Sat Jun 06 2026

Logo

ગાંધીધામ: વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ લેતો RTO માન્ય સેન્ટરનો કર્મચારી ઝડપાયો

2026-06-06 14:55:01
Author: Mayur Patel
Article Image

ભુજ: કોમર્શિયલ વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ અને રી-પાસિંગ પ્રમાણપત્ર આપવાના બહાને અરજદારો પાસેથી ગેરકાયદેસર નાણાં ઉઘરાવતા ગાંધીધામના મીઠીરોહર સ્થિત ‘અભિષેક ઓટોમેટેડ વ્હિકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન’ના કર્મચારીને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

ગાંધીધામ એસીબી પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે વાહન વ્યવહાર વિભાગ દ્વારા પ્રમાણિત આ સેન્ટરમાં આવતા કોમર્શિયલ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ તેમજ રી-પાસિંગ માટે કાયદેસરની ઓનલાઈન ફી ઉપરાંત અરજદારો પાસેથી રૂ. ૧,૦૦૦થી રૂ. ૧૦,૦૦૦ સુધીની લાંચ માંગવામાં આવે છે. આ બાતમીના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું.

ટ્રેપ દરમિયાન સેન્ટરના કર્મચારી વિક્રમસિંઘ મનદ્રુપસિંઘ જાટ (ઉ.વ. ૨૪) એ એક વાહનના રી-પાસિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ માટે નિયત ઓનલાઈન ફી રૂ. ૯૦૦ ઉપરાંત વધારાના રૂ. ૨,૨૫૦ની લાંચ માંગતા એસીબીએ તેને રોકડા નાણાં સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો.

(ઉત્સવ વૈદ્ય)