અમદાવાદઃ ગુજરાતમાં કડક દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ છે. રાજ્યમાં સમયાંતરે દારૂનો મોટો જથ્થો ઝડપાતો રહે છે, પરંતુ લઠ્ઠાકાંડ જેવી ઘટના બને ત્યારે ફરી દારૂબંધી હટાવવાની, નિયમોમાં છૂટછાટ આપવાની વાતો શરૂ થાય છે. ભાવનગરમાં તાજેતરમાં થયેલો લઠ્ઠાકાંડ રાજ્યમાં થયેલો પ્રથમ મોટો લઠ્ઠાકાંડ નથી, ગુજરાતમાં છેલ્લાં 15-17 વર્ષમાં 6 મોટા લઠ્ઠાકાંડ થયા છે.
ગુજરાતમાં છેલ્લાં 15-17 વર્ષમાં 6 મોટા લઠ્ઠાકાંડ
2009: જૂન 2009 અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં 140થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં બાપુનગર, ઓઢવ, કાગડાપીઠ વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી લોકોના ટપોટપ મોત થયા હતા. તેમજ 200થી વધુ લોકોએ આંખોની રોશની ગુમાવી હતી. જુલાઈ-2009માં કંટોડિયા વાસના એક અડ્ડા પરથી પ્યાસીઓએ દેશી દારૂ પીધો હતો, જે ઝેરી પુરવાર થયો હતો. 2009ના લઠ્ઠાકાંડના પીડિતોના લોહીના નમૂનાની તપાસ ગાંધીનગર ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી દ્વારા કરવામાં આવી હતી, જેમાં મિથેનૉલની હાજરીના પુરાવા મળ્યા હતા. 2009ના મહેતા પંચે મિથેનૉલ જેવા કેમિકલના વેચાણ ઉપર નિયંત્રણ રાખવાની હિમાયત કરી હતી. આ રિપોર્ટને વિધાનસભામાં ટેબલ કરવા માટે પણ કેટલાક લોકોએ ગુજરાત હાઈ કોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા હતા. એ પછી રિપોર્ટ રજૂ થયો હતો. શરાબીઓ દ્વારા કાયદાનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે શરાબનું સેવન કરવામાં આવ્યું હતું, એટલે રાજ્ય સરકાર દ્વારા તેમને કોઈ વળતરની જાહેરાત કરવામાં આવી ન હતી.આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આખા દેશમાં પડ્યા હતા. આ કેસમાં 10 વર્ષ બાદ આપેલા ચૂકાદામાં 3 આરોપીને 10 વર્ષની જેલની સજા અને 50 હજાર રુપિયાનો દંડ થયો હતો. ત્રણ મહિલા આરોપીને 3.5 વર્ષની જેલની સજા અને 2500 રૂપિયાના દંડની સજા ફટકારી હતી.
2016: સપ્ટેમ્બર 216માં સુરતના પલસાણા(વરેલી), કડોદરા જીઆઈડીસી,લિંબાયત તથા કાપોદ્રા વિસ્તારોમાં ઝેરી દારૂ પીવાથી 20થી વધુ શ્રમિકોનાં મોત થયાં હતા. 30મી ઓગસ્ટ 2016ના રોજ લઠ્ઠાકાંડ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં શરૂઆતમાં બે નિર્દોષ લોકોનાં મોત થયાં હતાં, ત્યારથી શરૂ કરી તા. 19-9-2016 સુધીમાં બીજા 19નાં મોત થયાં હતાં. આમ મૃત્યુઆંક 21 સુધી પહોંચ્યો હતો. અંગે કાપોદ્રા પોલીસ મથકમાં બે અને કડોદરા જીઆઈડીસીમાં પાંચ ગુના નોંધાયા હતા.
2022: જુલાઈ 2022માં બોટાદના બરવાળા અને રાણપુરના રોજિદ ગામે કેમિકલકાંડમાં 40થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. દેશી દારૂમાં ફેક્ટરીમાંથી ચોરી કરાયેલું કેમિકલ ભેળવવામાં આવ્યું હતું.અમદાવાદના પીપળજ વિસ્તારમાંથી કેમિકલ ચોરી કરીને બોટાદ મોકલવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે મુખ્ય આરોપીઓ અને કેમિકલ સપ્લાય કરનાર શખ્સો સામે ગુના દાખલ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં એક જ પરિવારના બેથી ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ બોટાદ,બરવાળા અને રાણપુરના 12 પોલીસકર્મી બદલી કરવામાં આવી હતી.
2024: જાન્યુઆરી 2024માં દહેગામમાં લિહોડા ગામમાં ઝેરી દારૂથી બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. અન્ય સાતથી નવ લોકોને તેની ગંભીર અસર થઈ હતી. આ ઘટના બાદ ગામમાં અનેક રાજકીય નેતાઓએ મુલાકાત લીધી હતી. ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા, આઈજી રેન્જ ઓફિસર સહિતનો પોલીસ કાફલો ગામમા દોડી આવ્યો હતો.
2025: ફેબ્રુઆરી 2025માં નડિયાદના જવાહર નગર વિસ્તારમાં ઝેરી દારૂથી 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો. દેશી દારૂના સેવનથી મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેના કારણે હડકંપ મચી ગયો હતો.
2026: ભાવનગરમાં ઓગસ્ટ 2026માં લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. બુટલેગરોએ બ્રાન્ડેડ રોયલ સ્ટેગ દારૂની ખાલી બોટલો, ઢાંકણા અને સ્ટીકરો મેળવી તેમાં મિથેનોલ મિશ્રિત ઝેરી પ્રવાહી ભર્યું હતું. એફએસએલ અને મેડિકલ તપાસમાં સામે આવ્યું છે કે, ઝેરી અસર પામેલા 10 દર્દીઓના લોહી અને યુરિન સેમ્પલમાં 38.59% જેટલું ઘાતક મિથેનોલ મળી આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દેશી દારૂમાં વધારે નશા માટે બુટલેગરો દ્વારા દેશી દારૂ ગાળતા સમયે તેમાં મિથાઈલ આલ્કોહોલ, મેન્ડ્રેકસ જેવી વસ્તુ ઉમેરવામાં આવે છે, આના કારણે નશો તો વધારે ચઢે છે, સાથે જીવનું જોખમ પણ વધી જાય છે પરિણામે લઠ્ઠાકાંડની ઘટના સામે આવતી રહે છે.