ભુજઃ અડધા કરોડથી વધુ રકમની છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગંભીર ગુનામાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મુંદરા-બારોઈ નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવક ઇમરાન સલીમ જતની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામના ખારીરોહર વિસ્તારમાં રહેતા વેપારી હાજી યાકુબ જંગીયાએ ઇમરાન વિરુદ્ધ રૂ. ૫૦.૮૩ લાખની છેતરપિંડી અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ધંધાકીય સંબંધોથી શરૂ થયેલો નાણાકીય વિવાદ
પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી હાજી યાકુબ ગાંધીધામમાં 'ઇનાયત કાર્ગો કેરિયર' નામે પેઢી ધરાવે છે અને કાર્ગો હેન્ડલિંગ તથા સ્ટીવડૉરીંગનો વ્યવસાય કરે છે. વર્ષ ૨૦૧૭માં કાંકરીના હેન્ડલિંગ અને સ્ટીવડૉરીંગના કામ દરમિયાન તેમનો પરિચય ઇમરાન સાથે થયો હતો, જે બાદ બંને વચ્ચે મિત્રતા અને ધંધાકીય સંબંધો બંધાયા હતા.
વર્ષ ૨૦૨૩માં ઇમરાને તેની ભાગીદારી વાળી પેઢી 'વિશાલ ટ્રેડિંગ' મારફતે ફરિયાદીને કાર્ગો હેન્ડલિંગનું કામ આપ્યું હતું. આ કામ પેટે ફરિયાદીએ રૂ. ૯૨.૧૯ લાખનું બિલ આપ્યું હતું, જેમાંથી ઇમરાને રૂ. ૪૧.૩૪ લાખ ચૂકવી આપ્યા હતા અને બાકીના રૂ. ૫૦.૮૩ લાખ ટૂંક સમયમાં ચૂકવી દેવાની ખાતરી આપી હતી.
બાકી નીકળતી રકમ મેળવવા માટે ફરિયાદી અવારનવાર ઇમરાનની મુંદરા સ્થિત ઑફિસે રૂબરૂ ગયા હતા અને ફોન પર પણ સંપર્ક કર્યો હતો, પરંતુ ઇમરાન સતત વાયદાઓ કરતો રહ્યો હતો.
ત્યારબાદ ઇમરાને પોતાના પિતાની રાજકીય વગનો રોફ બતાવી ધમકી આપી હતી કે, "મારા પિતા મુંદરામાં નામચીન છે અને મોટી રાજકીય વગ ધરાવે છે, પોલીસ અમારું કંઈ નહીં કરી શકે." એટલું જ નહીં, થોડા સમય બાદ ઇમરાને ગાંધીધામ સ્થિત ફરિયાદીની ઑફિસે રૂબરૂ આવીને ધમકાવતા કહ્યું હતું કે, "તું અમારી મુંદરાની ઑફિસે આવીને મારી આબરૂ લે છે. તારા રૂપિયા ભૂલી જા, નહીંતર તને જાનથી મારી નાખીશ."
વેપારીની ફરિયાદના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ત્વરિત ગુનો નોંધીને મુંદરા શહેરના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી આરોપી ઇમરાન જતની અટકાયત કરી હતી. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ અર્થે અદાલત સમક્ષ રજૂ કરવાની તજવીજ ધરી હોવાનું જાણવા મળે છે.
(ઉત્સવ વૈદ્ય)