Tue Sep 15 2026

Logo

બૅંકમાં નકલી ચલણી નોટો ડિપોઝિટ કરવાનો પ્રયાસ: થાણે કોર્ટે વેપારીને નિર્દોષ જાહેર કર્યો

2026-06-06 17:31:58
Author: Yogesh D. Patel
બૅંકમાં નકલી ચલણી નોટો ડિપોઝિટ કરવાનો પ્રયાસ: થાણે કોર્ટે વેપારીને નિર્દોષ જાહેર કર્યો

થાણે: થાણેની સેશન્સ કોર્ટે 2016માં નોટબંધી બાદ એક હજાર રૂપિયાના દરની છ નકલી નોટો બૅંકમાં ડિપોઝિટ કરવાનો પ્રયાસ કરવાના આરોપનો સામનો કરી રહેલા 38 વર્ષના વેપારીને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે પુરાવા દર્શાવે છે કે તેને અગાઉથી કોઇ જાણ નહોતી કે નોટો નકલી છે.

એડિશનલ સેશન્સ જજ આર. એસ. ભાકરેએ અવલોકન કર્યું હતું કે એક સામાન્ય વ્યક્તિ નરી આંખે નોટને નકલી તરીકે ઓળખી શકતી નથી. ખાસ કરીને નવેમ્બર, 2016માં નોટબંધીના સમયગાળામાં, જ્યારે આ ઘટના બની હતી. જજે નોંધ્યું હતું કે નકલી ચલણી નોટોનું સ્પષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિ તેને સીધી બૅંકમાં લઇ જવાનું ટાળશે, જ્યાં સ્કૅનિંક પ્રોટોકોલ લાગુ હોય. વધુમાં જે વ્યક્તિ પાસે નકલી ચલણી નોટો હશે તે બૅંકમાં જઇને જમા ન કરાવે, જ્યાં મશીન દ્વારા નોટોની તપાસ કરવામાં આવી રહી હોય. તેણે એ નોટોનો ઉપયોગ બજારમાં કર્યો હોત.

આ કેસ 9 ડિસેમ્બર, 2016નો છે, જ્યારે નદીમ શેખ 23 હજાર રૂપિયા ડિપોઝિટ કરવા થાણેની ખાનગી બૅંકમાં ગયો હતો. જોકે તેમાંથી એક હજાર રૂપિયાના દરની છ નોટ નકલી હોવાનું મશીન દ્વારા જણાયું હતું. આથી પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી, જેને આધારે નદીમ શેખ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જોકે ઊલટતપાસ દરમિયાન ઇન્વેસ્ટિગેશન ઓફિસરે સ્વીકાર્યું હતું કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન દ્વારા તેઓ નકલી નોટો શોધી શક્યા નથી. પુરાવા દર્શાવે છે કે સામાન્ય વ્યક્તિ નરી આંખે નોટને નકલી તરીકે ઓળખી શકતી નથી. આથી એવું કહીં શકાય નહીં કે આરોપીને જાણકારી હતી કે ઉપરોક્ત નોટો નકલી હતી, એવું નોંધીને જજે આરોપીને ભારતીય દંડસંહિતાની કલમ 489 (બી) તથા 489 (સી) હેઠળના આરોપમાંથી મુક્ત કર્યો હતો. (પીટીઆઇ)