Wed Sep 16 2026

Logo

‘ડીકરા, રાણી તો પપ્પાની...’

2026-05-10 10:06:39
Author: અભિમન્યુ મોદી
‘ડીકરા, રાણી તો પપ્પાની...’

અભિમન્યુ મોદી

આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં પ્લેસ્ટેશનના 4ઊં ગ્રાફિક્સ અદ્ભુત હોઈ શકે છે, પણ એ હાઈ-ડેફિનેશન સ્ક્રીન પર હારી ગયેલા મિત્રના ચહેરા પરના કુદરતી હાવભાવ કે જીતનારાની આંખમાં આવતી ચમક ક્યારેય દેખાતી નથી. કાચની લીસ્સી સ્ક્રીન પર આંગળીઓ ઘસીને હવે માણસ એટલો થાકી ગયો છે કે તેને ફરીથી પાસા ફેંકવા છે, પત્તા ચીપવા છે અને રૂબરૂ બેસીને એ નિર્દોષ ઝઘડાઓ કરવા છે,  જે તેને જીવંત હોવાનો અહેસાસ કરાવે.

વર્ષોથી માળિયામાં ધૂળ ખાતા કેરમ બોર્ડને જ્યારે નીચે ઉતારીને તેના પર સફેદ બોરિક પાવડર છાંટવામાં આવે છે ત્યારે માત્ર બોર્ડની સપાટી જ લીસ્સી નથી થતી, પણ વર્ષોથી યાંત્રિક અને શુષ્ક બની ગયેલા સંબંધો પર પણ એક નવી જીવંતતા પથરાય છે. મુંબઈ જેવા દોડતા શહેરમાં જ્યાં સ્પેસની હંમેશાં અછત રહી છે ત્યાં આ ચોરસ બોર્ડ એક આખી નવી દુનિયા રચી આપે છે. એક જમાનો હતો જ્યારે બપોરના સમયે મધ્યમવર્ગીય ઘરોમાં લુડોના પાસાનો અવાજ ગુંજતો, કેરમના સ્ટ્રાઇકરનો અવાજ આખા ઓરડામાં એક લય ઊભો કરતો અને ‘વેપાર’   (Monopoly)ની પેલી પાતળી નકલી નોટોના હિસાબોમાં આખું ઘર ગળાડૂબ રહેતું. આ માત્ર રમતો નહોતી, પણ પરિવારોને જોડી રાખતું એક અદૃશ્ય સૂત્ર હતું. પછી અચાનક એક ડિજિટલ વાવાઝોડું આવ્યું અને આપણા હાથમાંથી પાસાં અને કૂકરીઓ છીનવીને એક ઠંડી, નિર્જીવ કાચની સ્ક્રીન પકડાવી દીધી. આપણે બધા એક જ સોફા પર બેઠા હોવા છતાં પોતપોતાના મોબાઇલની દુનિયામાં એવા તો કેદ થઈ ગયા કે રૂમમાં પિન-ડ્રૉપ સાઇલન્સ છવાઈ ગયું.

આ આધુનિક થાકમાંથી જ મુંબઈ જેવાં મેટ્રો શહેરોમાં ‘બોર્ડ ગેમ કાફે’નો એક નવો અને સુંદર સાંસ્કૃતિક ટ્રેન્ડ ઊભરી રહ્યો છે. જો તમે દક્ષિણ મુંબઈ કે અંધેરીના આધુનિક કાફેમાં નજર કરશો  તો હવે યુવાનો લૅપટૉપ કે મોબાઈલ લઈને ખૂણામાં ભરાઈ રહેવાને બદલે, રાઉન્ડ ટેબલ પર બેસીને મોનોપોલી, સિક્વન્સ કે કટાન્સ રમી રહ્યા છે. આ કાફેમાં હસવાના, બૂમાબૂમ કરવાના અને ચીટિંગ પકડાઈ જવા પર થતા નિર્દોષ ઝઘડાઓના અવાજો ગુંજે છે. ડિજિટલ ડિપ્રેશન અને આઈસોલેશન સામેની આ એક નૈસર્ગિક પ્રતિક્રિયા છે. માણસ હવે સમજી રહ્યો છે કે ઇન્સ્ટાગ્રામ પર 5000 ફૉલોઅર્સ હોવા કરતાં રૂબરૂ બેસીને બે મિત્ર સાથે સાપ-સીડી રમવામાં જે આત્મીય કનેક્શન છે તેની તોલે દુનિયાની કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી શકે તેમ નથી.

બોર્ડ ગેમ્સના આ પુનરુત્થાન પાછળ એક રસપ્રદ વિજ્ઞાન પણ છુપાયેલું છે. વીડિયો ગેમ્સ આપણા મગજમાં માત્ર ‘ડોપામાઇન’ રિલીઝ કરે છે, જે એક પ્રકારની ક્ષણિક ઉત્તેજના છે અને આપણને વધુ ને વધુ એકલવાયા વ્યસની બનાવે છે. જ્યારે પરિવાર કે મિત્રો સાથે આમને-સામને બેસીને રમાતી રમતો મગજમાં ‘ઑક્સિટોસિન’ મુક્ત કરે છે, જેને આપણે પ્રેમ અને વિશ્વાસનો હૉર્મોન કહીએ છીએ. જ્યારે તમે કેરમ રમો છો, ત્યારે તમે માત્ર કૂકરી નથી મારતા, પણસામે બેઠેલાની આંખો વાંચો છો. પત્તા રમતી વખતે કોણ ‘બ્લફ’ કરી રહ્યું છે તે તેની બૉડી લૅન્ગ્વેજ પરથી પકડવાની જે મજા છે, તે કોઈ અલ્ગોરિધમ ક્યારેય આપી શકતું નથી. આ રમતો આપણને સામાજિક કૌશલ્ય શીખવે છે, જે આજે ઈમોજીના યુગમાં ક્યાંક વિસરાઈ ગયું છે.

યાદ કરો એ બાળપણના દિવસો જ્યારે સાપ-સીડીમાં 99 નંબર પર સાપ ગળી જાય અને આપણે સીધા 12 નંબર પર પટકાતા, ત્યારે જે હતાશા આવતી તે આપણને જિંદગીની અણધારી પછડાટો સહન કરવાની અજાણતા જ ટ્રેનિંગ આપતી હતી. ‘વ્યાપાર’ રમતી વખતે મુંબઈ કે દિલ્હી શહેર ખરીદવાની જે જીદ હતી અને જેલમાં ગયા પછી દંડ ભરતી વખતે જે કાલાવાલા કરવા પડતા, તે આપણને વાટાઘાટોની કળા શીખવતા હતા. લુડોમાં ભાઈ કે બહેનની કૂકરી કાપી નાખવા પર થતો અસલી ઝઘડો અને હારી જવાની અણી પર હોઈએ ત્યારે ગુસ્સામાં આખું બોર્ડ ઊંધું વાળી દેવાની એ ‘ચીટિંગ’માં જે પારિવારિક હૂંફ હતી, તે આજે વૉટ્સઍપના ફૅમિલી ગ્રુપમાં મુકાતા નિર્જીવ સ્ટિકર્સમાં ક્યાંય મળતી નથી.

ઘણાને એવો ભ્રમ હોય છે કે બોર્ડ ગેમ્સ એટલે માત્ર બાળકો માટેનો ખેલ. ના, એવું નથી.

આજે બોર્ડ ગેમ્સની દુનિયા માત્ર સાપ-સીડી કે લુડો સુધી સીમિત નથી. ‘ટિકિટ ટુ રાઈડ’ કે ‘સેટલર્સ ઑફ કટાન્સ’ જેવી આધુનિક ગેમ્સ આજે પુખ્ત વયના લોકોના મગજને એવી રીતે કસે છે કે કલાકો સુધી કોઈને પોતાનો મોબાઇલ ચેક કરવાનું યાદ પણ નથી આવતું. આ ગેમ્સમાં રિએક્શન ટાઇમ કરતાં થિંકિંગ ટાઇમનું મહત્ત્વ વધુ હોય છે, જે આજના અધીરા બની ગયેલા માણસમાં ધીરજ અને વ્યૂહરચનાના ગુણો પાછા લાવવાનું કામ કરે છે. તે આપણને શીખવે છે કે જીવનમાં ગતિ કરતાં દિશાનું મહત્ત્વ વધુ છે.

ટેક્નૉલૉજી ખરાબ નથી, પણ જ્યારે તે માણસને માણસથી જ દૂર કરવા લાગે ત્યારે જૂના માળિયામાં પડેલાં એ રમકડાં જ આપણને સંવેદનાઓના કિનારે પાછા લાવે છે. કેરમ બોર્ડ પર છાંટેલા એ પાવડરની સુગંધ માત્ર લાકડાને જ લીસ્સું નથી કરતી, તે આપણા ડ્રાય થઈ ગયેલા સંબંધોમાં પણ એક નવી સુંવાળપ લાવે છે. કાચની સ્ક્રીનો ભલે દુનિયાભરનું ઇન્ટરનેટ પકડી શકતી હોય, પણ લાકડાના બોર્ડ પર પાસાં ફેંકતી વખતે હાથમાંથી છૂટતા એ વાસ્તવિક અવાજની ફ્રિક્વન્સી આપણા આત્મા સાથે સીધી કનેક્ટ થાય છે. સંબંધોનું સાચું મૂલ્યાંકન સોશ્યલ મીડિયાની લાઇક્સ પરથી નથી થતું, પણ રમતમાં હારી ગયા પછી કોણ તમારી સાથે દિલ ખોલીને હસી શકે છે તેના પરથી થાય છે. વર્ચ્યુઅલ દુનિયાના આ માયાવી જાળમાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે આપણે ફરી એકવાર સ્પર્શ કરી શકાય તેવી દુનિયામાં પાછા ફરીએ.