અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ હવે NEET પેપરલીક, પેટ્રોલ ડીઝલ અને LPG સિલિન્ડર સહિતની કિંમતોમાં ભાવ વધારા બાબતે મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસે આ મુદ્દાઓ પર ભાજપ સરકારને ભીંસમાં લેવા માટે તેની ફોજ ઉતારી છે. સાબરકાંઠામાં કોંગ્રેસ નેતાઓ બળદગાડાઓ અને ઢોલ વગાડીને વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ કોંગ્રેસ નેતાઓએ મોંઘવારી મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો, જો કે પોલીસે અમુક કાર્યકરોની અટકાયત કરી હતી.
મળતી વિગતો અનુસાર, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં વધારો, મોંઘવારી, બેરોજગારી અને NEET પેપર લીક બાદ લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં જેવા અનેક પ્રશ્નો મુદ્દે વિરોધ વ્યક્ત કરવા માટે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય વિસ્તારોમાં રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

તે ઉપરાંત અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ ગોહીલ તથા વિરમગામ વિધાનસભાના પુર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ તથા કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.

અમદાવાદમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ આકરો વિરોધ નોંધાવ્યો હતો. અમરાઈવાડી વિધાનસભામાં મોંઘવારીના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં હાય રે ભાજપ હાય હાય, મેલોડી ખાઓ મોંઘવારી ભૂલ જાઓના પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જીલ્લાના વંથલી ખાતે મોંઘવારી, ભ્રષ્ટાચારના અને NEET પેપર લીક સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતાઓએ આવેદન પત્ર પાઠવીને તેમની માંગણી રજૂ કરી હતી.