બધાને એકસરખું ઘેલું લગાડતી બંગ મીઠાઈની ગઈ કાલ અને આજ એટલી જ રોચક છે...
ભરત ઘેલાણી
ફ્યુઝન બંગાળી સ્વિટસ
ગયા અઠવાડિયે આ કોલમમાં તમે વાંચી ગયા કે ચીલાચાલુ બંગાળી મીઠાઈની હાટડી ચલાવતા નવીનબાબુની જહેમત અને બાગલાજી જેવા સજ્જન મારવાડી વેપારીનું પીઠબળ મળતાં એમણે ‘શોધેલા’ રસગુલ્લા પંકાઈ ગયા.. રસગુલ્લાની આવક ધમધોકાર થવા માંડી, છતાં વર્ષો સુધી નવીનબાબુએ પોતાની હાટડી જેવી દુકાન પર કોઈ પાટિયું કે સાઈનબોર્ડ લટકાવ્યું નહોતું. એમના વ્યવસાયને બધી રીતે વ્યવસ્થિત કર્યો ‘કે.સી. દાસ’ તરીકે ઓળખાતા એમના પુત્ર કૃષ્ણચંદ્ર દાસે. આમ તો એમણે જાતમહેનતે ઊભી કરેલી એક પાવરલૂમ અને એક સોડાવૉટરની ફૅક્ટરી સારું રળતી હતી તેમ છતાં શું ધૂન ચડી કે એ કમાણી છોડીને કૃષ્ણચંદ્ર એના પિતાની રસગુલ્લાની હાટડીમાં બેસી ગયા....
એ જમાનામાં કોલકાતાના મોટા ભાગના રસ્તા કાચા હતા. કાચા-ધૂળિયા રસ્તા પરથી ઊડતી ધૂળ ઉઘાડી રાખેલી મીઠાઈ પર પડતી. ગ્રાહકોને મીઠાઈ ત્યારે ખલ્લી અપાતી એટલે કૃષ્ણચંદ્રએ સર્વપ્રથમ કાગળની પસ્તીમાં મીઠાઈ આપવાની વ્યવસ્થા કરી, જેમાં રસગુલ્લા વધુમાં વધુ 28થી 30 કલાક ટકે, ત્યાર બાદ એનો સ્વાદ ખોરો થઈ જાય. રસગુલ્લા લાંબો સમય સચવાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સુગમતાથી પહોંચે એ માટે કૃષ્ણચંદ્રએ પાછળથી 1930ની આસપાસ રસગુલ્લાને વૅક્યૂમ પદ્ધતિથી ટિનની અંદર પેક કરીને બજારમાં મૂકવા માંડ્યા. ટિનપૅક્ડ રસગુલ્લા બંગાળની બહાર જવા લાગ્યા એટલે વધુ લોકભોગ્ય બન્યા.
કોઈ નામ કે પાટિયા વગર વર્ષો સુધી ધીકતો ધંધો કર્યા પછી 1946માં એમણે ‘કે.સી. દાસ પ્રાઈવેટ લિમિટેડ કંપની’ની સ્થાપના કરી. ટિનમાં મળવા માંડ્યા ત્યારથી રસગુલ્લાની માગમાં દેશ-વિદેશમાં ગજબનો ઉછાળો આવ્યો. માગ એટલી બધી વધી ગઈ કે એકલા ઈંગ્લેન્ડમાં કે.સી. દાસના 165 જેટલા ડીલર્સ થઈ ગયા.!
બાબુમોશાય પ્રજા મીઠા સ્વાદ પાછળ પાગલ છે. અહીંની મોટાભાગની મીઠાઈમાં સહેજે છે કે સુગર-ખાંડ વધુ રહેવાની તો ડાયાબિટીસથી પીડાતા દર્દીઓ માટે સુગર વગરના રસગુલ્લા બનાવવાની શરૂઆત પણ ‘કે સી દાસે ’ કરી એ પછી તો સ્વાદ શોખીનોને આજે ઘણી બંગાળી મીઠાઈ સાકર વગર સુગર ફ્રી મળે છે.
રસગુલ્લા વિખ્યાત થયા એની પાછળ બાગલાજી જેવા ઉદ્યોગપતિનું પીઠબળ હતું એમ કોલકાતાના ગાંગુરામની મીઠાઈઓ આજે વિશ્ર્વવિખ્યાત વિભૂતિઓ વચ્ચે પંકાય છે એની પાછળ એક જમાનામાં કોલકાતાના એક અગ્રણી એવા ગુજરાતી બિહારીભાઈ શાહનો બહુ મોટો ફાળો રહ્યો છે એ વાત ગાંગુરામના વારસદારો પણ આજે સ્વીકારે છે.
આશરે 150 વર્ષ અગાઉ મૂળ બનારસના ગાંગુરામ જીવનનિર્વાહ માટે હાથમાં દોરી-લોટો લઈને બનારસથી ચાલતા કોલકાતા આવેલા. બનારસનો ચોરસિયા પરિવાર આમ તો પાન-પટ્ટીના વ્યવસાય માટે જાણીતો, પરંતુ ગાંગુરામે અગાઉ એક મીઠાઈવાળાની દુકાનમાં થોડો અનુભવ લીધેલો એટલે કોલકાતા આવીને એક મીઠાઈની દુકાને નોકરીએ લાગી ગયા. સમય જતા એ દુકાન બંધ પડી ત્યારે એ જગ્યા ખરીદીને ખુદ ગાંગુરામે પોતાનો ધંધો શરૂ કર્યો. એમણે રસગુલ્લાના શોધક નવીનચંદ્ર દાસની જેમ કોઈ નામ કે પાટિયા વગર ધંધો વિકસાવ્યો.
પાછળથી 1892માં એમના પુત્રે ‘ગાંગુરામ ઍન્ડ સન્સ’ના નામે મીઠાઈના વ્યવસાયને વ્યવસ્થિત કર્યો હતો. સંદેશ, મિષ્ટી દહીં (મીઠું દહીં) ચમચમ, રસમાધુરી જેવી બંગાળી મીઠાઈ એમની વિશેષતા ગણાય છે.
કે.સી. દાસ અને ગાંગુરામના સમકાલીન એવા ભીમચંદ્ર નાગનું નામ કાચા ગુલ્લા સંદેશ (અતિ નરમ સંદેશ) માટે જાણીતું છે જો કે આજે પણ એમની શ્રેષ્ઠ બનાવટ તો મીઠું દહીં ગણાય છે.
વર્ષો પહેલાં વડા પ્રધાન નહેરુજી કોલકાતા આવ્યા ત્યારે દિવસભરની સખત રઝળપાટ પછી નહેરુજીએ કાંઈક હળવું ખાવાની ઈચ્છા દર્શાવી. મોરારજીભાઈ સાથે જેટલો અંગત સંબંધ ધરાવતા એવો જ ઘરોબો ત્યારે નહેરુજી સાથે પણ ધરાવતા બિહારીભાઈએ એમને મીઠું દહીં ચખાડ્યું અને મીઠા દહીંના સ્વાદ પર એ ફીદા થઈ ગયા.
‘પંડિતજીને ગાંગુરામનું મીઠું દહીં ભાવ્યું છે’ એ સમાચાર દહીં ખાતા નહેરુજીની તસવીર સાથે પ્રગટ થયા પછી ગાંગુરામને ત્યાં તડાકો પડ્યો.
આજે કે.સી. દાસ, ગાંગુરામ, ભીમચંદ્ર નાગ ઉપરાંત નેપાલચંદ્ર, સેન મહાશય, યાદવચંદ્ર દાસ, દેશબંધુ જેવા બીજા અનેક મીઠાઈ ઉત્પાદકો છે, જેમની મીઠાઈ બંગાળ અને બંગાળ બહાર સુપ્રસિદ્ધ છે.
જોકે પલટાતા જતા સમયમાં બંગાળની આજેની યુવા પેઢી ‘જનરેશન ઝી’ને માટે અહીં બંગાળી ‘ફ્યુઝન સ્વિટસ’ પણ ખાસ તૈયાર થાય છે. ‘ફ્યુઝન સ્વિટસ’ એટલે પરંપરાગત બંગાળી મીઠાઈ સાથે ચોકલેટ કે ચીઝ કેક, ઈત્યાદિનાં મિશ્રણ દ્વારા તૈયાર થતું પરંપરાગત મીઠાઈઓનું આધુનિક આધુનિક સ્વરૂપ.. જેમ કે રસગુલ્લા - સંદેશ કે પછી મિષ્ટિ દહીં સાથે ચીઝ કેક કે ચોકલેટ ઉમેરવામાં આવે એને ફ્યુઝન બંગાલી મીઠાઈ કહે છે. આ રીતે તૈયાર થતી એ સ્વિટસમાં જાતભાતની ફ્લેવર (સ્વાદ સોડમ) પણ ઉમેરવામાં આવે છે. સ્ટ્રોબરી-કિવી- મેંગો બ્લેક કરન્ટ જેવી ફ્લેવરવાળા રસગુલ્લા-સંદેશની ડિમાન્ડ પણ વધી છે. અમુક મીઠાઈમાં કિસમિસ અને પાનની સોડમ પણ માણવા મળે. આજના યુવાનો ‘બલરામ મલ્લિક’ની ફ્યુઝન બંગાળી મીઠાઈ વિશેષ પસંદ કરે છે..
આમ આવા બંગાળના મીઠાઈ ઉત્પાદકોનો ઈતિહાસ જાણ્યા વગર તમે અત્યાર સુધી એમની વાનગીઓ માણી હશે, પરંતુ આજે ઈતિહાસ જાણ્યા પછી હવે બંગાળની મીઠાઈ આરોગતા હશો ત્યારે મોંમાં મીઠાઈના સ્વાદ ઉપરાંત ઈતિહાસનો રસ પણ ઝરતો અનુભવશો.
બંગ મીઠાઈઓની મધુર અલપ-ઝલપ
સામાન્ય બાબુમોશાયથી લઈને સુપ્રસિદ્ધ વ્યક્તિઓને અહીંની મીઠી વાનગીઓએ એકસરખું ઘેલું લગાડ્યું છે, જેમકે...
બંગાળના પ્રથમ મુખ્ય મંત્રી ડો. બી.સી. રોય પણ એમના જીવનકાળ દરમિયાન રોજ સવારે સાત વાગે પોતાની કાર : ગાંગુરામની માણેકતલ્લાની દુકાને મોકલીને એના સંદેશ મગાવતા....
બંગાળના રાજ્યપાલ પદમજા નાયડુને બંગાળની મીઠાઈઓ પસંદ હતી. રાજભવનમાં પાર્ટીઓ થતી એમાં મીઠાઈ પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ ખાસ ‘ગાંગુરામ’ને આપતા.
ઈંગ્લેન્ડનાં મહારાણી એલિઝાબેથ કોલકાતા આવ્યાં ત્યારે ‘બંગાળની મીઠાઈઓ ખાસ ચાખવી છે’ એવી આગોતરી સૂચના એમણે આપી રાખી હતી.
1958માં સોવિયેટ દેશ -રશિયાના પ્રમુખ બુલગાનીન કોલકાતા આવ્યા ત્યારે કોલકાતાના રાજભવનમાં યોજાયેલા ભોજન સમારંભમાં બંગાળની પ્રણાલિકા મુજબ અલ્પના (રંગોળી) કરેલી એક મોટી હાંડીમાંથી એમને બંગાળની મીઠાઈઓ પીરસવામાં આવી અને એમને કહેવામાં આવ્યું કે આ મીઠાઈઓ દૂધની બનાવટની છે ત્યારે એમને ખૂબ આશ્ર્ચર્ય થયેલું, કારણ કે રશિયામાં શુદ્ધ દૂધનો જ ઉપયોગ થાય છે. દૂધમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરીને એમાંથી ખાદ્યસામગ્રી તૈયાર કરવાની ત્યાં સખત મનાઈ છે....
બંગાળી પ્રજા આજે પણ જેને વિલન માને છે એવા અંગ્રેજ વાઈસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા હતા. એની અમેરિકન પત્ની મેરી કર્ઝનને ‘ચમચમ’ નામની બંગાળી મીઠાઈ ખૂબ ભાવતી. તે ખાધા પછી એ કહેતી : ‘વીલ ઈટ મોર ...વધુ ખાઈશ ’ એટલે એના એક ખાસ ચાકરે શીખવી દીધું હતું કે : ‘તમારે બંગાળીમાં કહેવાનું કે ‘આબાર ખાબો’ પછી તો એ જમાનામાં ચમચમનું નામ જ ‘આબાર ખાબો’ મીઠાઈ પડી ગયું હતું !
આજ રીતે , 1970 -80 ના દાયકામાં મહાનગર કોલકાતામાં ભયંકર પાવરકટ થતો. એ ગાળામાં ત્યાંના એક મીઠાઈ ઉત્પાદકે એવા સંદેશા બનાવ્યા હતા, જે પાવરકટના ગાઢ અંધકારમાં ય એવા ચળકે-ઝગમગે કે એ સંદેશનું નામ એ જમાનામાં ‘લોડશેડિંગ સંદેશ’ પડી ગયું હતું !