Thu Jul 23 2026

Logo

સુરતમાં જાહેરમાં આરોપીને ફટકારનારા DCPને સસ્પેન્ડ કરાશે ? હાઈ કોર્ટે શું કહ્યું ?

2026-07-23 10:45:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ શહેરમાં જાહેરમાં આરોપીને ફટકારનારા DCPની મુશ્કેલી વધી શકે છે. તેમને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. વકીલની રજૂઆત બાદ હાઈ કોર્ટે સુઓમોટો લઈ કાર્યવાહી શરૂ કરી છે.

જાણો શું છે સમગ્ર મામલો

સુરતમાં હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો. આ દરમિયાન ઈન્ચાર્જ DCP રાજદીપસિંહ નકુમ અને એસઓજીના પોલીસકર્મીઓએ આરોપીઓના વાળ પકડીને રસ્તા પર જ લાકડીઓ અને લાફા માર્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા.

આ ઘટનાના અનુસંધાને વરિષ્ઠ વકીલ ઉત્કર્ષ દવેએ 15 જુલાઈએ ગુજરાત હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખી સમગ્ર મામલે સુઓમોટો કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે જો પોલીસ અધિકારીઓ જ આરોપીઓને અદાલતી પ્રક્રિયા પહેલાં જાહેરમાં સજા કરવા લાગે તો તે બંધારણની વિવિધ કલમોનું ઉલ્લંઘન છે તથા કાયદાના શાસન માટે ગંભીર ખતરો છે. તપાસ કરવાની સત્તા પોલીસને છે, પરંતુ સજા કરવાનો અધિકાર માત્ર અદાલતને જ છે. હાઈ કોર્ટ દ્વારા સુઓમોટો સંજ્ઞાન લીપા બાદ હવે આ સમગ્ર મામલામાં પોલીસ અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા આગળ વધશે. 
 
હાઇ કોર્ટે આ બાબતને ગંભીરતાથી લેતા હવે ડીસીપી નકુમ અને અન્ય પોલીસ કર્મચારીઓ સામે કાનૂની અને ખાતાકીય તપાસનો માર્ગ ખૂલ્યો છે. કાયદા મુજબ અને રાજ્યના ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવના પરિપત્ર મુજબ પણ પકડાયેલા આરોપીઓનું સરઘસ કાઢવા કે જાહેરમાં માર મારીને અપમાનિત કરવા પર સ્પષ્ટ મનાઈ છે.

અગાઉનો દાખલો

2022ના ખેડાના કેસમાં પણ જાહેરમાં માર મારવા બદલ હાઇ કોર્ટે ચાર પોલીસકર્મીઓને 14 દિવસની જેલની સજા ફટકારી હતી.  જૂના ચુકાદાને ધ્યાને રાખીને હવે આ કેસમાં હાઇ કોર્ટ અને ગૃહ વિભાગ શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.