Wed May 13 2026

Logo

CBSE 12ના પરિણામોમાં 85.20% વિદ્યાર્થી પાસ, ગત વર્ષ કરતા 3% ઓછું રિઝલ્ટ

2026-05-13 15:33:05
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ 12નું પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 85.20% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગયા વર્ષની સરખામણીમાં પરિણામમાં 3.19%નો ઘટાડો થયો છે. આ પરીક્ષામાં 88.86% વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે, જ્યારે 82.13% વિદ્યાર્થીઓ પાસ થયા છે.

પરિણામમાં ત્રિવેન્દ્રમ સૌથી ટોચ પર છે, જ્યાં પાસ થવાની ટકાવારી 95.62% રહી છે. જ્યારે દિલ્હી વેસ્ટમાં 92.34% અને દિલ્હી ઈસ્ટમાં 91.77% પરિણામ આવ્યું છે. કુલ 94,028 વિદ્યાર્થીઓએ 90% થી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે 17,113 બાળકોએ 95%થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. 

આ વખતે ઉત્તરવહીઓ 'ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ' હેઠળ તપાસવામાં આવી છે. ઉમેદવારો cbse.gov.in પર પોતાનું પરિણામ જોઈ શકે છે. જો વિદ્યાર્થીઓના મોબાઈલમાં ઈન્ટરનેટ ન હોય અથવા સર્વર ડાઉન હોય, તો તેઓ વિષયવાર ગુણ જાણવા માટે SMS મોકલીને પરિણામ મેળવી શકે છે. જોકે, ઓનલાઈન સ્કોરકાર્ડ માન્ય ગણાશે નહીં. વિદ્યાર્થીઓ માટે તેમની શાળામાંથી ઓરિજિનલ માર્કશીટ મેળવવી જરૂરી છે.

મેરિટ લિસ્ટ જાહેર નહીં થાય

CBSE બોર્ડ મેરિટ લિસ્ટ જાહેર કરતું નથી. આ ઉપરાંત, પરિણામમાં કોઈ ટોપર પણ જાહેર કરવામાં આવતા નથી. બોર્ડ તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને એવો નિર્દેશ આપે છે કે કોઈપણ બાળકને શાળા કે જિલ્લાના ટોપર જાહેર ન કરવા.

છોકરીઓનું રિઝલ્ટ છોકરાઓથી 6.73% વધારે

છોકરીઓનું પરિણામ 88.86% રહ્યું છે, જ્યારે છોકરાઓનું પરિણામ 82.23% રહ્યું છે. છોકરીઓનું પરિણામ છોકરાઓ કરતા 6.73% વધુ સારું રહ્યું છે. ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓનું પરિણામ 100% આવ્યું છે.

ત્રિવેન્દ્રમનું રિઝલ્ટ બેસ્ટ, પ્રયાગરાજ ફરી સૌથી પાછળ

ત્રિવેન્દ્રમ રીજનમાં 95.62% વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે દેશભરમાં સૌથી વધુ છે. બીજી તરફ, પ્રયાગરાજ રીજન 72.43% પરિણામ સાથે સૌથી નીચે રહ્યું છે. ગયા વર્ષે પણ ત્રિવેન્દ્રમનું પરિણામ સૌથી વધુ અને પ્રયાગરાજનું પરિણામ સૌથી ઓછું રહ્યું હતું.

અપાર આઇડી ન હોય તો શું કરવું

જો કોઇની પાસે APAAR ID નથી તો પોતાનું એકાઉન્ટ બનાવવું પડશે. જો કે જે વિદ્યાર્થીઓની APAAR ID CBSE સાથે લિંક છે, તેણે રિઝલ્ટ જાહેર થયા બાદ ડિજિલોકરના 'Issued Documents' સેક્શનમાં પોતાની માર્કશીટ મળી જશે.  

અહીં જુઓ CBSE 12નું રિઝલ્ટ

  1. cbse.gov.in
     
  2. results.nic.in
     
  3. results.digilocker.gov.in
     
  4. umang.gov.in

 

ફેલ થયેલા વિદ્યાર્થીઓને મળશે બીજી તક

એક અથવા વધુ વિષયોમાં પાસ ન થનારા વિદ્યાર્થીઓને આ વખતે પણ કમ્પાર્ટમેન્ટ પરીક્ષાની તક મળશે. તેનાથી તેમનું વર્ષ બગડશે નહીં અને તેઓ પોતાના ગુણ સુધારી શકશે. બોર્ડ ટૂંક સમયમાં જ કમ્પાર્ટમેન્ટ પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કરશે, જેના પછી અરજી કરવાની પ્રક્રિયા શરૂ થશે.