મુંબઈઃ ભારતના જાણીતા ક્યૂ-સ્પોર્ટ્સ ખેલાડી વેંકટેશ્વરન "રાજા" સુબ્રમણ્યમે તાજેતરમાં થાઇલૅન્ડના નખોન રાચાસીમા ખાતે આયોજિત વર્લ્ડ ડિસેબિલિટી બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક તથા પ્રતિષ્ઠિત ચેલેન્જ કપ પોતાના નામે કર્યો હતો.
રાજા સુબ્રમણિયમ (Raja Subrmniyam)ની જીવનયાત્રા સંઘર્ષ, હિંમત અને અડગ સંકલ્પનું જીવંત ઉદાહરણ છે. માત્ર બે વર્ષની ઉંમરે પોલિયો (Polio)ની અસર અને પાંચ વર્ષની ઉંમરે અકસ્માતમાં જમણી આંખની દૃષ્ટિ ગુમાવ્યા બાદ પણ તેમણે ક્યારેય હાર સ્વીકારી નહીં. શારીરિક પડકારોને પાછળ રાખીને તેમણે સ્નૂકરની રમતમાં અસાધારણ સફળતા પ્રાપ્ત કરી છે.
વર્ષ 2015 અને 2016 દરમ્યાન ઇંગ્લેન્ડમાં યોજાયેલી ઓપન ડિસેબિલિટી સ્નૂકર ચેમ્પિયનશિપ (ગ્રુપ 4+5)માં સતત બે વખત ગોલ્ડ મેડલ જીતી તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. ત્યાર બાદ તેમણે વિશ્વભરની અનેક પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું જેમાં 2024ની પ્રથમ હેબોલ પેરાસ્પોર્ટ ચેમ્પિયનશિપનો પણ સમાવેશ થાય છે.
થાઇલેન્ડમાં યોજાયેલી 2026ની વર્લ્ડ ડિસેબિલિટી સ્નૂકર ચેમ્પિયનશિપ દરમ્યાન રાજાએ સમગ્ર સ્પર્ધા દરમ્યાન ઉત્કૃષ્ટ રમત, ધૈર્ય અને એકાગ્રતાનું પ્રદર્શન કર્યું. તેમણે ભારતીય ચાહકોને વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ ભેટ આપી. મુંબઈની પ્રતિષ્ઠિત માટુંગા જિમખાના ખાતે રાજા નિયમિત રીતે પ્રેક્ટિસ કરે છે.