Mon Sep 14 2026

Logo

પુણે નસરાપુર બળાત્કાર કેસ: કોર્ટે રેકોર્ડબ્રેક સમયમાં આરોપીને દોષિત ઠેરવ્યો

2026-06-26 17:42:00
Author: Mumbai Samachar Team
પુણે નસરાપુર બળાત્કાર કેસ: કોર્ટે રેકોર્ડબ્રેક સમયમાં આરોપીને દોષિત ઠેરવ્યો

પુણે: પુણેના નસરાપુર ગામમાં 3 વર્ષની બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યા કેસમાં આરોપી ભીમરાવ કાંબળેને અદાલતે દોષિત ઠેરવ્યો છે. આ અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે નસરાપુર બળાત્કાર અને હત્યા કેસમાં આરોપીઓને જે ત્વરાથી દોષિત ઠેરવવામાં આવ્યા એ ઝડપી ન્યાય માટેની ખાતરી હોવાનું જણાવી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા માટે ફરિયાદ પક્ષની અરજી અદાલત સ્વીકારશે.

પુણેની વિશેષ અદાલતે ગુરુવારે 65 વર્ષીય આરોપી ભીમરાવ કાંબળેને ગયા મહિને પુણે જિલ્લાના નસરાપુર ગામમાં ત્રણ વર્ષની બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. 

ગુનાના 60 દિવસની અંદર ત્વરિત સજા ફટકારવામાં આવ્યા બાદ અદાલત 29 જૂને સજાનું પરિમાણ જાહેર કરશે. ફરિયાદ પક્ષે કાંબળે માટે મૃત્યુદંડની માગણી કરી દલીલ કરી છે એનામાં સુધારાને કોઈ અવકાશ નથી.

સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં ફડણવીસે કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા બદલ ટ્રાયલ કોર્ટની પ્રશંસા કરી જણાવ્યું હતું કે 'આરોપનામું દાખલ થયા પછી ખટલાની ગતિ અદાલત પર નિર્ભર રહે છે. આ કિસ્સામાં અદાલતે  ગુનાની ગંભીરતાને ઓળખીને વેકેશન દરમિયાન પણ કેસની સુનાવણી ચાલુ રાખી. કદાચ આ રેકોર્ડ પરના સૌથી ઝડપી ટ્રાયલ પૈકીનો એક છે. આ પ્રકારના કેસોમાં ઝડપી ન્યાય આપી શકાય છે એ દર્શાવવા માટે આ કેસ હવે  એક માપદંડ તરીકે કામ કરશે.'