Wed Sep 09 2026

Logo

ગુજરાતના નવા પોલીસ વડા તરીકે જી એસ મલિકની નિમણૂક, જાણો મલિકનો ટ્રેક રેકોર્ડ

2026-06-06 15:26:52
Author: Mumbai Samachar Team
ગુજરાતના નવા પોલીસ વડા તરીકે જી એસ મલિકની નિમણૂક, જાણો મલિકનો ટ્રેક રેકોર્ડ

અમદાવાદઃ ગુજરાતના નવા પોલીસ વડા તરીકે જી એસ મલિકની નિમણૂક કરવામાં આવી હતી. હાલમાં તેઓ અમદાવાદના પોલીસ કમિશનર છે. જી એસ મલિક 1993ની બેચના આઈપીએસ અધિકારી છે.

કેવો છે મલિકનો ટ્રેક રેકોર્ડ

BSF અને CISF માં ડેપ્યુટેશન બાદ જુલાઈ, 2023માં ગુજરાત પરત ફરેલા આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે ગત વર્ષે 29 એપ્રિલના રોજ તેમણે ગુજરાતના અમદાવાદમાં ઈતિહાસની સૌથી મોટી બુલડોઝર કાર્યવાહી કરીને એક ઝાટકે 'મિની બાંગ્લાદેશ' નો સફાયો કરી દીધો હતો અમદાવાદના નારોલ અને ઇસનપુર રોડ વચ્ચે આવેલા ચંડોળા તળાવ પર લાંબા સમયથી અતિક્રમણ હતું. અહીં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના વસવાટનો મુદ્દો જોર પકડી રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે માત્ર 22 મિનિટમાં બે દાયકા જૂનું અતિક્રમણ હટાવી દીધું હતું.

આ કાર્યવાહી બાદ અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકના જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની તપાસ કરી તો આ વિસ્તારમાં રહેતો લલ્લુ બિહારી ઉર્ફે લાલુ બિહારી માસ્ટરમાઇન્ડ તરીકે સામે આવ્યો હતો. તેણે તળાવની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને આખું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને દસ્તાવેજો બનાવવામાં મદદ કરતો હતો. આ સિવાય તે તેમને અહીં રહેવા માટે જગ્યા આપતો હતો. આના કારણે ચંડોળા તળાવ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓનો મોટો અડ્ડો બની ગયું હતું. મલિકે જણાવ્યું કે તેની પાસે 200 થી વધુ ઓટો રિક્ષા હતી. તે ઘોડા પણ રાખતો હતો. સરકારી જમીન પર બાંધકામ કરવા બદલ તેની સામે ક્રાઈમ બ્રાન્ચે એફઆઈઆર નોંધી હતી.   

જી. એસ. મલિક બીએસએફમાં તૈનાત હતા, ત્યારે તેઓ ભારત-પાકિસ્તાન બોર્ડરના સૌથી દુર્ગમ વિસ્તારોમાં સામેલ હરામી નાળા ખાતે પહોંચ્યા હતા. આ પહેલા ગુજરાતમાં ઘણા જિલ્લાના એસપી  રહી ચૂકેલા જી. એસ. મલિકે ભરૂચમાં પોસ્ટિંગ દરમિયાન બાહુબલી ધારાસભ્ય છોટુ વસાવાની ધરપકડ કરીને સનસનાટી મચાવી દીધી હતી. 

જી. એસ. મલિક હરિયાણાના પલવલ જિલ્લાના વતની છે. તેઓ 1993 બેચના આઈપીએસ અધિકારી છે. મલિકને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુ પણ માનવામાં આવે છે.