Wed Apr 22 2026

Logo

આજનું રાશિફળ (27-03-26): ગજકેસરી યોગ અને નવમીનો સંયોગ, સૂર્ય જેવું ચમકશે આ પાંચ રાશિઓનું ભાગ્ય, અટકેલા નાણાં પરત મળશે...

2026-03-27 00:26:08
Author: Darshana Visaria
Article Image

મેષ

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુકનિયાળ અને ઊર્જાથી ભરપૂર રહેવાનો છે. પરાક્રમ ભાવમાં ચંદ્રનું ભ્રમણ તમારા સાહસમાં વધારો કરશે, જેનાથી અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. વ્યવસાયમાં નવા કરાર થવાની પ્રબળ શક્યતા છે જે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. પરિવાર સાથે ધાર્મિક ઉત્સવમાં સહભાગી થશો, જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય બાબતે જૂની તકલીફોમાં રાહત મળશે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. રામ રક્ષા સ્તોત્રના પાઠ કરવાથી ભાગ્યમાં વૃદ્ધિ થશે. જીવનસાથી આજે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. 

 

વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની નવી નવી તક લઈને આવી રહ્યો છે. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે અનુકૂળતાથી ભરપૂર રહેવાનો છે. આજે તમારી વાણીમાં મધુરતા રહેશે, જેનાથી સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે. પરિવારના સભ્યો સાથેના જૂના મતભેદો દૂર થશે અને પરસ્પર પ્રેમ વધશે. રોકાણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે, ખાસ કરીને સોના કે ચાંદીમાં રોકાણ નસીબ ખોલશે. ખાણી-પીણીમાં સાવધાની રાખવી, નહીંતર પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે મહેનતનું ધાર્યું પરિણામ મળવાનો યોગ છે. રામ દરબારના દર્શન કરવાથી મન શાંત રહેશે.

 

મિથુન

મિથુન રાશિમાં જ ચંદ્રનું ભ્રમણ થઈ રહ્યું છે જે તમને માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ આપશે. રામ નવમીના પવિત્ર દિવસે તમને કોઈ મોટી જવાબદારી કે પદ મળી શકે છે. વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે અને ભાગીદારો સાથેના સંબંધો સુધરશે. તમારી બૌદ્ધિક ક્ષમતાના કારણે તમે મુશ્કેલ પરિસ્થિતિઓનો ઉકેલ લાવી શકશો. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને અપરિણીત લોકો માટે સારા માંગા આવી શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, છતાં વધુ પડતા કામના બોજથી બચવું. કન્યા પૂજન ફળદાયી રહેશે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે એ જવાબદારી સારી રીતે પૂરી કરશે. 

 

કર્ક

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થઈ રહી છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે અને વાત લગ્ન સુધી પહોંચશે. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે અને રામ જન્મોત્સવમાં તમે સક્રિય ભૂમિકા ભજવશો. નોકરીમાં સહકર્મીઓ સાથે થોડી સાવધાની રાખવી, વાદ-વિવાદથી દૂર રહેવું હિતાવહ છે. માનસિક રીતે થોડી બેચેની અનુભવાય, પરંતુ ભક્તિથી શાંતિ મળશે. સ્વાસ્થ્યની બાબતમાં આંખોની કાળજી લેવી. કોઈની પાસેથી ઉધાર લેવાનું આજે ટાળવું.

 

સિંહ

સિંહ રાશિના અગિયારમા ભાવમાં ચંદ્રનું ભ્રમણ હોવાથી આવકના નવા સ્ત્રોત ઉભા થશે. લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. મિત્રો અને મોટા ભાઈઓનો સહયોગ તમારી પ્રગતિમાં નિમિત્ત બનશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટું પદ મળી શકે છે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. લવ લાઈફમાં રોમાન્સ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે તાજગી અનુભવશો. ભગવાન રામને પીળા ફૂલ અર્પણ કરવા શુભ રહેશે. જીવનસાથી સાથે તમે કોઈ જગ્યાએ શોપિંગ પર લઈ જઈ શકો છો. 

 

કન્યા

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી અને વ્યવસાયમાં મોટી સિદ્ધિ અપાવશે. પિતાના આશીર્વાદથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે અને કાર્યક્ષેત્રે તમારો દબદબો વધશે. બેરોજગાર જાતકોને સારી નોકરીની ઓફર મળી શકે છે. મિલકત કે જમીન સંબંધિત વિવાદો ઉકેલાશે અને આર્થિક લાભ થશે. સામાજિક કાર્યક્રમોમાં વ્યસ્તતા રહેશે, પરંતુ તે તમારી ઈમેજ સુધારશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, ખાસ કરીને બ્લડ પ્રેશરના દર્દીઓએ નિયમિત તપાસ કરાવવી. પરિવારમાં શાંતિ અને સંતોષ જળવાઈ રહેશે.

 

તુલા

તુલા રાશિના જાતકોના ભાગ્ય ભાવમાં થઈ રહેલું ચંદ્રનું ભ્રમણ આજે નસીબના દ્વાર ખોલશે. રામ નવમીના દિવસે કોઈ મોટી ધાર્મિક યાત્રા કે મનોરથ સફળ થશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદેશથી સારા સમાચાર આવી શકે છે. પિતૃક સંપત્તિમાંથી મોટો લાભ થવાના યોગ છે. તમારા અટકેલા સરકારી કામો હવે ગતિ પકડશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં સુધારો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ માનસિક થાક ન લાગે તેનું ધ્યાન રાખવું. જીવનસાથી સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. હનુમાનજીની પૂજાથી સફળતા મળશે.

 

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે થોડો નરમ ગરમ રહી શકે છે. આજે અણધાર્યા આર્થિક ખર્ચ આવી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું. જોકે, સંશોધન કે ગૂઢ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે કોઈ મહત્વની શોધ કે સફળતા મળી શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું અને ઉતાવળ ન કરવી. સાસરી પક્ષ સાથેના સંબંધોમાં સાવચેતી રાખવી, નહીંતર ગેરસમજ થઈ શકે છે. માનસિક શાંતિ માટે રામ નામનો જાપ કરવો સૌથી શ્રેષ્ઠ ઉપાય રહેશે. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન મૂકવો. ઘરના રિનોવેશન વગેરેની યોજના બનાવી શકો છો. 

 

ધન

ધન રાશિના જાતકોના સાતમા ભાવમાં ચંદ્રનું ભ્રમણ હોવાથી ભાગીદારીના વ્યવસાયમાં જબરદસ્ત સફળતા મળશે. દાંપત્ય જીવનમાં નવીનતા અને પ્રેમની સુવાસ ફેલાશે, જૂના ઝઘડાઓનો અંત આવશે. સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતા વધશે અને નવા પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે. અપરિણીત લોકોના લગ્નની વાત આજે પાકી થઈ શકે છે. કરિયરમાં તમારી રચનાત્મકતાની કદર થશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, છતાં પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. મિત્રો સાથે મળીને રામ નવમીની ઉજવણી કરશો. ભાગ્યનો સાથ મળશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું અટકી પડેલું કામ પૂરું થશે. 

 

મકર

મકર રાશિના જાતકોના છઠ્ઠા ભાવમાં ચંદ્રનું ભ્રમણ હોવાથી તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. કોર્ટ-કચેરીના કેસમાં તમારી તરફેણમાં નિર્ણય આવી શકે છે. નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે અને તમારી કાર્યક્ષમતાની પ્રશંસા થશે. માતૃપક્ષ તરફથી કોઈ આર્થિક લાભ કે ભેટ મળી શકે છે. લોન કે કરજમાંથી મુક્તિ મળવાના માર્ગો ખુલશે. સ્વાસ્થ્યમાં પાચનતંત્રનું ધ્યાન રાખવું, બહારનું ખાવાનું ટાળવું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય છે. મહેનત મુજબ ફળ મળશે, ધીરજ રાખવી. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે સુધારો થઈ રહ્યો છે. 

 

કુંભ

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. વિદ્યાર્થીઓને આજે બૌદ્ધિક કાર્યોમાં અને શિક્ષણમાં મોટી સફળતા અપાવશે. સંતાન સંબંધી કોઈ ચિંતા દૂર થશે અને તેમના કરિયરમાં પ્રગતિ જોવા મળશે. પ્રેમ સંબંધોમાં ગંભીરતા આવશે અને તે લગ્નમાં પરિણમી શકે છે. શેરબજાર કે લોટરીમાં રોકાણ કરનારાઓ માટે લાભદાયી દિવસ છે, પરંતુ લાલચમાં ન આવવું. કલા અને સાહિત્યના ક્ષેત્રે જોડાયેલા લોકોની ખ્યાતિ વધશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે ઉર્જાવાન અનુભવશો. ભગવાન રામના જન્મોત્સવે રામચરિત માનસનું વાચન કરવું હિતાવહ છે.

 

મીન

મીન રાશિના જાતકોના જીવનમાં આજે ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો કરશે. નવું મકાન, વાહન કે જમીન ખરીદવા માટે આજનો દિવસ અત્યંત શુભ છે. માતાના સ્વાસ્થ્યમાં મોટો સુધારો થશે અને તેમના આશીર્વાદથી અટકેલા કામો પૂર્ણ થશે. ઘરના રિનોવેશન કે સુશોભન પાછળ ખર્ચ થઈ શકે છે. કાર્યક્ષેત્રે તમારી મહેનતનું યોગ્ય વળતર મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ છાતીમાં થોડો દુખાવો કે જકડાઈ જવું જેવી સમસ્યા ન થાય તેનું ધ્યાન રાખવું. માનસિક રીતે તમે ખૂબ જ સુખ અને શાંતિ અનુભવશો. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.