ભુવનેશ્વર: ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના એરફિલ્ડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ન્યૂ આઝાદ નગર વિસ્તારમાં આજે એક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
કઇ રીતે થયો બોમ્બ વિસ્ફોટ?
ભુવનેશ્વરના બહારના વિસ્તારમાં આજે એક ભયાનક ક્રૂડ બોમ્બ વિસ્ફોટ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ સુંદરપાડા ન્યૂ આઝાદ નગર વિસ્તારની એક બહુમાળી ઇમારતની છત પર વિસ્ફોટ થયો હતો. છત પર ગેરકાયદે રીતે ક્રૂડ બોમ્બ બનાવવાનું અથવા તેને રિપેર કરવાનું કામ ચાલી રહ્યું હતું, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બોમ્બના પરીક્ષણ દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
બહુમાળી ઇમારતની છત પર થયેલા આ ધડાકામાં બે મહિલાઓ સહિત કુલ ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તમામ ઘાયલોને તાત્કાલિક ભુવનેશ્વરની કેપિટલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જણાવાયું છે.
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભુવનેશ્વરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી છે. હાલ એરફિલ્ડ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો.
આટલી મોટી માત્રામાં વિસ્ફોટકો ત્યાં કેવી રીતે આવ્યા? શું આ બોમ્બ કોઈ મોટા ગુનાહિત કાવતરાના ભાગરૂપે બનાવવામાં આવી રહ્યા હતા? આ ઈમારતનો માલિક કોણ છે અને આ ગેરકાયદે પ્રવૃત્તિમાં અન્ય કોણ સામેલ છે? પોલીસ આ સવાલોના જવાબો મેળવવામાં લાગી ગઈ છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ વિસ્ફોટ પાછળના ચોક્કસ હેતુનો ખુલાસો થશે.