દુનિયાના દેશો પોતાની સરહદો સુરક્ષિત કરવા માટે સૈન્ય આધુનિકીકરણ પાછળ અબજો ડોલર ખર્ચ કરી રહ્યા છે ત્યારે વિશ્વના 145 દેશની સૈન્ય ક્ષમતાના આધારે તૈયાર કરવામાં આવેલી એક યાદીમાં સૈનિકોની સંખ્યા, અદ્યતન હથિયારો, સંરક્ષણ બજેટ અને લોજિસ્ટિક્સ જેવા 60થી વધુ પાસાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ વર્ષના રિપોર્ટમાં પણ અમેરિકા વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે, જ્યારે ભારત પોતાની તાકાત જાળવી રાખીને ટોપ-4માં મજબૂત રીતે સ્થિર છે.
ભારતે પોતાની સંરક્ષણ પ્રણાલીમાં કરેલા ધરખમ ફેરફારોને કારણે ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. રાફેલ ફાઇટર જેટ, એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને આત્મનિર્ભર ભારત હેઠળ તૈયાર થયેલા આધુનિક શસ્ત્રોને કારણે ભારતની ગણના વિશ્વની મહાસત્તાઓમાં થઈ રહી છે. બીજી તરફ પાકિસ્તાન માટે આ રિપોર્ટ આઘાતજનક રહ્યો છે. પાકિસ્તાન 12મા સ્થાનેથી ખસીને હવે 14મા ક્રમે પહોંચી ગયું છે. મે 2025માં થયેલા 'ઓપરેશન સિંદૂર' અને આર્થિક કટોકટીએ પાકિસ્તાની સેનાની કમર તોડી નાખી છે, જેના કારણે સૈન્ય રેન્કિંગમાં તેનો ગ્રાફ નીચે ઉતર્યો છે.
મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ (ઓપરેશન સિંદૂર) પાકિસ્તાનની રેન્કિંગ ઘટવાનું મુખ્ય કારણ બન્યું છે. કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ભારતે જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાની સરહદની અંદર ઘૂસીને મિસાઇલ અને એર સ્ટ્રાઇક્સ કરી હતી. માત્ર ચાર દિવસના આ જંગમાં ભારતની હવાઈ સર્વોપરિતા સાબિત થઈ હતી અને પાકિસ્તાનના એર ડિફેન્સને મોટું નુકસાન થયું હતું. આ હાર બાદ વૈશ્વિક સ્તરે પાકિસ્તાની સેનાની નબળાઈઓ ખુલ્લી પડી ગઈ અને જર્મની જેવા દેશોએ પાકિસ્તાનને પછાડીને ટોપ-10 ની યાદીમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.
વર્ષ 2026ની યાદી મુજબ અમેરિકા પ્રથમ, રશિયા બીજા અને ચીન ત્રીજા ક્રમે છે. રશિયા યુક્રેન સાથેના લાંબા યુદ્ધ છતાં બીજા સ્થાને ટકી રહ્યું છે, જે તેની વિરાટ લેન્ડ ફોર્સ અને પરમાણુ ક્ષમતા દર્શાવે છે. ચોથા ક્રમે ભારત બાદ દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જાપાન, યુનાઇટેડ કિંગડમ, તુર્કી અને ઇટલીનો સમાવેશ થાય છે. આ ઇન્ડેક્સ સ્પષ્ટ કરે છે કે ભારત હવે માત્ર પરંપરાગત સૈન્ય જ નહીં, પરંતુ અગ્નિ મિસાઇલ, આઈએનએસ વિક્રાંત અને તેજસ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ દુનિયાના શક્તિશાળી દેશોને ટક્કર આપી રહ્યું છે.