Sat Jun 06 2026

Logo

નાગપુરમાં નીટની પરીક્ષા રદ થતાં વિદ્યાર્થિનીની આત્મહત્યા

2026-06-06 17:36:04
Author: Yogesh D Patel
Article Image

કેસ પેપર્સ સાથે સૂસાઇડ નોટ કેમ ન જોડી?: ઇન્વેસ્ટિગેશન ઓફિસર પાસે સ્પષ્ટતા માગી

નાગપુર: નાગપુરમાં નીટની પરીક્ષા રદ થતાં આત્મહત્યા કરનારી વિદ્યાર્થિનીએ લખેલી સૂસાઇડ નોટ કેસ પેપર્સ સાથે ન જોડવા બદલ પોલીસ અધિકારી સામે કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી હતી, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.  

ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-2) નિત્યાનંદ ઝાએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન ડાયરીમાં સૂસાઇડ નોટની નોંધ છે, પણ તેને કેસ પેપર્સ સાથે જોડવામાં આવી નહોતી. અંબાઝરી પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિેગેશન ઓફિસર નિખિલ તભાને સામે કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે અને આ અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે.

અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે કેસ સંબંધી કોઇ પણ દસ્તાવેજોમાં સૂસાઇડ નોટનો ઉલ્લેખ નથી. ડીસીપી નિત્યાનંદ ઝાને પણ આ નોંધ વિશે કહેવામાં આવ્યું નહોતું.

આ મામલો સામે આવ્યા બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જવાબદારી નક્કી કરવા માટે તપાસ હાથ ધરી હતી અને રિપોર્ટ ડીસીપીને સુપરત કર્યો હતો.

નોંધનીય છે કે નીટની પરીક્ષા રદ થયા બાદ હતાશ થયેલી વિદ્યાર્થિની આકાંક્ષા ચતુર્વેદી (18)એ 20 મેના રોજ નાગપુરના ઘરમાં ગળાફાંસો ખાધો હતો. મધ્ય પ્રદેશની વતની આકાંક્ષાએ 2 મેના રોજ નીટની પરીક્ષા આપી હતી.

આત્મહત્યા પૂર્વે આકાંક્ષાએ  લખેલી સૂસાઇડ નોટમાં જણાવ્યું હતું કે પેપર લીકના આરોપ વચ્ચે પરીક્ષા રદ કર્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના આદેશ પર ફરીથી લેવાનારી પરીક્ષામાં પોતે સારા ગુણ મેળવશે તેની કોઇ ‘ગેરન્ટી’ નથી. 

આકાંક્ષાએ સૂસાઇડ નોટમાં માતા-પિતાની માફી માગતાં જણાવ્યું હતું કે મમ્મી-પપ્પા, તમને મારા પર પૂરો વિશ્ર્વાસ હતો કે તમારી પુત્રી એક દિવસ નક્કી ડૉક્ટર બનશે, પણ હવે ફરી એક વાર નીટની પરીક્ષા આપવાની મારામાં હિંમત નથી.

(પીટીઆઇ)