Sun Sep 13 2026

Logo

હાઇવે પર માર્ગ અકસ્માત બાદ દિવ્યાંગ બનેલા યુવકને 1.06 કરોડ વળતર ચૂકવવાનો આદેશ

2026-07-26 16:20:00
Author: Yogesh D. Patel
હાઇવે પર માર્ગ અકસ્માત બાદ દિવ્યાંગ બનેલા યુવકને 1.06 કરોડ વળતર ચૂકવવાનો આદેશ

પાલઘર: પાલઘરમાં મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) વર્ષ 2017માં મુંબઈ-અમદાવાદ હાઇવે પર માર્ગ અકસ્માત બાદ દિવ્યાંગ બનેલા તેમ જ પથારીવશ થયેલા 31 વર્ષના યુવકને 1.06 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 

એમએસીટીના સભ્ય એ. આર. રહાણેએ પીડિત યુવક ઋષભ વિજયકુમાર ચોપ્રાની કાર સાથે અથડાયેલા ટ્રેલરના માલિક અને વીમા કંપની ન્યૂ ઇન્ડિયા એશ્યુરન્સ કંપની લિમિટેડને અરજીની તારીખથી વાર્ષિક છ ટકા વ્યાજ સાથે સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે વળતર ચૂકવવા નિર્દેશ આપ્યા હતા.

ઋષભ ચોપ્રા હોટેલ મેનેજમેન્ટનો વિદ્યાર્થી હતો અને તે પરિવાર સાથે 31 ડિસેમ્બર, 2017ના રોજ કારમાં વાપીથી મુંબઇ આવી રહ્યો હતો. કાર તેના પિતા હંકારી રહ્યા હતા અને હાલોલી ગામની નજીક પૂરપાટ વેગે આવેલા ટ્રેલરે તેમની કારને અડફેટમાં લીધી હતી. 

અકસ્માતમાં ઋષભના પિતાનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે ગંભીર ઇજાને કારણે ઋષભના શરીરના નીચેના ભાગમાં લકવો મારી ગયો હતો અને તે 70 ટકા કાયમ માટે દિવ્યાંગ તેમ જ પથારીવશ થઇ ગયો હતો, એમ અરજીમાં જણાવાયું હતું.

વીમા કંપનીએ દાવાનો વિરોધ કર્યો હતો અને ઋષભના પિતા પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. જોકે ટ્રિબ્યુનલે આ દલીલોને ફગાવી દીધી હતી અને નોંધ્યું હતું કે પોલીસે ટ્રેલરના ડ્રાઇવર વિરુદ્ધ પૂરપાટ અને બેદરકારીપૂર્વક વાહન હંકારવા બદલ ચાર્જશીટ દાખલ કરી હતી.

(પીટીઆઇ)