Fri Jun 26 2026

Logo

આંગણવાડીમાં બાળકીની બેરહેમીથી પીટાઈનો વીડિયો વાયરલ: માતાનું જ એ કૃત્ય હોવાની ખાતરી

2026-06-26 19:08:14
Author: Yogesh C Patel
Article Image

થાણે: નવી મુંબઈની આંગણવાડીમાં બાળકીની બેરહેમીથી પીટાઈનો આંચકાજનક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ મારઝૂડ આંગણવાડીની કર્મચારી દ્વારા કરાઈ હોવાનો દાવો સોશિયલ મીડિયા પર કરાયો હતો, પરંતુ તપાસ બાદ માતાએ જ દીકરીને ફટકારી હોવાનું સ્પષ્ટ થયું હતું.તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે બે વર્ષની બાળકીનો પરિવાર નંદગાંવમાં રહે છે. ચંચળ બાળકી શાંતિથી બેસતી ન હોવાથી માતાએ મગજ પરનું નિયંત્રણ ગુમાવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

પનવેલ સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નંદગાંવમાંની એક આંગણવાડીમાં આ જ સપ્તાહે ઘટના બની હતી. વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલા બાળકીને લાત મારતી અને પછી તેની મારઝૂડ કરતી નજરે પડે છે. મારપીટને કારણે બાળકી જમીન પર પટકાય છે.વાયરલ થયેલા આ વીડિયોની નોંધ લઈ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બાળકી આંગણવાડીમાં શાંતિથી બેસવા તૈયાર નહોતી, જેને પગલે માતાને ગુસ્સો આવ્યો હતો. મગજ પરનું નિયંત્રણ ગુમાવવાને કારણે તેણે દીકરીને ફટકારી હતી. ત્યાં હાજર વ્યક્તિએ ઘટનાનું મોબાઈલથી રેકોર્ડિંગ કરી લીધું હતું, જેનો વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

બાળકીને તરત જ તબીબી તપાસ માટે લઈ જવામાં આવી હતી. તેને ગંભીર કે આંતરિક ઇજા થઈ ન હોવાની ખાતરી કરવામાં આવી હતી. બાળકીનાં માતા-પિતાને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યાં હતાં. સમજાવટ અને આવું વર્તન ફરી ન કરવાની ચેતવણી આપી તેમને જવા દેવાયાં હતાં. આ મામલે કોઈ ગુનો નોંધાયો નહોતો. (પીટીઆઈ)