Fri Jun 19 2026

Logo

પહેલી ઑક્ટોબરથી પવઈ તળાવમાં ગટરનું પાણી છોડવાનું બંધ:

2026-06-19 08:31:00
Author: Sapna Desai
Article Image

 તળાવ પરિસરનો  પુન:વિકાસ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના મહત્ત્વના ગણાતા પવઈ તળાવમાં પહેલી ઓક્ટોબરથી ગટરનું પાણી છોડવાનુંં સંપૂર્ણપણે બંધ થઈ જશે એવું આશ્ર્વાસન મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને ગુરુવારે સ્થાયી સમિતિને આપ્યું હતું. એ બાદ સમિતિએ તળાવના પુન:વિકાસના  પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જોકે વિરોધ પક્ષના નગરસેવકોએ પાલિકા દ્વારા પસંદ કરવામાં આવેલી કંપની સામે વાંધો ઉઠાવ્યો હતો.

સ્થાયી સમિતિમાં નગરસેવકોએ એઈકોમ એશિયા કંપની લિમિટેડની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સલાહકાર તરીકે નિમણૂક સામે વાંધો ઉઠાવ્યો હતો. આ દરમ્યાન પુનર્વિકાસ યોજનામાંપવઈ તળાવના પ્રોમેનેડ સુધી આવવા ઈચ્છુક પર્યટકો  માટે ટિકિટ રાખવાની રજૂઆત કરવામાં આવી છે,  કારણકે રાજ્ય સરકારે પાલિકાને લોકપ્રિય જાહેર જગ્યા માટે નાણાકીય રીતે સ્વ-નિર્ભર મોડેલ વિકસાવવા કહ્યું છે.

પાલિકાના અધિકારીઓએ ગુરુવારે યોજાયેલી સ્થાયી સમિતિને  માહિતી આપી હતી કે  પ્રશાસને  પવઈ તળાવના પ્રોમેનેડના લાંબા સમયથી રાહ જોવાતા  પુન:વિકાસ માટે ૧.૮૫ કરોડ રૂપિયાના ક્ધસલ્ટન્સી ખર્ચે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે એઈકોમ એશિયા કંપની લિમિટેડની નિમણૂક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.  આ પ્રસ્તાવને જાહેર ટેન્ડર પ્રક્રિયામાંથી છૂટ આપવામાં આવ્યો  છે અને આદિ શંકરાચાર્ય માર્ગ (જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ) પર ગણેશ ઘાટ અને પવાર વાડી  પર વિસર્જન પોઈન્ટ  વચ્ચેના ૧.૮ કિમી લાંબા પ્રોમેનેડને વિકસાવવામાં આવ્યાના લગભગ બે દાયકા પછી પ્રસ્તાવને સ્થાયી સમિતિમાં લાવવામાં આવ્યો છે.

વિરોધ પક્ષના નગરસેવકોએ ક્ધસલ્ટન્ટની યોગ્યતા અને ટેન્ડર પ્રક્રિયામાંથી મુક્તિ આ બંને મુદ્દા પર પ્રશાસને સવાલો કર્યા હતા. કોંગ્રેસના નગરસેવક અશરફ આઝમીએ આરોપ કર્યો હતો કે  એઈકોમ એશિયા કંપની  પાસે તળાવના રિસ્ટોરેશનનો અનુભવનો અભાવ છે અને જાહેર ભંડોળનો ઉપયોગ  જવાબદારી માંગી લેનારું છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નગરસેવિકા સઈદા ખાને પવઈ તળાવને રમતગમત પ્રવૃત્તિઓ અને લેઝર શો સાથે આવક ઉત્પન્ન કરતા મનોરંજન કેન્દ્ર તરીકે વિકસાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એ  ઉપરાંત તેના મગરોને ભાયખલા પ્રાણી સંગ્રહાલયમાં સ્થળાંતર કરવાનું પણ સૂચન કર્યું હતું.

શિવસેના (ઠાકરે) નગરસેવક  યશોધર ફણસેએ તળાવના પુન:વિકાસમાં કુશળતા ધરાવતી ઘણી કંપનીઓ હોવા છતાં  સ્પર્ધાત્મક બોલી લગાવીને પાલિકા ક્ધસ્લટન્ટ કેમ નીમવા માગતી નથી? એવો સવાલ ઉપસ્થિત કરતા આ પ્રસ્તાવનો બચાવ કરતા પાલિકાના એડિશનલ  કમિશનર (પ્રોજેક્ટ) અભિજીત બાંગરે જણાવ્યું હતું કે કોસ્ટલ રોડ સહિતના અનેક મહત્ત્વના માળખાગત પ્રોજેક્ટ કંપનીએ કુશળતાપૂર્વક પાર પાડયા છે, તેથી તેની  પસંદગી કરવામાં આવી હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બોમ્બે (આઈઆઈટી) અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી  તળાવના રિસ્ટોરેશન પ્રોજેક્ટમાં  માર્ગદર્શન કરશે. 

સીઆરઝેડની મંજૂરી આવશ્યક નથી
પાલિકાના એડિશનલ કમિશનર બાંગરે કહ્યું હતું કે આ પ્રોજેક્ટમાં પવઈ તળાવ અને તેના પ્રોમેનેડનો સર્વાંગી પુનર્વિકાસ પણ શામેલ છે, જેમાં ભવિષ્યમાં મનોરંજન સુવિધાઓનો અવકાશ છે. મગરોને સ્થળાંતરિત કરવાનો કોઈપણ નિર્ણય વૈજ્ઞાનિક મૂલ્યાંકન પર આધારિત હશે. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ પ્રોજેક્ટ માટે કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન (સીઆરઝેડ) મંજૂરીની આવશ્યકતા નથી.

૩૦ જૂન બાદ ગંદુ પાણી છોડવાનું બંધ થશે
સ્થાયી સમિતિને ખાતરી આપતા બાંગરે વધુમાં જણાવ્યું હતું કે પવઈ તળાવમાં લગભગ ૧૮ મિલ્યન લિટર દૈનિક (એમએલડી) ગંદુ પાણી છોડતા તમામ ૧૮ ગટરના આઉટફોલને અટકાવવામાં આવી રહ્યા છે. આ કામ ૩૦ જૂન સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, જેથી પહેલી ઓક્ટોબરથી તળાવમાં ગટરનું પાણી આવતું બંધ થશે. પાલિકાના અધિકારીઓ અને આઈઆઈટી  બોમ્બે દ્વારા સંયુક્ત રીતે આઉટફોલની ચકાસણી કરવામાં આવી છે. ૨૨૩ હેક્ટરમાં ફેલાયેલું અને ૬.૬૧ ચોરસ કિમીનો કેચમેન્ટ વિસ્તાર ધરાવતું પવઈ તળાવ મુંબઈનું સૌથી મહત્ત્વનું શહેરી જળસંગ્રહોમાંનું એક છે. જોકે પવઈનું પાણી પીવા માટે વાપરવામાં આવતું નથી. પવઈનું પાણી ઔદ્યોગિક વપરાશ માટે કરવામાં આવે છે.