Thu Mar 12 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 26 Feb 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

1 week ago
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

1 week ago

ભારતને પહેલી વિકેટ અક્ષર પટેલે અપાવી

ઝિમ્બાબ્વેએ 257 રનનો તોતિંગ લક્ષ્યાંક મેળવવા માટે ખૂબ સાવચેતીભરી અને ધીમી શરૂઆત કરી હતી અને 44મા રન પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. એ વિકેટ ફરી પ્લેઇંગ-ઇલેવનમાં સામેલ કરવામાં આવેલા વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલે અપાવી હતી. તેણે ઓપનર ટૅડિવાનાશે મારુમની (20 રન)ને ઇશાન કિશનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. 8.2 ઓવરમાં ઝિમ્બાબ્વેનો સ્કોર એક વિકેટે ફક્ત 58 રન હતો. અર્શદીપ, બુમરાહ અને હાર્દિકે બૅટ્સમેનોને કાબૂમાં રાખ્યા હતા.

1 week ago

બંગાળમાં ભાજપ જીતશેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અરરિયામાં ₹ 175 કરોડના SSB પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંગાળ, બિહાર અને ઝારખંડમાં વસ્તી વિષયક ફેરફાર ચિંતાનો વિષય છે. આગામી બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે ઘૂસણખોરી રોકવા અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવાની કટિબદ્ધતા દર્શાવી છે.

1 week ago

અભિષેકે પાવરપ્લેમાં પાવર બતાડી દીધો, છ ઓવરમાં ભારતના 80 રન

ઝિમ્બાબ્વેએ ભારતને પ્રથમ બૅટિંગ આપવાનો જે નિર્ણય લીધો એ કદાચ તેમના માટે બુમરૅન્ગ સાબિત થઈ શકે, કારણકે અભિષેક શર્મા (34 નૉટઆઉટ, 15 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) અસલ મિજાજમાં રમ્યો જેને લીધે પાવરપ્લેની છ ઓવરમાં ભારતનો સ્કોર 1/80 ઉપર પહોંચી ગયો હતો. સૅમસને 24 રન બનાવીને અભિષેક સાથે 48 રનની ભાગીદારી કરીને વિકેટ ગુમાવી ત્યાર પછી ઇશાન કિશને (17 નૉટઆઉટ, 12 બૉલ, બે ફોર) પણ ફટકાબાજી ચાલુ રાખી હતી.

1 week ago

સૅમસને અભિષેક સાથેની 48 રનની આક્રમક ભાગીદારી પછી વિકેટ ગુમાવી

ચેન્નઈમાં ઝિમ્બાબ્વે સામે ભારતે અગાઉની મૅચોની સરખામણીમાં સારી શરૂઆત કરી, પરંતુ 48મા રને સંજુ સૅમસન (24 રન, 15 બૉલ, બે સિક્સર, એક ફોર)ની વિકેટ ગુમાવી હતી. સૅમસન ટૂંકી આક્રમક ઇનિંગ્સ રમ્યો હતો અને અભિષેક (17 રન, આઠ બૉલ, એક સિક્સર, બે ફોર) સાથે માત્ર 3.4 ઓવરમાં 48 રનની ભાગીદારી કરી હતી. જોકે એમાં ઝિમ્બાબ્વેના બોલર્સના નો-બૉલ અને વાઇડ બૉલ પણ સામેલ હતા. સૅમસનની વિકેટ બાદ અભિષેક સાથે ઇશાન કિશન જોડાયો હતો.

A promising start but nothing more 

Samson falls for 24 (15) in his come-back game#T20WorldCup #INDvsZIM pic.twitter.com/vOLTiy7HhO

— Cricbuzz (@cricbuzz) February 26, 2026
1 week ago

NCERT પુસ્તક વિવાદઃ પીએમ મોદીએ નારાજગી વ્યક્ત કરી

એનસીઆઈઆરટીના પુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના પ્રકરણ મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારની આકરી ટીકા પછી કેન્દ્રીય શિક્ષણ પ્રધાને પણ નિવેદન આપ્યું. જોકે, હવે આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બાળકોને શું ભણાવવામાં આવે છે એનું ધ્યાન રાખવું જોઈએ. પુસ્તકના વિવાદ મુદ્દે પીએમ મોદીએ નારાજગી વ્યક્ત કરી હતી.

1 week ago

સાઉથ આફ્રિકાની પહેલી વિકેટ છેક 95મા રને પડી, વિજયની દિશામાં અગ્રેસર

અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝે સુપર-એઇટ મુકાબલામાં 177 રનનો લક્ષ્યાંક આપ્યો ત્યાર બાદ સાઉથ આફ્રિકાએ ખૂબ જ સારી શરૂઆત કરી અને સતતપણે આઠથી બારના રેટથી રન બનાવ્યા બાદ છેક 95મા રનના કુલ સ્કોર પર ક્વિન્ટન ડિકૉક (47 રન, 24 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર)ની પહેલી વિકેટ ગુમાવી હતી. તેની વિકેટ સ્પિનર રોસ્ટન ચેઝે લીધી હતી. તેની અને સાથી ઓપનર એઇડન માર્કરમ (50 નૉટઆઉટ, 27 બૉલ, બે સિક્સર, છ ફોર) વચ્ચે જે ભાગીદારી થઈ એ મૅચ-વિનિંગ નીવડી શકે. વેસ્ટ ઇન્ડિઝે જ્યારે 11મી ઓવરમાં 83 રનમાં સાત વિકેટ ગુમાવી હતી ત્યાં સાઉથ આફ્રિકાના નવ ઓવરમાં માત્ર એક વિકેટે 104 રન હતા.

1 week ago

NCERT વિવાદઃ સુપ્રીમની ઝાટકણી પછી શિક્ષણ પ્રધાનનો જવાબ

એનસીઈઆરટીના આઠમા ધોરણના પુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢ્યા પછી હવે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જવાબ આપ્યો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાને કહ્યું છે કે જે કંઇ થયું એનાથી બહુ દુખી છું પણ ન્યાયતંત્રના અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો.

1 week ago

વેસ્ટ ઇન્ડિઝની ટીમનો રકાસ, 71 રનમાં છ વિકેટ ગુમાવી

સાઉથ આફ્રિકા સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડની અત્યંત મહત્ત્વની મૅચમાં શરૂઆતમાં જ મોટી મુસીબતમાં મૂકાઈ ગઈ છે. આ ટીમની હજી 10 ઓવર પણ નથી થઈ ત્યાં છ બૅટ્સમેન પૅવિલિયનમાં પાછા આવી ગયા છે. નવમી ઓવરમાં તેમનો સ્કોર છ વિકેટે 71 રન હતો. ત્રણ વિકેટ લુન્ગી ઍન્ગિડીએ, બે વિકેટ રબાડાએ અને એક વિકેટ કૉર્બિન બૉશ્ચે લીધી છે. ઓપનર બે્રન્ડન કિંગના 21 રન અત્યાર સુધીમાં ટીમમાં હાઇએસ્ટ છે. આ મૅચ જીતનારી ટીમ સેમિ ફાઇનલમાં સ્થાન પાક્કું કરવાની છે.

1 week ago

અમદાવાદમાં રબાડા ત્રાટક્યો

અમદાવાદમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન એઇડન માર્કરમે ટી-20 વર્લ્ડ કપના સુપર એઇટ રાઉન્ડની વેસ્ટ ઈન્ડિઝ સામેની મૅચમાં પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો ત્યાર બાદ ફાસ્ટ બોલર કેગિસો રબાડા ત્રાટક્યો હતો. તેણે એક ઓવરમાં કૅરિબિયન કેપ્ટન શાઈ હોપ અને શિમરોન હેટમાયરની વિકેટ લઈ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી ઓવરમાં 31 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી હતી.

1 week ago

અમદાવાદમાં સાઉથ આફ્રિકાએ ફીલ્ડિંગ પસંદ કરી

અમદાવાદમાં આજે ફરી એકવાર હાઈ પ્રોફાઈલ મૅચ રમાશે. સાઉથ આફ્રિકાના કેપ્ટન એઇડન માર્કરમે ટી-20 વર્લ્ડ કપના સુપર એઇટ રાઉન્ડની વેસ્ટ ઈન્ડિઝ સામેની મૅચમાં પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. લાલ માટીથી બનેલી પિચ મુંબઈના વાનખેડે મેદાનની પિચ જેવી હોવાનું શૉન પૉલોકે કોમેન્ટરીમાં જણાવ્યું હતું. અમદાવાદમાં બન્ને તરફની સ્ક્વેર બાઉન્ડરી અનુક્રમે 60 મીટર અને 70 મીટર દૂર છે. સ્ટ્રેઈટ બાઉન્ડરી અને પિચ વચ્ચેનું અંતર 72 મીટર છે. વિન્ડિઝે અકીલ હોસૈનની જગ્યાએ રોસ્ટન ચેઝને રમાડવાનું નક્કી કર્યું છે.

1 week ago

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મોદી છવાયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ઈઝરાયલના પ્રવાસે છે, ત્યારે સંસદથી લઈને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ વડા પ્રધાન મોદી ટ્રેન્ડમાં છે, જ્યારે નેસેટ આપેલા સંબોધન અંગે પ્રતિક્રિયાઓ મળી રહી છે.

1 week ago

રાજકોટ-ભાવનગરમાં રી કન્સ્ટ્રક્શન બાબતે ગોપાલ ઇટાલિયાના સવાલ

રાજકોટ અને ભાવનગરમાં છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા ગુનાઓ અને તેના અનુસંધાને ‘વરઘોડા’ (રી-કન્સ્ટ્રક્શન) મામલે AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સવાલ ઉઠાવ્યો છે અને પ્રાથમિક સંખ્યાઓ રજૂ કરતા જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં મોટા પાયે 96,221 જેટલા ગુનાઓ બંને જિલ્લામાં નોંધાયા છે, પરંતુ તેમાં રિકન્સ્ટ્રક્શન ફાળવણીમાં ખૂબ ઓછું પ્રમાણ જ પડતું દેખાય છે. રાજકોટ શહેરમાં 25,890 કેસ નોંધાયા ત્યાં માત્ર 49 જ રિ-કન્સ્ટ્રક્શન થયા છે અને રાજકોટ જિલ્લામાં 28,825 ગુનાઓ પૈકી માત્ર 48નું રિ-કન્સ્ટ્રક્શન થયું છે. ગોપાલ ઈટાલિયાના દાવા પ્રમાણે ભાવનગરમાં 41,506 ગુનાઓ નોંધાયા છે જેમાં 154 રી-કન્સ્ટ્રક્શન થયા છે.

1 week ago

રાજકોટમાં ધોળા દિવસે જોવા મળ્યું શિયાળનું બચ્ચું

રાજકોટના રેસકોર્ષ રીંગ ઉપર આવેલ પોલીસ હેડ ક્વાર્ટર સામે ત્રિકોણીય બગીચામાં ધોળા દિવસે શિયાળનું બચ્ચું જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. વન વિભાગ દ્વારા શિયાળના બચ્ચાને રેસ્ક્યું કરવા કવાયતો શરૂ કરી છે.

1 week ago

વિધાનસભામાંથી વિપક્ષે કર્યું વોકઆઉટ

ગુજરાત વિધાનસભામાંથી વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.  વિપક્ષના તમામ ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. પ્રધાને અંગ્રેજીમાં જવાબ આપતાં વિપક્ષે હોબાળો કર્યો હતો.

1 week ago

રીવાબા જાડેજાએ બોર્ડના પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી

રીવાબા જાડેજાએ બોર્ડના પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષામાં સહભાગી થનાર તમામ વિદ્યાર્થીમિત્રોને હાર્દિક શુભેચ્છાઓ. તમારી મહેનત અને સમર્પણ તમને આ પરીક્ષામાં સફળતા અપાવશે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે.તમે જીવનમાં નવી સિદ્ધિઓ હાંસલ કરો અને દરેક પડકારને આત્મવિશ્વાસ સાથે પાર કરો,એવી હાર્દિક શુભકામનાઓ

1 week ago

સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા

સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITએ દરોડા પાડ્યા છે. વસંત ગજેરા એન્ડ કંપનીની તપાસમાં જમીનના સોદાને લઈ તપાસ થઈ રહી છે. 22 સ્થળો પર 80 અધિકારીઓની ટીમે તપાસ શરૂ કરી છે.

1 week ago

ગુજરાત બોર્ડની પરીક્ષાનો આજથી આરંભ


ગુજરાત બોર્ડની પરીક્ષાનો આજથી આરંભ થશે. ધોરણ.10 અને 12ના 15.28 લાખ જેટલા વિદ્યાર્થીઓપરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા દરમિયાન સંવેદનશીલ અને અતિસંવેદશનશીલ કેન્દ્રો પર નજર રાખવા માટે બોર્ડ દ્વારા સ્ક્વોડની 70 જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે. પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક ન થાય તે માટે માટે પેપર બોક્ષ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશનથી પ્રશ્નપત્રોનું ટ્રેકિંગ કરવામાં આવશે.

1 week ago

અમદાવાદનો 615મો સ્થાપના દિવસ

આજે અમદાવાદનો 615મો સ્થાપના દિવસ છે. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની આજે ભવ્ય  નગરયાત્રા નીકળી છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં છે.

1 week ago

પીએમ મોદીના ઈઝરાયલ પ્રવાસનો આજે બીજો દિવસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલ પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી આજે હોલોકોસ્ટ (નરસંહાર) પીડિતો માટેના ઈઝરાયેલના સત્તાવાર સ્મારક, યાદ વાશેમની મુલાકાત લેશે. આ ઉપરાંત, પીએમ મોદી ઈઝરાયલના વડા પ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.