીમાં મસ્ત: વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ શરૂ, ભાજપે પણ કર્યા પ્રહાર

નવી દિલ્હીઃ જંતર મંતર પર થયેલા આંદોલન પછી કેન્દ્રીય શિક્ષણ પ્રધાન પદેથી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું તે પછી સીજેપી (કોકરોચ જનતા પાર્ટી)એ પોતાનું આંદોલન પૂર્ણ કરી દીધું છે. અત્યારે સોશિયલ મીડિયામાં એવા ઘણાં વીડિયો વાયરલ થઈ રહ્યાં છે, જેમાં સીજેપીના લોકો પાર્ટી કરતા જોવા મળ્યા હતા. સીજેપીના આગેવાનો અને કાર્યકરો દ્વારા પણ આ વીડિયો શેર કરવામાં આવ્યાં છે. આ વીડિયો પર હવે લાખોની સંખ્યામાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. લોકો હવે સીજેપીને ટ્રોલ કરી રહ્યાં છે. 

જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તેની વાત કરવામાં આવે તો વીડિયોમાં મુખ્ય CJP નેતાઓ, અભિજીત દિપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ સમર્થકો સાથે ડાન્સ કરતા અને ઉજવણી કરતા જોવા મળે છે. ઘણી ક્લિપ્સમાં પક્ષના કાર્યકરો એકબીજાને ગળે લગાવતા ડાન્સ કરતા અને વિજયની ઉજવણી કરતા જોવા મળ્યા હતા, જેને લઈને લોકો તેમને ખરી ખોટી સંભળાવી રહ્યાં છે. 

ભાજપ આઈટી સેલના વડાએ પણ સવાલ ઉઠાવ્યાં

આ વીડિયો શેર કરતા ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ વિરોધ પાછળના હેતુ પર સવાલ ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે ‘દરેક વ્યક્તિને મહેનત પછી આરામ કરવાનો અને ઉજવણી કરવાનો અધિકાર છે, પરંતુ તેની યોગ્ય ક્ષણ અને સ્થાન હોય છે. ન્યાય અને વિદ્યાર્થીઓના આત્મહત્યા જેવા ગંભીર મુદ્દાઓ પર આધારિત આંદોલન બાદ તરત જ CJPના વીડિયોમાં જોવા મળતી નાચ-ગાન અને પાર્ટીમાં મોજ કરતા અત્યંત સંવેદનહીન લાગે છે. જંતરમંતર પર ગંભીર શિક્ષણ સુધારાની આશા સાથે જોડાયેલા હજારો યુવાનો આજે છેતરાયા હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે’. 

હજારો વિદ્યાર્થીઓને જમાડનાર જુનૈદ ભાઈ ક્યાં છે?

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ચીફ જસ્ટિસ ઉજવણી કરી રહ્યા હોવાના વીડિયો વાયરલ થયા પછી મોહમ્મદ જુનૈદનું નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. ઘણા લોકો વારંવાર સવાલ કરી રહ્યાં છે કે, ‘જુનૈદ ભાઈ ક્યાં છે?’ એ વખતે વિવિધ પોસ્ટ્સમાં તેમના વિશે વિવિધ દાવા કરવામાં આવી રહ્યા છે. 

જોકે, આમાંથી કોઈ પણ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મૂળ વાત એ છે કે, સીજેપી દ્વારા જે નાચગાનના વીડિયો પોસ્ટ કરવામાં આવ્યાં છે, તેનો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ સાથે આકરી ટીકા પણ કરવામાં આવી રહી છે.