Fri Sep 04 2026

Logo

મુંબઈ મહાનગરપાલિકામાં ઓપેરશન ટાઈગર

2026-06-19 08:22:00
Author: Sapna Desai
મુંબઈ મહાનગરપાલિકામાં ઓપેરશન ટાઈગર


ઠાકરે ૨૫ નગરસેવકો પક્ષ સાથે છેડો ફાડવાની તૈયારીમાં?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (ઠાકરે) ના છ લોકસભા સાંસદો બળવાના અહેવાલો વચ્ચે હવે નાયબ મુખ્ય પ્રધાન  એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ દાવો કર્યો છે કે મુંબઈ મહાનગરપાલિકામાં ટૂંક સમયમાં ‘ઓપરેશન ટાઇગર’ હાથ ધરવામાં આવશે. 

શિંદે પાર્ટીએ દાવો કર્યો  છે કે ઉદ્ધવ ઠાકરે છાવણીના લગભગ ૨૫ નગરસેવકો પક્ષ બદલીને શિંદે જૂથમાં જોડાવા તૈયાર છે. ૨૦૨૬ ની પાલિકાની ચૂંટણીમાં શિવસેના (ઠાકરે) એ ૬૫ બેઠકો જીતી હતી, જ્યારે શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ ૨૯ નગરસેવકો જીત્યા હતા. શિવસેના (ઠાકરે) પર રાજકીય દબાણ વધારતા શિંદે સેનાના નગરસેવકે દાવો કર્યો હતો કે ઠાકરેની શિવસેનામાંથી ચૂંટાયેલા નગરસેવકો નોંધપાત્ર સંખ્યામાં શિંદે છાવણીમાં આવવાનું વિચારી રહ્યા છે. તેમણે પક્ષમાં વધી રહેલા અસંતોષનો આરોપ લગાવતા કહ્યું કે તેમના પક્ષમાં નગરસેવકો  ઉપેક્ષિત અનુભવે છે. જેમ સાંસદો અને વિધાનસભ્યો અમારો સંપર્ક કરી રહ્યા છે, તેમ નગરસેવકો  પણ અમારા નેતાઓના સંપર્કમાં છે. લગભગ ૨૦ થી ૨૫ નગરસેવકોએ અમારી સાથે જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ તેમાં થોડો સમય લાગશે. 

શિંદે સેનાના દાવાઓને પાયાવિહોણા ગણાવતા પાલિકાના વિરોધપક્ષ નેતા અને શિવસેના (ઠાકરે)ના સિનિયર નગરસેવિકા કિશોરી પેડણેકરે કહ્યું હતું કે શિવસેના (યુબીટી)ના એક પણ નગરસેવક  પક્ષ છોડવાનો નથી. આ ફક્ત શિંદે સેના દ્વારા મૂંઝવણ ઊભી કરવા અને રાજકીય લાભ મેળવવા માટે ફેલાવવામાં આવી રહેલી અફવાઓ છે.