નાસિકઃ નાસિકના ચર્ચિત TCS જાતીય શોષણ અને કથિત ધર્માંતરણ (ધર્મ પરિવર્તન) કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કેટલાક નવા અને ચોંકાવનારા દાવા સામે આવ્યા છે. ચાર્જશીટમાં નોંધાયેલા પીડિતાના નિવેદન અનુસાર, આરોપીઓએ માત્ર તેનું ધર્મ પરિવર્તન કરાવવાની જ કથિત યોજના નહોતી બનાવી, પરંતુ તેનું નામ બદલીને નવી ઓળખ આપવાની અને પરિવારથી આખી વાત છુપાવવાની પણ તૈયારી કરવામાં આવી રહી હતી.
પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેણે દાનિશને પૂછ્યું કે જો તેના પરિવારને ધર્મ પરિવર્તનની ખબર પડી જશે તો શું થશે, ત્યારે દાનિશે તેને કથિત રીતે એવી સલાહ આપી હતી કે નવા નામના દસ્તાવેજો મળી ગયા પછી તે પોતાના માતા-પિતાને કહી દે કે તે નોકરી માટે બે વર્ષ માટે બહાર જઈ રહી છે. આ પછી તેને મુંબઈ જઈને નોકરી કરવા અને પરિવારથી અંતર જાળવી રાખવા માટે કહેવામાં આવ્યું હતું, જેથી કોઈને પણ ધર્મ પરિવર્તનની જાણ ન થઈ શકે.
મલેશિયા મોકલવાની વાતનો પણ દાવો
ચાર્જશીટમાં નોંધાયેલા નિવેદન અનુસાર, તૌસિફે કથિત રીતે એવો સુચન કર્યું હતું કે જો જરૂર પડશે તો પીડિતાને મલેશિયા મોકલી શકાય છે. તેણે કહ્યું કે તેના સંબંધીઓ ત્યાં રહે છે અને નોકરી ન મળે ત્યાં સુધી તે તેમની પાસે રહી શકે છે. પીડિતાના જણાવ્યા મુજબ, વાતચીત દરમિયાન એવું પણ કહેવામાં આવ્યું હતું કે ત્યાં રહેવા દરમિયાન ઇસ્લામિક રીત-રિવાજોનું પાલન ચાલુ રાખવું અને પછીથી તેમનો (આરોપીઓનો) સંપર્ક ન કરવો, જેથી કોઈ મુશ્કેલી ન થાય.
પરિણીત હોવાની જાણ થતાં આંચકો લાગ્યો
પીડિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ફેબ્રુઆરી 2026માં તેને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ અને મેસેજ આવ્યા હતા. જ્યારે તેણે આ અંગે દાનિશને પૂછ્યું, ત્યારે શરૂઆતમાં તેણે વાત ટાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પછીથી જણાવ્યું કે તે નંબર તેની પત્નીનો છે અને તેને બે બાળકો પણ છે.
'ઇમામ સાહેબ સાથે લગ્ન કરી લો' એવો દાવો
ચાર્જશીટમાં નોંધાયેલા સૌથી ચર્ચિત દાવાઓમાંથી એક એ પણ છે કે જ્યારે પીડિતાએ દાનિશને પૂછ્યું કે તેના લગ્ન થઈ ચૂક્યા છે તો હવે તેની (પીડિતા) સાથે કોણ લગ્ન કરશે, ત્યારે દાનિશે કથિત રીતે એવું કહ્યું કે તેમના સમાજમાં એક કરતાં વધુ લગ્નો થાય છે અને જો કોઈ બીજું વ્યક્તિ નહીં મળે તો તે તેમના ઇમામ સાહેબ સાથે લગ્ન કરી શકે છે.
પોલીસ મામલાની તપાસમાં લાગી
આ મામલો નાસિકના દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં દાનિશ શેખ, તૌસિફ અત્તાર અને નિદા ખાન સહિત કેટલાક લોકોના નામ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે.