Sun Sep 13 2026

Logo

ભુજ મેન્ટલ હોસ્પિટલના હેડ ક્લાર્કનું કારસ્તાન, કલર ઝેરોક્સ બિલથી આચર્યું રૂ. ૧.૭૬ કરોડનું કૌભાંડ

2026-06-06 14:23:00
Author: Mumbai Samachar Team
ભુજ મેન્ટલ હોસ્પિટલના હેડ ક્લાર્કનું કારસ્તાન, કલર ઝેરોક્સ બિલથી આચર્યું રૂ. ૧.૭૬ કરોડનું કૌભાંડ

ભુજઃ ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલ ના હેડ ક્લાર્કે તેના સાગરીત સાથે મળીને વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં સરકારી નાણાંની રૂ. ૧,૭૬,૮૧,૫૯૦ની બારોબાર ઉચાપત કરી હોવાનો સંગીન મામલો પ્રકાશમાં આવતાં કચ્છ સહીત રાજ્યભરના આરોગ્ય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જિલ્લા સિવિલ સર્જન ડૉ. કિશોરકુમાર રૉયે આ અંગે હેડ ક્લાર્ક બલભદ્રસિંહ ખેંગારજી જાડેજા અને તેના મળતિયા મિતેશ ધીરજલાલ ચુડાસમા વિરુદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગર વડી કચેરી દ્વારા વર્ષ ૨૦૧૭થી ૨૦૨૬ દરમિયાન થયેલી નાણાંકીય લેવડદેવડનું આંતરિક ઓડિટ કરાતાં આ કૌભાંડ પકડાયું હતું. તપાસમાં ખૂલ્યું હતું કે, આરોપી મિતેશ ચુડાસમાના દસ્તાવેજોના આધારે ડી.જી. નાકરાણીના નામે ખોલાવાયેલા એક ખાનગી બેન્ક ખાતામાં જિલ્લા તિજોરી કચેરી દ્વારા સિવિલ સર્જન કચેરીને મળવાપાત્ર રૂ. ૧.૨૫ કરોડથી વધુની રકમ બારોબાર જમા કરાવી દેવાઈ હતી.

વધુ તપાસ દરમિયાન પંજાબ નેશનલ બેન્કમાં ‘એડમીનિસ્ટ્રેટિવ ઑફિસર, GKGH, ભુજ’ના નામે ખોલાવાયેલું અન્ય એક શંકાસ્પદ ખાતું મળી આવ્યું હતું. આ ખાતું ખોલાવવા માટે હેડ ક્લાર્ક બલભદ્રએ સહી કરી હતી અને પોતાનો જ મોબાઈલ નંબર આપ્યો હતો. આ ખાતામાં ભુજની વિવિધ ખાનગી હોસ્પિટલો પાસેથી ચેક અને અન્ય માધ્યમો દ્વારા રૂ. ૫૧.૬૫ લાખથી વધુની રકમ જમા કરાવી સગેવગે કરવામાં આવી હતી.

વાહન અકસ્માત યોજના હેઠળ ખાનગી હોસ્પિટલોના આવતા બિલની અસલ કોપીના આધારે ચૂકવણું થઈ ગયા બાદ, આરોપીઓ તે જ બિલોની કલર ઝેરોક્સ નકલો એકત્ર કરતા હતા. બે-ત્રણ માસ બાદ આ જ ઝેરોક્સ બિલો ફરીથી પેમેન્ટ માટે રજૂ કરી, તેમાં પોતાના દ્વારા ખોલાવાયેલા બેન્ક ખાતાના નંબર આપી સરકારી નાણાં પડાવી લેતા હતા. આ નાણાં અન્ય ખાતામાં ટ્રાન્સફર કરીને અથવા એટીએમથી રોકડા ઉપાડી લેવાતા હતા.

કૌભાંડની ગંધ આવી જતાં ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ બલભદ્રસિંહને નોકરીમાંથી બરતરફ કરી દેવાયો હતો. આમ છતાં, ગત ૧૩ મે ૨૦૨૬ના રોજ પણ આ ખાતામાં ટ્રાન્ઝેક્શન થયું હોવાથી ગોલમાલ ચાલુ હોવાની શંકા છે.

સાત-સાત વર્ષ સુધી આટલું મોટું કૌભાંડ ચાલતું રહ્યું છતાં કોઈ જવાબદાર અધિકારીના ધ્યાને આ વાત ન આવી તે આશ્ચર્યજનક છે. હાલમાં વર્ષ ૨૦૨૧થી જમા થયેલા બિલોની ભૌતિક ચકાસણી ચાલુ હોઈ, ઉચાપતનો આ આંકડો હજુ વધવાની અને અન્ય અધિકારી-કર્મચારીઓની સંડોવણી બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે. પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે.