ફોક્સ - વીણા ગૌતમ
ભારતીય ખેતીમાં સૌથી મોટો પડકાર છે - એક નિશ્ચિત અને સ્થિર આવક. ક્યારેક હવામાન વિનાશ વેરે છે, તો ક્યારેક બજાર ખેડૂતોની વિરુદ્ધ જાય છે. આવા સમયે તેમને એક એવી આવકની જરૂર હોય છે, જે ભલે ઓછી હોય, પણ સ્થિર અને નિયમિત હોય. હરડેનું ઝાડ આ જ ઊણપને પૂરી કરે છે. તે ખેડૂતો માટે ધીમી પણ સ્થિર આવકનો સ્ત્રોત છે. હરડેનું ઝાડ એક એવું વૃક્ષ છે, જે માત્ર આવક જ નથી આપતું પણ પર્યાવરણ સંરક્ષણ, જમીન સુધારણા અને સ્વાસ્થ્ય ઉદ્યોગ વગેરે તમામમાં પોતાનું હકારાત્મક યોગદાન આપે છે. જો ખેડૂતો હરડે અથવા હરિતકીના ઝાડ વાવે છે, તો તે સાચા અર્થમાં તેમની આર્થિક સુરક્ષાનો પ્રાથમિક વીમો સાબિત થાય છે. બસ, આ માટે ધીરજ અને શરૂઆતી મહેનતની જરૂર હોય છે.
હરડેના ઝાડનું વૈજ્ઞાનિક નામ ‘ટર્મિનાલિયા ચેબુલા’ છે. તે મધ્યમ કદનું આશરે 15 થી 30 મીટર સુધીની ઊંચાઈ ધરાવતું પાનખર વૃક્ષ છે, જેની જો યોગ્ય રીતે દેખભાળ કરવામાં આવે તો તે 70 થી 100 વર્ષ સુધી જીવિત રહે છે.
આયુર્વેદમાં આ વૃક્ષનું વિશેષ સ્થાન છે, તેથી જ તેને ઔષધીઓનો ખજાનો પણ કહેવામાં આવે છે. આયુર્વેદના સૌથી મહત્ત્વપૂર્ણ ઔષધીય મિશ્રણોમાંનું એક એવા ‘ત્રિફળા’નો તે મુખ્ય ઘટક છે. આ જ કારણ છે કે હરડેની માગ માત્ર ખેતી પૂરતી મર્યાદિત નથી, પરંતુ સ્વાસ્થ્ય અને હર્બલ ઉદ્યોગમાં પણ તેની જબરદસ્ત માંગ છે. ભારતમાં હરડેનું ઝાડ લગભગ દરેક જગ્યાએ કુદરતી રીતે જોવા મળે છે. ખાસ કરીને તે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિળનાડુ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં જોવા મળે છે. તે જંગલોમાં આપમેળે ઊગી નીકળે છે. હવે દેશના અનેક વિસ્તારોમાં તેની વ્યવસાયિક ખેતી પણ થવા લાગી છે.
જ્યાં સુધી હરડેના ઝાડ માટે અનુકૂળ આબોહવા અને જમીનનો સવાલ છે, તો તે ઉષ્ણકટિબંધીય આબોહવા માટે અનુકૂળ છે, જ્યાં 20 થી 35 ડિગ્રી સુધીનું તાપમાન હોય, પરંતુ વરસાદની બાબતમાં તે 800 મિ.લી. થી 1500 મિ.લી. વાર્ષિક વરસાદ ધરાવતા વિસ્તારોમાં સરળતાથી ઊગે છે અને વિકસે છે. જ્યાં સુધી જમીનનો સવાલ છે, તો તે ગોરાડુ (રેતાળ અને ચિકણી મિશ્રિત) અથવા હલકી પથરાળ જમીન માટે વધુ સારી ગણાય છે, જેનું પીએચ 5.5 થી 7.5 ની વચ્ચે હોય. તેની એક ખાસિયત એ પણ છે કે આ ઝાડ દુષ્કાળ સહન કરી શકે છે, તેથી ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પણ તે સરળતાથી ઊગી નીકળે છે. જ્યાં સુધી તેના ફળ અને તેમાં આવતા ફૂલોનો સવાલ છે, તો તેના ફૂલો નાના, પીળા અને સફેદ હોય છે. તેમાં આવતું ફળ અંડાકાર આકાર હોય છે અને જ્યારે કાચું હોય ત્યારે લીલું અને પાકે ત્યારે પીળું કે હલકું ભૂખરું થઈ જાય છે. હરડેના ઝાડમાં ફળ આવતા 5 થી 7 વર્ષ લાગે છે અને જ્યારે એકવાર તે સારી રીતે ફળ આપવાનું શરૂ કરી દે છે, ત્યારે એક મધ્યમ કદના ઝાડમાં દર વર્ષે સરેરાશ 25 થી 50 કિલો સુધીના ફળ આવે છે.
હરડેનું ઔષધીય મહત્ત્વ ઘણું વધારે છે, કારણ કે તેના ફળમાં જે તત્ત્વો વિશેષ રૂપે જોવા મળે છે તેમાં ટેનિન, ગેલિક એસિડ અને એન્ટીઓક્સિડન્ટ્સ વગેરે મુખ્ય છે. તેના ફળનો ઉપયોગ મુખ્યત્વે કબજિયાત અને ગેસ સંબંધિત દવાઓ બનાવવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, ચામડીના રોગોથી મુક્તિ મેળવવામાં અને આજકાલના સૌથી વધુ ફેલાયેલા ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીઓમાં પણ ખૂબ થાય છે. આયુર્વેદ અને યુનાની પદ્ધતિની સાથે-સાથે આધુનિક હર્બલ ઉદ્યોગમાં પણ તેની સારી એવી માગ છે. ખેડૂતો માટે આર્થિક દૃષ્ટિએ આ વિશેષ મહત્ત્વનું વૃક્ષ છે, કારણ કે તે તેમને સ્થિર આવક આપે છે. વળી, આ વૃક્ષને વાવવામાં ઓછો ખર્ચ થાય છે અને તેની જાળવણીની પણ ઓછી જરૂર પડે છે. હરડે એ ગણ્યા-ગાંઠ્યાં વૃક્ષોમાંનું એક છે જેને સિંચાઈ અને ખાતરની ઓછી જરૂર પડે છે, જ્યારે તેના ફળોની માગ પતંજલિ, ડાબર જેવી આયુર્વેદિક કંપનીઓમાં હંમેશાં રહે છે. જ્યાં સુધી હરડેના વૃક્ષમાંથી થતી કમાણીના અંદાજની વાત છે, તો ગુણવત્તા અનુસાર એક મધ્યમ કદનું હરડેનું ઝાડ દર વર્ષે 25 થી 50 કિલો હરડેનું ઉત્પાદન આપે છે અને બજારમાં હરડેની કિંમત તેની ક્વોલિટી મુજબ પ્રતિ કિલો 60 થી 120 રૂપિયા સુધી હોય છે. આ રીતે જો 100 હરડેના ઝાડ લગાવી દેવામાં આવે, તો વર્ષે અઢી થી પાંચ લાખ રૂપિયા સુધીની કમાણી ખૂબ જ સરળતાથી થઈ શકે છે. જ્યાં સુધી તેની કમાણીની રીતોનો સવાલ છે, તો હરડેમાંથી અનેક પ્રકારે આર્થિક લાભ મળે છે, જેમાં તેના કાચા ફળને સીધા બજારમાં અથવા હર્બલ કંપનીઓને વેચવા અથવા તેને સૂકવીને તેના કાચા ફળ કરતા ત્રણથી ચાર ગણું કમાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોતાની પ્રોસેસિંગ યુનિટ લગાવીને તેનું ચૂર્ણ, ત્રિફળા અને વિવિધ આયુર્વેદિક દવાઓ બનાવીને સૂકા ફળની સરખામણીએ પણ 300 ટકાથી વધુ નફો મેળવી શકાય છે.
સવાલ એ છે કે તેને કેવી રીતે ઉગાડવું? તો તેને ‘એગ્રોફોરેસ્ટ્રી મોડલ’ હેઠળ ઉગાડવામાં આવે છે, એટલે કે ખેતરની સીમા પર અથવા ખાલી પડી રહેલી જમીનમાં આ ઝાડ ઉગાડવામાં આવે છે. હરડેની ખેતી જો મિશ્ર પદ્ધતિથી કરવામાં આવે તો વધુ લાભદાયી રહે છે. મિશ્ર એટલે કે હરડે + આમળા + બહેડા (ત્રિફળા મોડલ). જ્યાં પાણીની સુવિધા ઓછી હોય અને ઘઉં કે ડાંગર પકવવું મુશ્કેલ હોય, ત્યાં હરડેની ખેતી ઘણી સરળતાથી થઈ શકે છે. પરંતુ હરડેની ખેતી કરતા પહેલા એ પણ જાણી લો કે અન્ય ખેતીની જેમ આમાં પણ કેટલાક પડકારો છે. જેમ કે, હરડેનું ઝાડ વાવ્યાના ઓછામાં ઓછા પાંચ થી સાત વર્ષ પછી ફળ આપવાનું શરૂ કરે છે. તેથી, હરડેના ઝાડ કાં તો ખાલી પડી રહેલી જમીન પર લગાવવા જોઈએ, જેથી તેના પર તરત જ પાક આપવાનું દબાણ ન રહે.
આ ઝાડ વાવવામાં અન્ય મોટા પડકારોમાંનો એક એ પણ છે કે, તેને વાવ્યા પછી ખેડૂતોએ શરૂઆતનાં વર્ષોમાં ધીરજ રાખવાની જરૂર હોય છે. કારણ કે આ લાંબા ગાળે આવક આપતું ઝાડ છે, તે રાતોરાત અમીર બનવાનું સાધન નથી.
જો તમારી પાસે એક હેક્ટર જમીન છે જ્યાં તમે હરડેની ખેતી કરી શકો છો, તો વધુ સારું રહેશે કે તમે મિશ્ર ખેતી કરો. એટલે કે 100 હરડેના, 150 આમળાના અને 100 બહેડાના ઝાડ લગાવો. આ કુલ 350 ઝાડ જો યોગ્ય દેખરેખ સાથે ઉછેરવામાં આવે, તો પાંચ થી સાત વર્ષ પછી નિયમિત 10 થી 15 લાખ રૂપિયાની આવક આપી શકે છે.
પરંતુ પહેલાં પાંચથી સાત વર્ષ સુધી, એટલે કે જ્યાં સુધી છોડ પૂરેપૂરા મોટા અને વિકસિત ન થઈ જાય, ત્યાં સુધી દર વર્ષે 1.5 થી 1.75 લાખ રૂપિયાનો વાર્ષિક ખર્ચ થાય છે. તેથી જો મોટા પાયે અને વ્યવસ્થિત રીતે હરડે, આમળા અને બહેડાની ખેતી કરવી હોય, તો શરૂઆતમાં રોકાણ માટે ઓછામાં ઓછા 7થી 8 લાખ રૂપિયા હોવા જોઈએ.
હા, આ દરમિયાન જો સ્માર્ટ રીતે મિશ્ર ખેતી કરવામાં આવે, તો જ્યાં હરડે, બહેડા અને આમળાના કુલ 350 ઝાડ વાવ્યા છે, તે ખાલી જગ્યામાં હળદર, આદુ, મગ, ચણા અને શાકભાજી ઉગાડીને દર વર્ષે એકથી સવા લાખ રૂપિયા સુધીની વધારાની ખેતી કરી શકાય છે.
એકંદરે, ભારતમાં ઓછી આવક ધરાવતા ખેડૂતો માટે હરડેનું ઝાડ એક સ્થિર આવકનો સ્ત્રોત છે. જો રોકાણ માટે થોડા પૈસા હોય અને પોતાના ઉત્પાદનમાં ‘વેલ્યુ એડિશન’ કરવાનો પ્રયત્ન કરવામાં આવે, તો દર વર્ષે સરેરાશ એક હેક્ટર જમીનમાંથી 10 થી 15 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. જે રીતે આજે વિશ્વમાં હર્બલ અને અન્ય કુદરતી ઉત્પાદનોની માગ ઝડપથી વધી રહી છે, તે જોતા હરડેને ભવિષ્યનું ઉપયોગી અને આર્થિક આવક સુનિશ્ચિત કરતું વૃક્ષ માની શકાય છે.