મુંબઈ: દિલ્હી બૉમ્બ બ્લાસ્ટ કેસમાં નામ સામે આવ્યું હોવાથી પૂછપરછ માટે ‘ડિજિટલ અરેસ્ટ’ કરવામાં આવી હોવાનો ભય દેખાડીને એટીએસ અને એનઆઈએના અધિકારીના સ્વાંગમાં સાયબર ઠગે 75 વર્ષના પાલિકાના નિવૃત્ત અધિકારી પાસેથી 16.5 લાખ રૂપિયા પડાવ્યા હતા.
અંધેરીમાં રહેતા ફરિયાદીએ આ પ્રકરણે વેસ્ટ રિજન સાયબર પોલીસ સ્ટેશનમાં સોમવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગયા વર્ષની 10 નવેમ્બરે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક વિસ્ફોટક ભરેલા વાહનમાં ધડાકો થયો હતો, જેમાં 12 જણે જીવ ગુમાવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ મુંબઈ મહાનગરપાલિકામાંથી નિવૃત્ત થયેલા અધિકારીને 11 ડિસેમ્બરે અજાણ્યા શખસે કૉલ કર્યો હતો. ફોન કરનારી વ્યક્તિએ પોતાની ઓળખ દિલ્હીના એન્ટિ-ટેરરિઝમ ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે આપી હતી. દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં ફરિયાદીનું નામ સામે આવ્યું હોવાથી તેની ખાનગીમાં પૂછપરછ કરવાની હોવાની ધમકી શખસે આપી હતી.
કૉલ કરનારી વ્યક્તિએ પછી ફરિયાદીને સિગ્નલ ઍપ્લિકેશન ડાઉનલૉડ કરવાની સૂચના આપી હતી, જેના મારફત ફરિયાદીને વીડિયો કૉલ કરવામાં આવ્યો હતો. બાદમાં નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના અધિકારી સદાનંદ દાતેના સ્વાંગમાં સાયબર ઠગે ફરિયાદી સાથે વાત કરી હતી.
આરોપીએ ફરિયાદીને કહ્યું હતું કે તેના મોબાઈલ નંબર સાથે લિંક કરાયેલા એક બૅન્ક ખાતામાં સાત કરોડ રૂપિયા જમા થયા હતા. આ રકમ મની લોન્ડરિંગ પ્રવૃત્તિની હોવાનું કહીને આરોપીએ ધરપકડની ચેતવણી આપી હતી. આરોપીની વાતને ગંભીરતાથી લઈ ફરિયાદીએ આ અંગે કોઈને જાણ કરી નહોતી.
બાદમાં ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરી વિવિધ બૅન્ક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી. ડરના માર્યા ફરિયાદીએ 16.5 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પછી આરોપીએ ફરિયાદીના નંબરને બ્લૉક કરી દીધો હતો. પોતે છેતરાયો હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. (પીટીઆઈ)