Sun Sep 13 2026

Logo

અમદાવાદમાં 8.32 કરોડની પ્રતિબંધિત ટ્રામાડોલ દવાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ

2026-06-26 22:31:19
Author: Chandrakant Kanoja
અમદાવાદમાં 8.32 કરોડની પ્રતિબંધિત ટ્રામાડોલ દવાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ

અમદાવાદ : અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા નમસ્તે સર્કલ પાસે પ્રતિબંધિત દવા ટ્રામાડોલના 6 મોટા બોક્સમાંથી 2.08 લાખ ટેબ્લેટનો જથ્થો ઝડપાયો હતો. જેની કિંમત રૂ. 8.32 કરોડ જેટલી થાય છે. ટ્રામાડોલના જથ્થા સાથે મૂળ રાજસ્થાનના અને વલસાડના રહેવાસી મેડિકલ સ્ટોકિસ્ટની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

2 જુલાઈ સુધી રિમાન્ડ મેળવી વધુ તપાસ

જેમાં પોલીસે 2 જુલાઈ સુધી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ છેલ્લા બે મહિનાથી જ મેડિકલ સ્ટોકિસ્ટનું કાયદેસરનું લાઇસન્સ લીધું હતું અને તેણે પ્રતિબંધિત દવા ટ્રામાડોલનું વેચાણ કર્યું હતું.

આ કાર્યવાહી અંગે માહિતી આપતા ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, ATSના DySPને બાતમી મળી હતી. જેને પગલે તપાસ શરૂ કરાઈ હતી. ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં તપાસ કરતાં ખાખી પૂંઠાના 6 બોક્સ મળી આવ્યા હતાં. જેમાં આ પ્રતિબંધિત દવા ટ્રામાડોલ રાખવામાં આવી હતી.

એટીએસએ પરેશ પારસમલ જૈનને ટ્રામાડોલના જથ્થા સાથે ઝડપ્યો

એટીએસએ પરેશ પારસમલ જૈનને ટ્રામાડોલના જથ્થા સાથે ઝડપ્યો હતો. આ જથ્થો વલસાડ ખાતેથી લાવીને રાજસ્થાન મોકલવામાં આવી રહ્યો હતો. આરોપીને એટીએસ દ્વારા શાહિબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી અંદાજિત 8.32 કરોડની ટ્રામાડોલ ટેબ્લેટ જપ્ત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018ના ભારત સરકારના નોટિફિકેશન બાદ આ પ્રકારની દવાઓનો નાર્કોટિક્સમાં સમાવેશ થાય છે.