Mon Sep 14 2026

Logo

ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, મગફળીના ટેકાના ભાવમાં રૂ. 254 પ્રતિ ક્વિન્ટલનો વધારો

2026-05-13 18:35:08
Author: Chandrakant Kanoja
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, મગફળીના ટેકાના ભાવમાં રૂ. 254 પ્રતિ ક્વિન્ટલનો વધારો

ગાંધીનગર: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર  સરકારે વર્ષ 2026-27માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની વધારા સાથે જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવમાં પણ રૂ. 254 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.જેને પગલે રાજ્યના કૃષિ મંત્રી  જીતુ વાઘાણીએ પીએમ મોદી અને કૃષિ મંત્રી  શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે.

લઘુત્તમ ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે

રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. 

ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકશે

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકશે. 

મગફળી પાક માટે રૂ. 7,517 પ્રતિ ક્વિન્ટલ ભાવ 

વર્ષ 2026-27માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ મગફળી પાક માટે રૂ. 7,517 પ્રતિ ક્વિ., કપાસ (લંબતારી) માટે રૂ. 8,667 પ્રતિ ક્વિ., ડાંગર માટે રૂ. 2,441 પ્રતિ ક્વિ., જુવાર માટે રૂ.4,023 પ્રતિ ક્વિ., બાજરી માટે રૂ. 2,900 પ્રતિ ક્વિ., રાગી માટે રૂ. 5,205 પ્રતિ ક્વિ., મકાઈ માટે રૂ. 2,410 પ્રતિ ક્વિ., તુવેર માટે રૂ. 8,450 પ્રતિ ક્વિ., મગ માટે રૂ. 8,780 પ્રતિ ક્વિ., અડદ માટે રૂ. 8,200 પ્રતિ ક્વિ., સોયાબીન માટે રૂ. 5,708 પ્રતિ ક્વિ. તેમજ તલ પાક માટે રૂ. 10,346 પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

મગફળીના ટેકાના ભાવમાં પણ રૂ. 254 પ્રતિ ક્વિન્ટલનો વધારો 

ગત વર્ષની સરખામણીએ કપાસ (લંબતારી), તલ અને તુવેરના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ક્રમશ  રૂ. 557, રૂ. 500  અને રૂ. 450 નો વધારો કરાયો છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવમાં પણ રૂ. 254 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.