Thu Aug 20 2026

Logo

ખુશ્બૂ જેવો ખજાનો મિલે તો મિટ્ટી, ખોવે તો સોના...

2026-05-10 09:36:47
Author: સંજય છેલ
Article Image

ટાઈટલ્સ: દરેક મૃતદેહ, યાદોનો ખજાનો લઇને જાય. (છેલવાણી)

એક માણસ પાસે ‘રેર’અપ્રાપ્ય જૂની આઈટમો વેચનાર કે એન્ટિક પીસ સંઘરનાર વેપારીએ 2000 વર્ષ જૂની બંદૂક દેખાડીને કહ્યું,‘આ ગન, ગ્રીક જમાનાની ‘રેર’ આઈટમ છે. આને ખુદ મહાત્મા સોક્રેટિસે વાપરેલી!’

‘ગન અને સોક્રેટિસ? એ ક્યાં હિંસામાં માનતા?’

‘નહોતા જ માનતા! એટલે જ તો ‘રેર’ ગન છે!’ વેચનારે કહ્યું.

આપણને પણ સંઘરેલી જૂની ચીજો, અણમોલ ખજાના જેમ ‘રેર’ લાગે છે. કૉલેજકાળમાં કવિતાઓમાં ‘જૂનો પ્રેમ’ કે પ્રિયપાત્ર જગતભરના ખજાનાઓથી અણમોલ બની દેખાય છે. પ્રિયપાત્રને છેલ્લીવાર મળવાનું થાય અને એ છલ્લીવાર પાછળ ફરીને, જે તરસતી નજરે જુવે એ નજરમાં અણમોલ ખજાનો છુપાયેલ હોય છે. તમે તમારાં ગાત્રો ગીરવે મૂકો તોયે એને ક્યારે નહીં ખરીદી શકો.

કહેવાય છે કે ચૌલા વંશના રાજાઓ પાસે સોના-ચાંદી-હીરા-મોતી-માણેકનો બહુ મોટો ખજાનો હતો. દશ્મનોએ આક્રમણ કર્યું ત્યારે એમણે ખજાનો છુપાવી દીધો હતો. એ ખજાના વિશે અમુક લોકોને જ ખબર હતી. વર્ષો પછી શિવાજી મહારાજે હિન્દવી સામ્રાજ્ય સ્થાપ્યું ત્યારે ચૌલા વંશના આખરી રાજવી વારસદારોએ શિવાજી મહારાજને કહ્યું:

 ‘તમે આ ખજાનો સાચવો.’

 છત્રપતિ શિવાજીએ કહ્ય ું: ‘ના. આ અમારી કમાયેલી સંપત્તિ નથી એટલે હું હાથ ન લગાડું , પણ ખજાના માટે સાત-આઠ શિલદાર રાખીશ જે એને સાચવશે.’ હજી પણ એ ખજાનો ક્યાં છે ને એ ખજાનાને સાચવનાર શિલેદારના વંશજો ક્યાં છે? એ એક રહસ્ય છે. પણ આખી વાતમાં શિવાજી મહારાજની અદ્ભુત ખાનદાનીનો ખજાનો દેખાય છે.

થોડાંક વરસ અગાઉ એક સાધુમહાત્માને સપનું આવેલું કે યુ.પી.ના એક ઉન્નાવ ગામમાં કોઇ રાજાએ ખજાનો દાટ્યો છે. જો સરકાર એને ખોદી કાઢે તો ભારતમાંથી ગરીબી દૂર થઈ જશે. આ સૂણીને બીજા બધા તો ઠીક પણ ખુદ પુરાતત્ત્વ વિભાગ કોદાળી, પાવડા લઈને ત્યાં પહોંચી ગયો. દિવસોની મહેનત બાદ જોકે એમને ત્યાં કંઈ જ નીકળ્યું નહીં, કદાચ ખજાનો લૂંટાઇ ગયો હશે! જોકે આમેય દેશના ખજાના તો વર્ષોથી દેશીવિદેશીઓ લૂંટીને લઈ જાય છેને?

ગયા વર્ષે છત્રપતિ સંભાજી મહારાજના સંઘર્ષ અને બલિદાન પર આધારિત ફિલ્મ ‘છાવા’ રિલીઝ થયેલી. ત્યારે મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં મુઘલો એમનું સોનું રાખતા એવું સિનેમામાં દેખાડ્યું હતું. ફિલ્મની રિલીઝ બાદ ઘણી બધી પ્રતિક્રિયાઓ આવેલી. એને લઈને રાજકારણ રમાયેલું ને નાગપુરમાં તો ઔરંગઝેબની કબર વિશે દંગાઓ પણ થયા હતા, પણ તે બધા ઉપરાંત ફિલ્મ અંગે અમુક અજીબ અફવાઓએ વેગ પકડેલો ‘મુઘલ યુગનો ખજાનો અસીરગઢ કિલ્લાની આસપાસ દટાયેલો છે. ઇન્દોરથી લગભગ 165 કિલોમીટર  દૂર આવેલો અસીરગઢ કિલ્લોે 15મી સદીનો છે અને ભારતના ઇતિહાસને આકાર આપનારાં ઘણાં યુદ્ધોનું સ્થળ હતું.’ 

લાંબા સમયથી દટાયેલા ખજાનાની દંતકથાઓ સાથે એ કિલ્લો સંકળાયેલો છે. અફવાઓને લીધે મુઘલયુગનું સોનું મળવાની આશામાં આસપાસનાં ગામવાળાઓએ મેટલ ડિટેક્ટર લઈને કિલ્લાની આસપાસનાં ખેતરો ખોદી નાખેલાં.

ઇન્ટરવલ:

ચાહો જો ચાહત કા ખઝાના
તુમ આના ઔર તન્હા આના ( ઇબ્ને ઇંશા)

થોડા વખત પહેલાં સ્વિડનની પાસેનાં બાલ્ટિક સમુદ્રમાં એક અલગ જ ખજાનાનો જબરો જેકપોટ લાગ્યો હતો. રોકડ કે સોના-ચાંદીનો પટારો નહીં પણ ‘અંગુર કી બેટી’ અર્થાત જૂના શરાબનો જબરો જથ્થો! 19મી સદીમાં એક વૈભવી જહાજ બાલ્ટિકના સમુદ્રી તોફાનમાં ડૂબી ગયેલું. સમુદ્રનાં ઊંડાણમાં મરજીવાઓની ટીમને શોધખોળ કરતાં જહાજનો કાટમાળ મળ્યો, જેમાંથી 100થી વધુ ઊંચી બ્રાંડની શેમ્પેનની બોટલ્સ હતી. અમુક દારૂની બોટલ્સ પર ‘સેલ્ટ્ઝર’ જર્મની કંપનીનાં સ્ટીકર્સ હતા. જે માત્ર શ્રીમંતોને જ ત્યારે પરવડતો! કદાચ એ બોટલ્સ રશિયાના રજવાડી ‘ઝાર પરિવાર’ માટે હતી, જેનાં આજે લાખો ડૉલર્સ ઊપજે!

 એક માણસને ખબર પડી કે ઘરના આંગણામાં મોટો ખજાનો છુપાયેલો છે. ખજાનો શોધવા મહામહેનતે ઊંડો ખાડો ખોદે છે પણ કશું મળતું નથી. છેવટે કોશિશ છોડી દે છે. થોડા દિવસ પછી પુરાતત્ત્વ વિભાગ ત્યાં ખોદવાનું શરૂ કરે છે. પેલાએ જ્યાં ખોદેલું એમાં માંડ ચાર ફૂટ જેટલું જ ખોદ્યું કે ખજાનો મળ્યો! માણસને અફસોસ થયો કે અરેરે, જો મેં ફક્ત ચાર જ ફૂટ વધારે ખોદ્યું હોત તો ખજાનો મને મળી ગયો હોત! ખેર, ખોવાય એ જ ખજાનો. તમારેય તમારા જીવનનાં છૂપા ખજાનાઓને શોધવાના છે. ખજાના બંધ કિસ્મતના હોય, પ્રેમના હોય કે સુખશાંતિના હોય.

ક્યારેક થાય છે કે સરકારી ઓફિસો ખોદી કાઢવી જોઈએ. ખબર નહીં કંઇ કેટલાં હાડપિંજરો, સ્કેન્ડસના ખજાના મળી આવશે! ભ્રષ્ટ નેતાઓના આલીશાન બંગલાઓના આંગણાં ખોદવા જોઈએ. ખબર નહીં કેટલાં કરોડો રૂપિયા કે સોનુંચાદી મળી આવે... કવિલેખકોના ઘર ખોદવા જોઈએ. ખબર નહીં કેટકેટલી અધૂરી રચનાઓ, અનેક  તૂટેલાં દિલોના દસ્તાવેજ નીકળશે! હજી કેટલાંય ખજાના ધરબાઈને પડ્યા છે, ધરતીમાં અને છતાંયે ફરી ફરી આપણે વાતે વાતે ભડકામણીથી ઈતિહાસની જૂની વાતોમાં ભરમાઇએ છીએ, હરખાઇએ છીએં. બીજી બાજુ નાનું બાળક  પીઠ પર ઈતિહાસનાં પુસ્તકો લાદીને નિશાળે નવા જીવન તરફ જાય છે ને ફરી એનાંમાં ઊતરી આવે છે એ જ પૂર્વગ્રહો, ધિક્કારો કાશ, ભાવિ પેઢીને ભવ્ય ભાવિનો ખજાનો મળે!

એંડટાઇટલ્સ:

ઇવ: તેં ખજાનો જોયો છે.  

આદમ: હાં, તારી અધખૂલી આંખોમાં!