Wed Sep 09 2026

Logo

ભૂતપૂર્વ એસઆઇડીબીઆઇ અધિકારીએ શૅર ટ્રેડિંગ ફ્રોડમાં 65.19 લાખ ગુમાવ્યા

2026-07-26 16:44:16
Author: Yogesh D. Patel
ભૂતપૂર્વ એસઆઇડીબીઆઇ અધિકારીએ શૅર ટ્રેડિંગ ફ્રોડમાં 65.19 લાખ ગુમાવ્યા

થાણે: નવી મુંબઈના સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઑફ ઇન્ડિયા (એસઆઇડીબીઆઇ)ના 73 વર્ષના ભૂતપૂર્વ જનરલ મેનેજરે ઓનલાઇન શૅર ટ્રેડિંગ ફ્રોડમાં 65.19 લાખ રૂપિયા ગુમાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં રહેતા ફરિયાદીનો મોબાઇલ નંબર આરોપીએ 23 જૂને વ્હૉટ્સઍપ ગ્રૂપમાં ઍડ કર્યો હતો અને ગ્રૂપના એડમિને સ્ટોક ટ્રેડિંગમાં રોકાણ પર બમણા વળતરનું વચન આપ્યું હતું. ગ્રૂપના લોગોને કારણે ફરિયાદીએ તેના પર વિશ્ર્વાસ રાખ્યો હતો.

આરોપીએ બાદમાં ફરિયાદીને લિંક મોકલી હતી અને ફૅક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહ્યું હતું. તેમણે સેબીનું બનાવટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ શૅર કરીને ફરિયાદીનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો. 30 જૂનથી 22 જુલાઇ દરમિયાન આરોપીએ આપેલા વિવિધ બૅંક અકાઉન્ટસમાં ફરિયાદીએ 65.19 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.દરમિયાન ઍપમાં 12.4 કરોડ રૂપિયા બેલેન્સ દર્શાવવામાં આવ્યું હતું અને ફરિયાદીએ જ્યારે પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની પાસેથી વધુ 27 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી અને પૈસા ન ચૂકવે તો અકાઉન્ટ ફ્રીઝ કરવાની ધમકી આપવામાં આવી હતી.

પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી.નવી મુંબઈ સાયબર પોલીસે આ પ્રકરણે 24 જુલાઇએ અજાણ્યા શખસો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરી  તપાસ આદરી હતી, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)