Wed Sep 23 2026

Logo

થાણેમાં બહુમાળીય ઈમારતમાં આગ: ૭૦થી વધુ રહેવાસીઓેને બચાવ્યા

2026-07-26 17:10:06
Author: Sapna Desai
થાણેમાં બહુમાળીય ઈમારતમાં આગ: ૭૦થી વધુ રહેવાસીઓેને બચાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે પશ્ચિમમાં ગ્રાઉન્ડ પ્લસ ૧૬ માળની બિલ્ડિંગમાં ઈલેક્ટ્રિક્ ડક્ટમાં લાગેલી આગ દરમ્યાન બિલ્ડિંગમાં ૭૦થી વધુ ફસાઈ ગયેલા રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં ફાયરબ્રિગેડને સફળતા મળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ થાણે પશ્ર્ચિમમાં શિળ ફાયર બ્રિગેડ સ્ટેશન સામે ગ્રાઉન્ડ પ્લસ ૧૬ માળની સનરાઈસ ગ્લોરી નામની બિલ્ડિંગ આવેલી છે.

રવિવારે સવારના લગભગ ૯.૨૦ વાગ્યાની આસપાસ બિલ્ડિંગના પહેલા માળથી છઠ્ઠા માળ સુધીના ઈલેક્ટ્રિક ડક્ટમાં આગ લાગી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડના બે ફાયર એન્જિન સહિત બે રેસ્ક્યૂ વેહિકલ સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પાવર વિતરણના કર્મચારીઓ પહોંચી ગયા હતા.બિલ્ડિંગના ડક્ટમાં લાગેલી આગથી મોટા પ્રમાણમાં ધુમાડો નીકળવાને કારણે બિલ્ડિંગના ઉપરના માળા પર લગભગ ૭૦થી ૮૦ રહેવાસીઓ ફસાઈ ગયા હતા.

તેમને ફાયરબ્રિગેડે સુરિક્ષત રીતે બહાર કાઢ્યા હતા. તો  આગ લાગ્યા બાદ વીજ પુરવઠો બંધ કરવાને કારણે બિલ્ડિંગના છઠ્ઠા માળા પર લિફ્ટમાં ફિરોઝ ખાન નામની વ્યક્તિ ફસાઈ ગઈ હતી, તેને ફાયરબ્રિગેડે સુરક્ષિત રીતે લિફ્ટમાંથી બહાર કાઢ્યો હતો.ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે આગને ઉપરના માળા સુધી ફેલાતા અટકાવી હતી અને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.