પાલઘર: પાલઘર જિલ્લાના નાલાસોપારામાં છેલ્લા પાંચ મહિનાથી ગુમ રીઢા આરોપીનું હાડપિંજર હાઉસિંગ કોમ્પ્લેક્સની પાણીની ટાંકીમાંથી મળી આવ્યા બાદ તેની હત્યા કરવા બદલ પાંચ જણની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.મૃતકની ઓળખ રવિ બિડલાન તરીકે થઇ હતી, જે પંદરમી જાન્યુઆરી, 2026થી ગુમ થયો હતો. તેની સામે અનેક ગંભીર ગુના નોંધાયેલા હતા, એમ મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસ કમિશનરેટ હેઠળના આચોલે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
મૃતક રવિ બિડલાનના ભાઇ પંકજે રવિ વિશે નવી માહિતી સાથે શુક્રવારે પોલીસનો સંપર્ક સાધ્યા બાદ ગુનો પ્રકાશમાં આવ્યો હતો. પંકજે આક્ષેપ કર્યો હતો કે ટોળાએ રવિની હત્યા કરી હતી અને એ સમયે તેનો મૃતદેહ પાણીની ટાંકીમાં ફેંકી દેવાયો હતો. પોલીસ ટીમ ત્યાર બાદ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટાંકીમાંથી હાડપિંજર બહાર કાઢ્યું હતું. મૃતકના અવશેષો સાથે મળેલાં કપડાંને આધારે પરિવારજનોએ તેને ઓળખી કાઢ્યો હતો.
તપાસ અનુસાર ગુમ થયાના થોડા દિવસ અગાઉ રવિ બિડલાને રોહન જગદાળે ઉર્ફે ટાઇગર નામના શખસ પર હુમલો કર્યો હતો. આનો બદલો લેવા માટે આરોપીએ માથામાં મોટો પથ્થર ઝીંકી રવિની હત્યા કરી હતી અને પુરાવા નષ્ટ કરવા મૃતદેહ પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો.ટાંકીમાંથી બહાર કઢાયેલા હાડપિંજરને બાદમાં ફોરેન્સિક એનાલિસિસ માટે મોકલી અપાયું હતું અને તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
મૃતકના ભાઇએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે આરોપી રોહન જગદાળે (22) સહિત કરણ શંકર શેટ્ટીયાર (22), ઉત્કર્ષ આનંદ અવસરમલ (20), શક્તિ સુનીલ સિંહ (28) અને સુમિત આઝાદ સરસાર ઉર્ફે બાપુર્ણા (25) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તમામ આરોપીઓ હિસ્ટ્રિ-શીટર હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)