Sat Jun 27 2026

Logo

શિમલામાં ગમખ્વાર અકસ્માત, પિક અપ વાન ખાઈમાં પડતાં છ લોકોના મોત

2026-06-26 22:13:10
Author: Chandrakant Kanoja
Article Image

રામપુર: હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત  સર્જાયો છે. જેમાં એક પિકઅપ વાન બેકાબૂ થતાં ઉંડી ખાઈમાં પડી હતી. આ અકસ્માતના છ લોકોના મોત થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ વાનમાં કુલ છ લોકો સવાર હતા તે તમામના મૃત્યુ થયા છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ મૃતદેહને બહાર નીકાળીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી હતી. આ દુર્ઘટના  શિમલા જિલ્લાના રામપુર સબડિવિઝન હેઠળના ટકલેચ પોલીસ ચોકી વિસ્તારમાં ઉર્મન નામના સ્થળે સર્જાઇ હતી. 

પોલીસે મૃતકોની ઓળખ કરી 

પોલીસે જણાવ્યું હતું કે  દૂધ પરિવહન કરતી પિક વાન  રામપુરથી ટકલેચ જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. જેમાં  ટકલેચ એ રામપુરથી લગભગ 30-35 કિલોમીટર ઉપર આવેલું એક ગામ છે. આ અકસ્માતના મૃતકોમાં આશા કુમારી અને તેનો પુત્ર યુગલનો પણ સમાવેશ થાય છે. જે કુલ્લુ જિલ્લાના અનીના રહેવાસી છે.તેમની ચોક્કસ ઉંમર હજુ સુધી જાણી શકાઈ નથી.આ ઉપરાંત પોલીસે અન્ય મૃતકોની ઓળખ અભિષેક સન્ની, લાયક રામ, નીતિન  અને ડ્રાઇવર અશોક જૈન તરીકે કરી છે. આ  બધા રામપુર વિસ્તારના વિવિધ ગામોના રહેવાસી છે.  

કેસ નોંધીને અકસ્માતના કારણની તપાસ

પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમોએ ખીણમાંથી મૃતદેહો બહાર કાઢ્યા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. તેમજ  કેસ નોંધીને અકસ્માતના કારણની તપાસ ચાલી રહી છે. જ્યારે સ્થાનિક વહીવટીતંત્ર મૃતકોના પરિવારોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે.