Fri Jun 26 2026

Logo

મુન્દ્રા ડ્રગ્સ કેસઃ 3000 કિલો હેરોઈન મામલે EDએ હરપ્રીતસિંહ તલવારની કરી ધરપકડ, જાણો કોણ છે

2026-06-26 13:11:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ ED એ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી સપ્ટેમ્બર 2021માં 3000 કિલો હેરોઈન ઝડપી પાડ્યું હતું. આ મુદ્દે દિલ્હીના હરપ્રીતસિંહ તલવારની ધરપકડ કરવામાં આવી હતી. EDની ટીમે 24 અને 25 જૂને દિલ્હીમાં 6 જગ્યાએ દરોડા પાડ્યા હતા. ધરપકડ બાદ તેને સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ગાડીઓ જપ્ત કરવામાં આવી હતી. 

પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલી ગાડીઓમાં રેન્જ રોવર, ટોયોટા ફોર્ચ્યુનર, મર્સિડીઝ-બેન્ઝ અને કિયા સેલ્ટોસ સામેલ છે. આ ગાડીઓની કુલ કિંમત આશરે રૂ. બે કરોડ થાય છે. આ ગાડીઓ બેનામી નામો પર રજિસ્ટર્ડ હતી. ED નું કહેવું છે કે આ કાર્યવાહી ડ્રગ્સ તસ્કરી, મની લોન્ડરિંગ અને હવાલા નેટવર્કને તોડવા માટે સરકાર દ્વારા પૂરી તાકાતથી કરવામાં આવી રહેલા પ્રયાસોનો એક ભાગ છે.

હરપ્રીત તલવાર ઉર્ફે કબીર તલવાર આ કેસનો મુખ્ય આરોપી છે. ઓગસ્ટ 2022માં તેની NIA દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હરપ્રીત તલવાર અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને દુબઈની ડ્રગ્સ ટોળકી સાથે મળીને કામ કરતો હતો. આ ટોળકીનો માસ્ટરમાઈન્ડ વિતાયશ કોસર ઉર્ફે રાજુ દુબઈ છે.

કોણ છે હરપ્રીતસિંહ તલવાર

ઇડીની તપાસમાં આગળ બહાર આવ્યું  કે હરપ્રીતસિંહ તલવાર તેના કર્મચારીઓ અને મિત્રોના નામે માલિક અને ભાગીદાર તરીકે નોંધાયેલી અનેક કંપનીઓનું સંચાલન કરતો હતો. આવી જ એક કંપની મેજેન્ટ ઇન્ડિયા છે, જેને અંતે અફઘાન સપ્લાયર પાસેથી હેરોઈન છુપાવીને રાખવામાં આવેલા સેમી-પ્રોસેસ્ડ ટેલ્કના બે કન્સાઈનમેન્ટમળ્યા હતા. ઇડીએ એવો પણ ખુલાસો કર્યો છે કે તલવારે તેના સહયોગીઓ સાથે મળીને દિલ્હીના અનેક નાઈટ ક્લબોમાં નાણાંનું રોકાણ કર્યું છે, જેમાં પ્લેબોય ક્લબ, વ્હાઇટ ક્લબ દિલ્હી, આરએસવીપી નાઈટ ક્લબ, જસબા લાઉન્જ, વેલ્વેટ રૂમ અને લિટ લાઉન્જનો સમાવેશ થાય છે.

પાકિસ્તાની ISI એજન્ટ સાથે મળીને કામ કરવાનો આરોપ

NIA એ આ મામલે છ ચાર્જશીટ  દાખલ કરી હતી, જેમાં તેણે આરોપીઓ પર અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને દુબઈ સ્થિત એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરી સિન્ડિકેટ સાથે મળીને કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. આ સિન્ડિકેટ વોન્ટેડ આરોપી વિતેશ કોસર ઉર્ફે રાજુ દુબઈની આગેવાની હેઠળ પાકિસ્તાની આઈએસઆઈ એજન્ટો અને અફઘાન નાગરિકો સાથે મળીને કામ કરી રહ્યું હતું. આમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે તલવારે વિતેશ કોસર સાથે મળીને સેમી-પ્રોસેસ્ડ ટેલ્કની આયાતની આડમાં માદક પદાર્થોની તસ્કરીની પ્રવૃત્તિઓ આદરી હતી.

તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણમાંથી મેળવેલા આશરે રૂ. 74 કરોડ હવાલા દ્વારા અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓના ફંડિંગમાં કરવામાં આવ્યો હતો. EDની તપાસમાં ખુલાસો થયો છે કે તલવારે તસ્કરી ગેંગને જે સેવાઓ આપી હતી તેના બદલામાં ગેંગે તેને વિદેશી સામાન જેમ કે ડ્રાયફ્રૂટ્સ, ખજૂર, પરફ્યુમ અને અન્ય વસ્તુઓ મફતમાં આપી હતી અને ડ્રગ્સના વેચાણમાંથી મળેલી રકમમાંથી આંશિક રીતે રોકડ ચૂકવણી પણ કરી હતી. આ રીતે તલવારે ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા રૂ. 1.65 કરોડની રકમ મેળવી હતી.