Sat Jun 06 2026

Logo

GSSSB એ આપી ખુશખબર: જુનિયર ફાર્માસિસ્ટ અને ઉદ્યોગ નિરીક્ષકની બમ્પર ભરતી, જાણો ક્યાં સુધી કરી શકાશે અરજી

2026-06-06 16:47:14
Author: Devayat Khatana
Article Image

ChatGTP Ai Generated Image


અમદાવાદઃ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જુદા જુદા સંવર્ગો માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GSSSB દ્વારા જુદા જુદા સંવર્ગોની કુલ 366 જેટલી જગ્યાઓ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના ઉદ્યોગ કમિશ્રનર કચેરી હસ્તકની જુનિયર ઉદ્યોગ નિરીક્ષક અને આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક નિયામક, તબીબી સેવાઓ કચેરી હસ્તકના જુનિયર ફાર્માસીસ્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 

જુનિયર ફાર્માસીસ્ટની 266 જગ્યા

GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી અનુસાર આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક નિયામક, તબીબી સેવાઓ, ગાંધીનગરની કચેરી હસ્તકના જુનિયર ફાર્માસીસ્ટ, વર્ગ-3 સંવર્ગની કુલ-266  જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે. જે માટે ઉમેદવારો 6 જૂનથી (૧૪-૦૦ કલાક) થી 25 જૂન સુધી (સમય રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમિયાન ઓન-લાઇન અરજી કરવાની રહેશે.

શું છે શૈક્ષણિક લાયકાત?

જુનિયર ફાર્માસિસ્ટની શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવાર પાસે ભારતની માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ફાર્મસીમાં બેચલર ડિગ્રી (Bachelor's degree in Pharmacy) અથવા ડોક્ટર ઓફ ફાર્મસી (Pharm.D.) ની પદવી હોવી જરૂરી છે; અથવા જો ઉમેદવાર પાસે ફાર્મસીમાં ડિપ્લોમા (Diploma in Pharmacy) હોય, તો તેની સાથે સરકારી સંસ્થા, બોર્ડ, હોસ્પિટલ અથવા માન્ય ફાર્માસ્યુટિકલ કંપનીમાં જુનિયર ફાર્માસિસ્ટ, ડિસ્પેન્સર કે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે આશરે બે વર્ષનો કાર્યઅનુભવ હોવો ફરજિયાત છે. 

જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની 60 જગ્યાઓ

આ ઉપરાંત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના ઉદ્યોગ કમિશ્રનરની કચેરીની, ગાંધીનગર હસ્તકની જુનિયર ઉદ્યોગ નિરીક્ષક, વર્ગ-3 સંવર્ગની કુલ-60  જગ્યા સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે. 

જુનિયર ઉદ્યોગ નિરીક્ષક માટે શું છે શૈક્ષણિક લાયકાત?

જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો અનુસાર, ઉમેદવાર પાસે ભારતની કોઈ માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજી ક્ષેત્રમાં (સિવિલ એન્જિનિયરિંગ સિવાયની) બેચલર ડિગ્રી હોવી જરૂરી છે; અથવા જો ઉમેદવાર ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ કે માન્ય સંસ્થામાંથી એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં (સિવિલ એન્જિનિયરિંગ સિવાય) ડિપ્લોમા ધરાવતો હોય, તો તેની સાથે સરકાર, સરકારી બોર્ડ, કોઈ ઉદ્યોગ, મોટા ઔદ્યોગિક ગૃહ અથવા કંપની એક્ટ, 2013 હેઠળ સ્થપાયેલી કંપનીમાં ટેકનિકલ વર્કર તરીકે (મજૂર તરીકે નહીં) આશરે બે વર્ષનો પ્રેક્ટિકલ કામકાજનો અનુભવ હોવો ફરજિયાત છે.