Mon Sep 07 2026

Logo

અમદાવાદના મોટેરામાં ડિમોલિશન દરમિયાન યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

2026-06-06 12:17:00
Author: Mayur Patel
અમદાવાદના મોટેરામાં ડિમોલિશન દરમિયાન યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

અમદાવાદઃ શહેરમાં ફરીથી એક વખત ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. મોટેરા જૂના ગામમાં શુક્રવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. આસારામ આશ્રમ નજીક આવેલા 17 મકાનોના ગેરકાયદે ભાગને તોડી પાડવા માટે AMCની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક રહેવાસીઓએ કાર્યવાહીનો વિરોધ કરતા પોતાના મકાનના દસ્તાવેજો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. AMC અને પોલીસની ટીમ ગામમાં પ્રવેશતા જ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થિતિ તંગ બનતા અધિકારીઓએ માઇક દ્વારા જાહેરાત કરીને રહેવાસીઓને 30 મિનિટની અંદર મકાન ખાલી કરવાની સૂચના આપી હતી.

સૂચનાનો સમય પૂર્ણ થતાં જ JCB મશીનો ગામમાં દાખલ કરવામાં આવ્યા હતા. JCB પહોંચતા જ વિસ્તારમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. અનેક પરિવારો પોતાના ઘર અને સામાનને લઈને ચિંતિત બન્યા હતા, જ્યારે કેટલાક બાળકો ડરીને રડવા લાગ્યા હતા. કાર્યવાહી દરમિયાન એક યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસે તેની અટકાયત કરી હતી. અટકાયત સમયે યુવકે જણાવ્યું હતું કે જો તે આત્મવિલોપન કરશે તો તેની જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે.

એસીપી વાણી દુધાતે જણાવ્યું કે, અમદાવાદ શહેરના મોટેરા કુટેશ્વર ગામમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીન આવેલી છે, પરંતુ તેના પર કેટલાક ગેરકાયદેસર મકાનો બાંધવામાં આવ્યા છે. આ મુદ્દો લાંબા સમયથી કાનૂની વિવાદ તરીકે ચાલી રહ્યો હતો. હવે, આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવા  માટે AMC દ્વારા પોલીસ સહાયની માંગ કરવામાં આવી છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે, અમદાવાદ પોલીસે 150 પોલીસ અધિકારીઓ અને જવાનોને તૈનાત કર્યા છે.