ઉજ્જૈન: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. ઉજ્જૈન ખાતે બાબા મહાકાલના આશીર્વાદ લઈને ઉત્સાહભેર પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કારને કાળનો પંજો ભરખી ગયો. પાપડદા અને નાંગલ રાજા વતાન પોલીસ સ્ટેશનની હદમાં ચેનેજ નંબર 194 પાસે એક અજાણ્યા વાહન અને કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરે ચાર જિંદગીઓનો ભોગ લીધો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે જ અરેરાટી વ્યાપી ગઈ હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલી હરિયાણા પાસિંગની કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. આ તમામ લોકો નોઈડાના રહેવાસી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. અકસ્માત સમયે કારની ગતિ ખુબ વધારે હતી અને તે એક અજાણ્યા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર યુવકે પોલીસને આપેલી જુબાની ધ્રુજાવી દે તેવી છે. તેણે જણાવ્યું કે ટક્કર બાદ ટ્રક ચાલકે કાર ઉભી રાખવાને બદલે તેને અનેક કિલોમીટર સુધી રસ્તા પર ઢસડી હતી, જેના કારણે કારમાં સવાર લોકો ગંભીર રીતે કચડાઈ ગયા હતા.
અકસ્માતની જાણ થતા જ પાપડદા અને નાંગલ રાજા વતાન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગંભીર રીતે ઘાયલ યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને તેમના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે, મૃતકોની હજુ સત્તાવાર રીતે ઓળખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેઓ હરિયાણાના હોવાની પુષ્ટિ મળી છે.
આ સમગ્ર મામલે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માત સર્જીને માનવતા નેવે મૂકી કારને ઢસડી જનાર આરોપી ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસ હવે એક્સપ્રેસ-વે પર લાગેલા CCTV ફૂટેજ અને ટોલ પ્લાઝાના ડેટાની મદદથી તે અજાણ્યા વાહનની ઓળખ કરી રહી છે. હાઈવે પર સ્પીડ લિમિટ અને સુરક્ષાના નિયમોના ભંગને કારણે વારંવાર થતા આવા અકસ્માતોએ ફરી એકવાર વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.