Fri Jun 26 2026

Logo

ચીનમાં સૌથી ઊંચી બિલ્ડિંગ સાથે ટકરાયું વિમાનઃ વીડિયો વાયરલ થતા યૂઝર્સે લખ્યું 9/11 જેવો હુમલો

Beijing   2026-06-26 21:12:37
Author: Mumbai Samachar Team
Article Image

બીજિંગઃ ચીનની રાજધાની બીજિંગમાં એક દુર્ઘટનામાં સૌથી ઊંચી બિલ્ડિંગ સીઆઈટીઆઈસી ટાવર સાથે અચાનક જ એક વિમાન ટકરાઈ ગયું હતું. આજે આ ઘટના બન્યા પછી લોકોએ અનેક પ્રકારના તર્ક-વિતર્ક કર્યાં હતા. આ દુર્ઘટનામાં એક ગગનચુંબી ઇમારતને ઘણું નુકસાન પહોંચ્યું છે. વિમાનનો એક ભાગ નીચે જમીન પર પડ્યો હતો. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બીજિંગના ગુઓમાંઓ જિલ્લાની આ 109 માળની ઇમારતને CITIC Tower તરીકે ઓળખવામાં આવે છે.

સૌથી ઊંચી ઇમારત સાથે અથડાયું વિમાન 

એક રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિમાન ટાવરના એક ભાગ સાથે ટકરાયું હતું, જેથી બિલ્ડિંગની બે બારીઓ તૂટી ગઈ હતી. વિમાન અથડાતા જ તેના ટુકડા થઈ ગયા હતા. આ વીડિયોમાં વિમાનનો એક ભાગ ઉપરથી નીચે પડતો જોવા મળ્યો હતો, જયારે જમીન પર ફેલાયેલા પ્લેનના કાટમાળમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. આ દુર્ઘટના પછી સમગ્ર પરિસરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે તંત્ર પણ એલર્ટ કરવામાં આવ્યું હતું.

મીડિયા અહેવાલ અનુસાર બિલ્ડિંગની આજુબાજુ તાત્કાલિક ભારે સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યાંથી પસાર થતા લોકોને પોલીસ ફોટો અને વિડિયો રેકોર્ડ કરતા રોકી રહ્યા હતા. રાહત બચાવકાર્ય જોતા સુરક્ષાકર્મીઓ દ્વારા બિલ્ડિંગની આસપાસના રસ્તાઓને પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હતા. 

એન્જિનવાળું હળવું વિમાન ટાવર સાથે ટકરાયું 

સ્થાનિક વહીવટી અધિકારીઓએ આ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોની સંખ્યાની હાલમાં પુષ્ટિ કરેલી નથી. આ સાથે જ પ્લેનમાં બેઠેલા લોકો વિશે પણ કોઈ જાણકારી આપી નથી. 'ફ્લાઇટરડાર 24' ના રેકોર્ડથી જાણવા મળ્યું કે આ એક 'સનવર્ડ SA60L ઓરોરા' વિમાન હતું. આ બે સીટવાળું અને એક એન્જિનવાળું હળવું ખેલ વિમાન હતું, જેને ચીનની 'સ્ટારએર એરક્રાફ્ટ કંપની' એ બનાવ્યું હતું. બીજિંગમાં કોઈ પણ નાનું વિમાન ઉડાડવા માટે સિવિલ એવિએશન ઓથોરિટી અને ચીન વાયુ સેના બંનેની મંજૂરી લેવી પડે છે. 

બીજિંગએ હાલમાં જ પોતાના એરસ્પેસને લઈને કડક નિયમો લાગુ કર્યા છે, જેના અંતર્ગત પરવાનગી વગર ફક્ત મનોરંજન માટે પ્લેન કે ડ્રોન ઉડાડવા માટે પૂર્ણ પ્રતિબંધ છે. ફક્ત 'યાનકિંગ' જિલ્લાને ડ્રોન ટેસ્ટિંગ માટે અલગથી મંજૂરી આપવામાં આવી છે. 

મોના જિન નામની એક યુઝરે એક્સ પર લખ્યું હતું કે, 'આ ચીનના 9/11 જેવો હુમલો લાગે છે? કેટલો ડરામણો છે.' અહીં એ જણાવવાનું કે 9/11 અમેરિકાના ઇતિહાસનો સૌથી ભયાનક આતંકવાદી હુમલો હતો. આતંકવાદીઓએ બે વિમાન ન્યૂ યોર્ક શહેરની (શાન ગણાતી) ગગનચુંબી ઇમારતો- વર્લ્ડ ટ્રેડ સેન્ટર નોર્થ અને સાઉથ ટાવર સાથે ટકારાયા હતા.